Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મહાકાય બંધોનું અવતરણ પરિણામે અનાદિ કાળથી વહેતી સુંદર નદીઓનું મરણ

 તંત્રીશ્રી,

મહાન ભારતની મહાપ્રજા તેમજ પ્રાણીમાત્રની અકલ્પનીય કમનસીબી છે કે ભયંકર દગાબાજ લોકતંત્રના સંચાલકો અસંખ્ય વર્ષોની અદ્ભુત પરંપરા અને સાંસ્કૃતિક વારસાનો અબજો રૂપિયાનો ધુમાડો કરીને, બે ફામ કરવેરામાં સૌને ફસાવીને કચ્ચરધાણ વાળી રહયા છે. જળ, જમીન, જંગલ અને જાનવર આ અનંત ચતુષ્કના મજબુત પાયા હચમચાવી નાંખનાર અણધડ અને ભ્રષ્ટ તંત્ર સામે અત્યંત પ્રમાણિક અને નિઃસ્વાર્થ સેવાભાવીઓ સર્વશ્રી મેઘા પાટકર, બાબા આમ્ટે, ચુનીભાઇ વૈધ, સુંદરલાલ બહુગુણા વિગેરેના બુલંદ અવાજને રૃંધી નાંખ્યો, એટલું જ નહિ કેવડીયામાં પરમાર્થ પરાયણ બહેન મેઘા પાટકર ઉપર હુુમલા કરાવ્યા. પરિણામે નર્મદાનો ગોઝારો રાક્ષસી બંધ ઊભો થયો પરિણામે નર્મદા નદીનો પ્રવાહ મંદ પડયો, સમુદ્રના મોજા નદી ઉપર ઘસી ગયા. કાકરાપાળ (ઉકાઇ) ડેમને કારણે તાપી નદી પણ નંદવાણી. દાંતીવાડા ડેમને કારણે બારે મહિના વહેતી નદીમાં ધુળ ઊડે છે. નદીઓમાં શુધ્ધ પાણી બારે મહિના વહેતુ હતુ તેથી ગામે ગામના તળ સાજા રહેતા હતા. વિધ્વાન લેખક શ્રી વેણીશંકરભાઇ વાસુ લખે છે. કે આપણાં દેશમાં કયારેક અનાજના દુકાળ પડતા પરંતુ પાણીના નહિ કારણકે કુદરતી સંપતિનું રાજાઓ જીવની જેમ જતન કરતા. ભુગર્ભના જળભંડારોની દુર્દશા થતા ૫૦૦ થી ૧૦૦૦ ફુટ ઊડે બોરના પાણી ખેંચતા ખારા પાણીના કારણે પથરી વિગેરે રોગ વ્યાપક બન્યા. આશરે ૪૦ વર્ષ પહેલા વિધ્વાન ભુસ્તરશાસ્ત્રીઓ શ્રી પાંડેશ્રી પીશારોટી પ્રો. એમીરેટ વિ. એ નર્મદા ડેમ ન બાંધવાની સલાહ આપી હતી અને કહયું હતુ કે''This large dam will be a muddy grave for the People of Gujarat'' એટલે કે નર્મદા ડેમ ગુજરાતી પ્રજા માટે કાદવ માટીનું કબ્રસ્તાન બની જશે.

 અણધડ સરકારી તંત્રે જડભરતની જેમ આ ખુંખાર યોજનાને ઠોકી બેસાડી. પરિણામે હજારો વર્ષથી રહેતા  હજારો દેશવાસીઓના ઘરબાર પાણીમાં ડુબ્યા, ફળદ્રુપ જમીન ગુમાવી અને નિરાધાર થયા. જંગલો પાંખા થયા. સિંહ, દીપડા વિ. અન્ય પ્રાણીઓ જંગલ છોડીને શહેરો અને ગામોમાં પહોંચ્યા  અને છેલ્લા પાંચેક વર્ષમાં અનેક બાળકો અને માણસોને માર્યા છે. જુનાગઢના નવાબોને જંગલ સાચવતા નથી આવડતું તેથી તેમના સમયમાં એક પણ સિંહ કે દીપડો જંગલની બહાર નીકળ્યો હોય ને કોઇ માણસ ઉપર તરાપ માર્યાનો દાખલો નથી.

 આવી ઉળાંગઉટાંગ અને ત્રાસ આપનારી લોકશાહીને જલ્દીથી દેશવટો આપીએ અને  અન્યાયી રીતે રાજાઓની પુત્રવત રખેવાળી બંધ થઇ ગઇ છે તે ફરીથી જીવંત કરવા સમસ્ત પ્રજા અને પવિત્ર સાધુ સંતો કટીબંદ્ધ થાય તો અવશ્ય વિષમ પરિસ્થિતિથી છુંટશું.

 સુમનલાલ છો. કામદાર

માનદ્ મંત્રી, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ

(4:16 pm IST)