Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પરીક્ષામાં ગોટાળા : પરીક્ષા નિયામક અમીત પારેખને હટાવવા NSUI દ્વારા કુલપતિને રજૂઆત

પેપર ફુટવા, ખોવાઇ જવા, ડમી કાંડ સહિતના પ્રશ્ને યુનિવર્સિટીના તંત્રને ઢંઢોળતુ NSUI

રાજકોટ, તા. ર૬: પરીક્ષા કૌભાંડની વગોવાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી પરીક્ષા નિયામક અમીત પારેખને હટાવવાની માંગ એન. એસ.યુ.આઇ.એ. કરી છે.

એનએસયુઆઇએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ એ ગ્રેડ યુનિવર્સિટીનું સ્થાન ધરાવે છે. યુનિવર્સિટીનું હૃદય એટલે પરીક્ષા વિભાગ હોય છે. આ વિભાગના નિયામક તરીકે કોઇ સૂઝ વાળો તેમજ નીરોગી અને સ્ફુર્તીમય હોવો જોઇએ. જે હાલના નિયામકમાં એકપણ ગુણ નથી આના કારણે આ વ્યકિત કોઇપણ જવાબદારી લેતા નથી તેમજ હાલનો કોઇપણ પરીક્ષા વિભાગના અધિકારી એકબીજા ઉપર જવાબદારી નાખીને વિદ્યાર્થીની કારકીર્દી સાથે રમત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગેની કામગીરી ટલે ચડી રહી છે.

ઇન્ચાર્જ પરીક્ષા નિયામક શ્રી અમિત પારેખ હાલ યુનિ.માં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે છે.

તેમના કાર્યકળમાં પેપર ફુટવા, પેપર ખોવાઇ જવા, ડમી વિદ્યાર્થી કાંડ, પરીક્ષા વિભાગના કર્મચારી દ્વારા પેપર વેચવા, પરીક્ષાઓ અનેકવાર ફરીવાર લેવી પડી, પેપરોમાં કાયમી ભુલોના કારણે વિદ્યાર્થીઓને નુકશાન, પરીક્ષાના કાર્યક્રમ આપેલ હોવા છતાં ફેરફાર કરવાથી ખુબજ નુકશાન, કોલેજોમાં લેવાતી પરીક્ષામાં ચોરીના દુષણમાં પરીક્ષા નિયામકની કામગીરી શુન્ય, વિદ્યાર્થીના પરીણામ દસ દસ મહીના સુધી આપી શકતા નથી. વિદ્યાર્થીઓ સાથેનો પરીક્ષા નિયામકનો વ્યવહાર બુટલેગર જેવો કાયમી રહેલ છે તેમજ આ વ્યકિતને મેડીકલ વેરીફીકેશન કરાવવું વિદ્યાર્થી જગતમાં માંગ ઉઠી છે. રજૂઆતમાં એનએસયુઆઇનાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરજભાઇ ડેર, રાજકોટ એનએસયુઆઇ  પ્રમુખ જયકિશનસિંહ ઝાલા, ઉપપ્રમુખ કરણ લાવડીયા, રોહીત રાજપૂત, મહામંત્રી વિક્રમ બોરીચા, મંત્રી કિરીટસિંહ ડોડીયા, હર્ષદીપસિંહ જાડેજા, અભિરાજસિંહ તલાટીયા તેમજ એનએસયુઆઇના કાર્ય કરતા જોડાયા હતાં.

(4:27 pm IST)