Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૪૬.૧૫ લાખની સોપારી-મરી ભરેલા ટ્રક સાથે ડ્રાઇવર-કલીનર છનનન

નવાગામમાં ટ્રાન્સપોર્ટ ધરાવતાં સુરતના નરેન્દ્રસિંહ જાડેજાની ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદઃ મેંગ્લોરથી માલ મંગાવ્યો હતો

રાજકોટ તા. ૨૬: સુરતના અડાજણના કાવસજીનગરમાં રહેતાં અને રાજકોટના નવાગામમાં સાઉથ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ રાખી ધંધો કરતાં નરેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.૫૮)એ ટ્રકના ચાલક અને કલીનર વિરૂધ્ધ ૪૬,૧૫,૪૯૧ની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. આ બંને મેંગ્લોરથી ટ્રકમાં સોપારી અને મરીની બોરીઓ ભરીને નીકળ્યા બાદ આ માલ રાજકોટ પહોંચાડવાને બદલે બારોબાર નીકળી ગયાનું જણાવાયું છે.

ક્રાઇમ બ્રાંચે નરેન્દ્રસિંહની ફરિયાદ પરથી ટ્રક નં. જીજે૮ડબલ્યુ-૧૮૬૬ના ચાલક મેતાખાન બ્લોચ તથા કલીનર અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. નરેન્દ્રસિંહે એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૨૭/૧ના રોજ તેણે મેંગ્લોરથી સોપારીની ૩૦૮ બોરી અને મરીની ૧૦ બોરી મળી કુલ ૨૧ ટન માલ રૂ. ૪૬,૧૫,૪૯૧નો શ્રી વિજ્યાલક્ષ્મી રોડલાઇન્સ (એજન્ટ) મારફત મંગાવ્યો હતો. આ માલ ટ્રકમાં ભરી ડ્રાઇવર-કલીનર રાજકોટ આવવા રવાના થયા હતાં.

આ પૈકીની ૩૦ લાખનો માલ રાજકોટ અને બાકીનો માલ સુરતની પેઢીને પહોંચાડવાનો હતો. પણ બંને રાજકોટ માલ લઇને નહિ પહોંચતા અને સુરત પણ ન જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં ગુનો નોંધાયો છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. બી. જાડેજાએ તપાસ શરૂ કરી છે. (૧૪.૮)

(12:52 pm IST)