Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સૌરાષ્ટ્રમાં રજવાડાઓના વખતમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ધારાસભા હતી : સૌ પ્રથમ ધારાસભા શરૂ કરવાનું શ્રેય ભાવનગર સ્ટેટ સ્વ. ભાવસિંહજી ગોહિલના ફાળે : આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા ૧૯૧૮ ની સાલમાં ભાવનગરમાં ૩૮ સભ્યો સાથે ધારાસભાની શરૂઆત થઇ હતી

રાજકોટ : સૌરાષ્ટ્રમાં રજવાડાઓના વખતમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આજથી ૧૦૦ વર્ષ પહેલા એટલ કેે ૧૯૧૮ ની સાલમાં ધારાસભા ગૃહની શરૂઆત કરવાનું શ્રેય ભાવનગર સ્ટેટ શ્રી ભાવસિંહજી ગોહિલના ફાળે જાય છે. જેમણે પોતે પ્રજાના અગ્રણી એવા -૩૮ શ્રેષ્ઠીઓને પસંદ કરી ધારાસભ્ય તરીકે નિમણુંક આપી હતી ત્યાર પછી તેમના કુંવર કૃષ્ણકુમારસિંહજીએ આ સંખ્યા વધારીને પપ કરી હતી. જેમાં ૩૩ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા. ૧૬ સભ્યોને તેમણે જાતે નિમણુંક આપી હતી તથા ૬ સભ્યોને હોદ્દાની રૂએ ધારાસભામાં બેસાડાતા હતા આ તમામ સભ્યોને પ્રશ્નો પુછવાનો ઠરાવ પસાર કરવાનો તેમજ બજેટ ઉપર ચર્ચા કરવાનો અધિકાર હતો. આ ધારાસભા વર્ષમાં ઓછામાં ઓછી -ર વખત મળતી હતી. આજ રીતે પોરબંદર સ્ટેટએ પણ ધારાસભા ગૃહ શરૂ કર્યુ હતું. ત્યાર પહેલા-૧૯૦૮ની સાલમાં વડોદરાના મહારાજા ગાયકવાડ બીજાએ ધારાસભા ગૃહ શરૂ કરી દીધુ હતું.

૧૯ર૧ની સાલથી ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાંથી પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટવાની શરૂઆત થઇ હતી. જેઓ મુંબઇ ખાતે બેસતી ધારાસભામાં ભાગ લેતા હતા. સ્વતંત્રતા મળ્યા પછી ૧૯પરની સાલમાં સૌરાષ્ટ્રને અલગ વિધાનસભા ગૃહ અપાયું.

જેના સૌ પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ઢેબરભાઇ હતા. આ ધારાસભા રાજકોટના જયુબેલી બાગમાં આવેલા કોનોટ હોલ (હાલનો અરવિંદભાઇ મણિયાર હોલ)માં બેસતી હતી. બાદમાં ૧ ૯પ૬ની સાલમાં સૌરાષ્ટ્ર ધારાસભાનું વિસર્જન કરી તેને મુંબઇ ધારાસભા સાથે જોડી દેવામાં આવી.

૧ મે ૧૯૬૦ના રોજ મુંબઇ રાજયના ર વિભાગ પડ્યા એક મહારાષ્ટ્ર અને બીજુ ગુજરાત તરીકે ઓળખાતું. આ ગુજરાતનું પાટનગર ત્યારે અમદાવાદ હતું. જયાં હાલની સિવિલ હોસ્પિટલના ઓપીડી હોલમાં ધારાસભા બેસતી હતી. જેના ૧પ૪ સભ્યો હતા જેની સંખ્યા વધારીને ૧૯૬૭ની સાલમાં ૧૬૮ કરવામાં આવી. ત્યારબાદ ફરીવાર ૧૯૭પની સાલમાં આ સંખ્યામાં વધારો કરાયો જે મુજબ હાલમાં પણ ૧૮ર બેઠકો છે. આ ૧૮ર બેઠકોમાં ૧૪ર બેઠકો જનરલ કેટેગરીની છે. ૧૩ શેડયુલ કાસ્ટ તથા ર૭ શેડયુલ ટ્રાઇબ માટે અનામત છે.

૧૯૭૧ની સાલમાં ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થઇ જયાં સેકટર ૧૭માં આવેલા સેન્ટ્રલ લાયબ્રેરી બિલ્ડીંગમાં ૧૧ ફેબ્રુ.ના રોજ ધારાસભા ગૃહ શરૂ કરાયું. નવા ગૃહનું ભૂમિપૂજન ર૦ માર્ચ ૧૯૭૮ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ સ્વ. નિલમ સંજીવ રેડ્ડીના હસ્તે કરાયું. જે ૧૯૮ર ની સાલમાં તૈયાર થતા તેને વિઠ્ઠલભાઇ પટેલ ભવન નામ અપાયું. જેનું ઉદ્ઘાટન તત્કાલિન ગવર્નર શ્રીમતિ શારદા મુખર્જીએ કર્યુ હતું. ત્યારથી ગુજરાત વિધાનસભા આ જગ્યાએ મળે છે.

હવે આ જગ્યા ઉપર ૧૩પ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવનિર્માણ કરાયું છે. આ રિનોવેટ કરાયેલુ બિલ્ડીંગ વર્તમાન ગવર્નર શ્રી ઓ.પી. કોહલીએ ખુલ્લુ મુકયુ જયા ૧૯ ફેબ્રુ.ર૦૧૮ના રોજ બજેટ સત્ર શરૂ કરાયું. આ નવનિર્મિત રિનોવેટ કરાયેલું બિલ્ડીંગ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં ધારાસભ્યો માટે આરામદાયક ચેર, મુખ્યમંત્રી સહિતના કેબિનેટ મિનિસ્ટરો માટે અદ્યતન સુવિધાઓ સાથેની ઓફિસો, કોન્ફરન્સ હોલ, તેમજ લાયબ્રેરીની સુવિધાઓ છે. એટલું જ નહિ તે સજ્જડ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

- અરવિંદ જે. બગડાઇ, રાજકોટ મો. ૯૮ર૪૩ પ૬૭૪પ

(4:17 pm IST)