Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે સજોડે માણ્યો લોકડાયરોઃ મંદિર માટે લાખોનો ફાળો એકત્ર થયો

પોલીસ હેડકવાર્ટરના શ્રી અંબાજી મંદિરના જીર્ણોધ્ધાર માટે થયુ હતું આયોજન : કિર્તીદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયા અને અલ્પાબેને પટેલે જમવાટ કરીઃ અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ હાજરી આપી ઉદાર હાથે ફાળો આપ્યો

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાટર્સ ખાતે આવેલા શ્રી અંબાજી માતાજીના મંદિરના જીર્ણોધ્ધાર નિમીતે શનિવારે સાંજે હેડકવાર્ટર મેદાન ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન શહેર પોલીસ પરિવાર અને શ્રી અંબાજી માતાજી મંદિર સેવા સમિતી દ્વારા કરાયું હતું. જેમાં જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી અને અલ્પાબેને પટેલે એક એકથી ચઢીયાતા ગીતો રજૂ કરી સોૈ શ્રોતાઓને ડોલાવ્યા હતાં. ધીરૂભાઇ સરવૈયાએ આગવી શૈલીમાં હાસ્યરસ પીરસી સોૈને ખડખડાટ હસાવ્યા હતાં. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલોૈત તેમના ધર્મપત્નિ સાથે લોકડાયરામાં ઉપસ્થિત રહ્યા હતાં અને છેક સુધી હાજરી આપી હતી. અન્ય અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી ડાયરાને મન ભરીને માણ્યો હતો. હાજર રહેલા સોૈ કોઇએ મંદિર નિર્માણ માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. મંદિર માટે લાખોનો ફાળો એકઠો થયો હતો. રાજકોટ સીટી-રૂરલ અને ગીર સોમનાથના રિક્રુટ જવાનોએ ૪ લાખ ૫૧ હજારનો ફાળો નોંધાવ્યો હતો.  કિર્તીદાન ગઢવીએ આગવી શૈલીમાં હિન્દી-ગુજરાતી મિકસ ગીતોની જમાવટ કરતાં રૂપિયાનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો તેમજ શહેરીજનો આ ડાયરામાં હાજર રહ્યા હતાં. તસ્વીરમાં ડાયરાની જમાવટ અને ખુશખુશાલ ક્ષણમાં શ્રી અનુપમસિંહ ગહલોૈત સજોડે જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં ઉપસ્થિત અધિકારીઓ, પરિવારજનો અને મહેમાનો તથા બહોળી સંખ્યામાં ઉમટી પટેલા નગરજનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:04 pm IST)