Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લક્ષ્મીનગર નાલુ અને આમ્રપાલી ફાટકે અંડરબ્રીજ બનશે

હજારો લોકોની યાતનાનો અંત હવે નજીકઃ વર્ષો જૂના પ્રશ્નો હાથ ઉપર લેતા મેયરઃ લક્ષ્મીનગર નાલા માટે રેલ્વેએ ૩૯ લાખ ભરી દેવા જણાવાયું: રૈયા રોડ પર હવે અંડરબ્રીજનો જ વિકલ્પ અપનાવાશેઃ હોસ્પીટલ ચોક બ્રીજ માટે પણ ફીઝીબીલીટી રીપોર્ટની તજવીજઃ ડો. જૈમન ઉપાધ્યાયની જાહેરાત

રાજકોટ તા. ર૬: શહેરનાં લક્ષ્મીનગર નાલામાં અને આમ્રપાલી ફાટકે અંડર બ્રીજની ગતીવીધી હવે શરૂ થઇ રહી હોવાનું મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જાહેર કર્યું છે.

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે, લક્ષ્મીનગર નાલા નીચેથી વાહનોની ખુબજ અવર જવર રહે છે. નાલુ ખુબ જ નાનું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ ચોમાસા દરમિયાન ખુબ જ પાણી ભરવાના કારણે લોકોને અવર જવરમાં ખુબ જ સમસ્યા થાય છે. જેથી આ હયાત નાલાની જગ્યાએ અદ્યતન અન્ડરપાસ ઝડપથી બને તે માટે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ડરપાસ માટે કામગીરી શરૂ થઇ ગયેલ છે આ અન્ડરપાસ બ્રિજ રેલ્વે પાસે કરાવવા માંગતા હોઇ, જેના અનુસંધાને રાજકોટ મહાનરપાલિકા દ્વારા ભરવાપાત્ર રકમ રૂા. ર૯ લાખ (ડીપોઝીટ વર્ક) ભરવા અંગે રેલવે દ્વારા પત્ર પાઠવેલ છે.

આ ઉપરાંત રાજય સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે આગામી બજેટમાં હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ બનાવવા માટે રૂા. ૪૦ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવેલ છે. હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ બને તે માટે અત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ભૂતકાળમાં આ અંગે સર્વે કરવામાં આવેલ હોઇ, તે તપાસી અને જરૂર જણાયે ફરીથી, બ્રિજ માટે ફરીથી સર્વે હાથ ધરવા કાર્યવાહી શરૂ કરેલ છે. જયારે આમ્રપાલી ફાટકે ઓવરબ્રીજથી ડીઝાઇન માફક નહીં આવતા હવે આમ્રપાલી ફાટકે, મહિલા કોલેજ ચોકની ડીઝાઇન મુજબ અંડરબ્રીજ બનાવવાનો વિકલ્પ અપનાવાશે. જોકે આ અંગે હજુ ડીઝાઇન હવે ફાઇનલ થશે.

(3:06 pm IST)