Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

''કમિશ્નર પણ મને પૂછીને કામ કરે છે'': બ્રાન્ચ અધિકારીની તાનાશાહી સામે ઉચ્ચકક્ષાએ રજુઆત

કોર્પોરેશનમાં ખળભળાટ મચાવતી પત્રિકા ફરી રહી છે : યુનિયનને પણ મેષ રાશીવાળુ નામ ધરાવતા અધિકારી ગાંઠતા નથી ? બદલીના 'વહીવટ' અંગે ટેલીફોન રેકોર્ડીંગ ? મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સહિત તમામ કક્ષાએ રજુઆતો થયાની ચર્ચા

રાજકોટ તા.ર૬ : મ્યુ.કોર્પોરેશનના હાર્દસમી કમિશ્નર બ્રાન્ચના અધિકારી સામે આંગણી ચીંધતી પત્રિકા કોર્પોરેશનના કર્મચારી વર્તુળો અને જાહેર માધ્યમો સુધી પહોંચતા આ બાબતે જબરો ખળભળાટ મચ્યો છે.

મેષ રાશીનું નામ ધરાવતા આ અધિકારી વિરૂધ્ધ યુનિયનના નામથી ફરી રહેલી આ પત્રિકામાં એવા આક્ષેપો કરાયા છે કે 'યુનિયનના નિયમાનુસાર થયેલી બદલી-બઢતીની રજુઆત વખતે આ અધિકારીએ 'કમિશ્નરશ્રી મને પૂછીને કામ કરે છે' જેવો તાનાશાહ જવાબ આપેલ.

એટલુ જ નહી આ પત્રિકામાં એવો પણ આક્ષેપ કરાયો છે કે 'બઢતી-બદલી અને કોન્ટ્રાકટના લાખો રૂપિયાના 'વહીવટ' અંગે આ અધિકારીનું ટેલીફોનીક રેકોર્ડીંગ પણ થયાનુ ચર્ચાઇ રહ્યુ છે.

આ પત્રિકાના અંતે એવુ જણાવાયુ છે કે 'ઉપરોકત અધિકારી સામે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ, એસીબી અને પીએમઓ સુધી ફરિયાદ નિવારણ સુધી રજુઆતો કરાઇ છે એટલુ જ નહી સચિવાલયમાંથી પણ આ અધિકારી સામે પગલા લેવા તાકીદ કરતો પત્ર રાજકોટ કોર્પોરેશનને મળ્યો છે છતાં આ પત્ર કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે.

આમ આ ખળભળાટ મચાવતી પત્રિકા ભારે ચર્ચાસ્પદ બની છે.

(4:10 pm IST)