Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઉર્જા-તરંગની અલૌકિક દુનિયા : અશ્વિનીકુમાર ત્રિવેદી

રાજકોટમાં 'દિવ્ય દ્રષ્ટી' શીર્ષક તળે તા. ૩ અને ૪ ના આધ્યાત્મિક શીબીર : રજીસ્ટ્રેશન શરૂ

રાજકોટ તા. ૨૬ : 'તરંગ' અને 'ઉર્જા' ની બધાયને અનુભુતિ થતી જ હોય છે, પણ તેને સમજવાની મહેનત કોઇ નથી લેતુ' તેમ રાજકોટમાં આવા જ ગહન વિષય પર શીબીર લેવા આવેલ અશ્વિનીકુમાર ત્રિવેદીએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

 તેઓએ જણાવેલ કે જીવનમાં કોને સમસ્યા નથી હોતી. દરેકને હોય છે પરંતુ તેનો ઉકેલ શોધવા બધાય નીરથક પ્રયાસો કરતા રહે છે. કોઇપણ સમસ્યાનો ઉકેલ ઉર્જા અને તરંગના માધ્યમથી આપણે ખુદ જાણી શકીએ છીએ તે વિષય પર કોઇ વિચાર જ કરતુ નથી. જો કે આ જાણવું સહેલુ પણ નથી હોતુ. એ માટે સિધ્ધી હાંસલ કરવી પડે છે.

આપણા ઋષિ મુનીઓ અને પ્રભાવી મહાહસ્તીઓ પાસે આ સિધ્ધી હતી. રામાયણમાં રામ મિલાપ પ્રસંગમાં ઉલ્લેખ છે કે રામને ખભ્ભા પર ફરકવાની અનુભુતિ થતા તેઓએ અણસાર આપી દીધેલ કે મારા વિખુટા ભાઇ સાથેનું મિલન હવે નજીક છે. હાલનો જ બનાવ જોઇએ તો અમિતાભ બચ્ચનને પણ ટવીટર ઉપર પોતાને કઇક અમંગળ થવાનું અનુભવાઇ રહ્યાનું ટવીટ કર્યુ અને થોડા સમય પછી જાહેર થયુ કે શ્રીદેવી આ દુનિયામાં હવે નથી. સ્વપ્નોથી સંકેત મળવા તે પણ કઇક અંશે આવુ જ છે.

આ બધુ ઉર્જા અને તરંગની જ ભાષા છે. જો આપણે ઉર્જા સ્તરે તાદાત્મ્યતા કેળવીએ તો ઘણું વિશેષ પણ જાણી શકીએ. એટલે સુધી કે ભવિષ્યમાં શું બનવાનું છે તેનો સ્પષ્ટ કયાસ કાઢી શકવાની તાકાત પણ આ ઉર્જા-તરંગોના જ્ઞાનમાં રહેલી છે. ઋષી મુનીઓ તપ અને સિધ્ધીના આધારે તેનો ઉપયોગ કરતા જ હતા.

અશ્વિનીકુમાર જણાવે છે કે મે પોતે પણ અભ્યાસના આધારે શ્રીમાન નરેન્દ્રભાઇ મોદી ઉપરાંત અન્ય રાજકીય અને રમત ગમત ક્ષેત્રની હસ્તીઓ વિષે આવી બાબતોના અણસાર આપ્યાના અને ખરા ઉતર્યાના અનેક કિસ્સા નોંધવા જેવા છે.

તમે ધારો તો વનસ્પતિ પણ તમારા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. આ બધુ વિશિષ્ટ સિધ્ધીઓથી હાંસલ થાય છે. પરંતુ હાલના સમયમાં વિશિષ્ટ સિધ્ધી હાંસલ કરવા કરતા સહજ સિધ્ધીનો માર્ગ થોડો સરળ બની રહે છે.

એટલે અમે સહજ સિધ્ધી કેળવવા લોકો માટે સમયાંતરે આધ્યાત્મીક શીબીરો કરીએ છીએ.

આવી એક શીબર 'દિવ્ય દ્રષ્ટી' શીર્ષક તળે તા. ૩ અને ૪ માર્ચના સાંજે ૭ થી ૯.૩૦ એન્જીનીયરીંગ હોલ, રાજકોટ ખાતે આયોજીત કરેલ છે. રૂ.૨૦૦ ટોકન ચાર્જર્થી નામ નોંધણી શરૂ કરાઇ છે. આ માટે હિતેષભાઇ ઘાટલીયા, ૩૦૨, કોપર આર્કેડ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી મેઇન રોડ (મો.૯૩૨૭૨ ૧૪૦૧૫) અથવા ચેતન સાયાણી, હોલીસ્ટીક હેલ્થ કેર, નાના મવા મેઇન રોડ, (મો.૯૪૨૭૭ ૩૨૩૭૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે મુળ રાજકોટના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા અશ્વિનીકુમાર એક સમયે ખાનગી કંપનીમાં મેનેજર પદે હતા.  બાદમાં અધ્યાત્મનો રંગ લાગ્યો અને સાધના શરૂ કરી. સદ્દગુરૂઓના માર્ગદર્શન હેઠળ ગહન સાધના કરી રહ્યા છે અને પોતાને મળતા જ્ઞાનને લોકો વચ્ચે શેર કરે છે. આ શીબીરના માધ્યમથી પણ તેઓ લોકોને આવા રહસ્યો સમજાવવા જઇ રહ્યા છે.

તસ્વીરમાં અશ્વિનીકુમાર ત્રિવેદી અને બાજુમાં હેપી લાઇફ ફાઉન્ડેશનવાળા અનિલભાઇ ગઢવી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(4:20 pm IST)