Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં થેલેસેમિયા ટેસ્ટનું આધુનિક મશીન વિકસાવતુ

લગ્ન પહેલા સ્ત્રી અને પુરૂષોએ ટેસ્ટ કરાવવા હિતાવહ : જસાણી

રાજકોટ, તા. ર૬:  આર.બી. કોઠારી નિદાન કેન્દ્ર છેલ્લા ર૬ વર્ષથી સતત કાર્યરત છે. એકવીસની સદી વિજ્ઞાન અને મેડીકલ ટેકનોલોજી પ્રગતિશીલ રહી છે. તબીબી ક્ષેત્રે આ ટેકનોલોજીથી નવા નવા મશીનોની ઉપલબ્ધી રહી છે, જેના થકી માણસનું આયુષ્ય દીર્ધાયુ બન્યું છે. જેને કારણે રોગોને અટકાવી શકાયુ છે જો આ વિજ્ઞાન અને રોગોની જાણકારી કે તેના ઉપાય ન હોત તો શું થાત?

થેલેસેમીયા રોગ વિશેની જાણથી થેલેસેમીયા મેજર ધરાવતા બાળકોના જન્મને રોકી શકાય છે. આ રોગની જાણકારી અર્થે આર. બી. કોઠારી નિદાન કેન્દ્રમાં અત્યંત આધુનિક ટેકનોલોજી વાળુ, બાયોરેડ ડી-૧૦ મશીન વસાવેલ છે. આ મશીનની ટેકનોલોજી (HPLC) હાઇ પરર્ફોન્સ લીકવીડ ક્રોમેટોગ્રાફી છે કે જેનાથી થેલેસેમીયાનો ટેસ્ટ થાય છે. એટલે કે રોગની જાણકારી થાય છે.

ઉપરાંત આ મશીનથી હિમોગ્લોબીનની વિલક્ષણતા પણ સમજી શકાય છે. HBD, HBQ, HBE પણ જાણી શકાય છે. ગર્ભવતી બહેનો, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સતત હિમોગ્લોબીન ઓછુ રહેતુ તે માટે, યુવા વર્ગ માટે આ થેલેસેમીયા રિપોર્ટ કરાવવો જરૂરી ગણાય. જેનાથી થેલેસેમીયા મેજર થતા રહેલ નવી પેઢીમાં ન થાય તે રોકી શકાય છે. થેલેસેમીયા મેજર એક અસાધ્ય રોગ છે. આ રોગમાં વારંવાર લોહીની માત્રા ઘટી જાય છે. અને દર્દીને અઠવાડીયે કે પંદર દિવસે લોહી ચડાવવું પડે છે. આ દર્દીની આવરદા પણ લાંબી હોતી નથી. આ દર્દીની ગંભીરતા જોતા, આ દર્દને અટકાવવાના ઉપાયો કરવા વધુ હિતાવહ છે. આ દર્દીની સારવારનું ખર્ચ લાખો રૂપિયામાં પહોંચે છે. જયારે આ પ્રકારનો ટેસ્ટ કરવાથી થેલેસેમીયા મેજર થતો રોકી શકાય છે અને દર્દી અને તેના આપ્તજનોને તેની વિંટબણાઓનો સામનો કરવાનો સમય આવતો નથી.

શ્રી આર. બી. કોઠારી નિદાન કેન્દ્ર આથી સર્વે પ્રજાજનોને જાણ કરે છે કે લગ્ન પહેલા સ્ત્રી અને પુરૂષે આ પ્રકારના ટેસ્ટ કરાવી લેવો અત્યંત આવશ્યક છે. શ્રી આર. બી. કોઠારી નિદાન કેન્દ્રમાં ઓછા ખર્ચે આ પ્રકાનો ટેસ્ટ ફકત રૂ. ૪૦૦/- લઇને કરવામાં આવે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા શ્રી આર. બી. કોઠારી નિદાન કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રમણીકભાઇ જસાણી અનુરોધ કરે છે. કારણકે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર.

આ ઉપરાંત આ મશીનથી GHB, ડાયાબિટીસની ત્રણ માસની એવરેજ ટેસ્ટ પણ થઇ શકે. એટલે કે ડાયાબિટીસ ત્રણ મહિનામાં કેટલો રહે છે તે જાણી શકાય છે.

ઉપરોકત આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં આ સાધન આવવાથી HBA1C અને થેલેસેમીયાના રોગોની માહિતી મળી શકશે.

(4:48 pm IST)