Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદથી રાજકોટ સુવાવડ માટે આવેલી સગર્ભાને દાતરડુ ઝીંકાયુ

પોપટપરામાં બનાવઃ સંગીતાબેન કોળીને ભાઇના સાળા ભૂપતે ફોનમાં ગાળો દેતાં ના પાડતાં ઘરે આવી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૬: અમદાવાદના ચાંદલોડીયામાં સાસરૂ ધરાવતી સંગીતાબેન ભુપત રાઠોડ (ઉ.૨૫) નામની કોળી સગર્ભા હાલ પોપટપરા-૧૨માં માતા શાંતાબેન મેરામભાઇ ઉકેડીયાના ઘરે સુવાવડ કરવા આવી હોઇ અહિ તેના ભાઇ નાનજીના સાળા ભુપત નરસીભાઇ રીબડીયા (રહે. દૂધની ડેરી પાસે)એ આવી ઝઘડો કરી દાતરડાથી હુમલો કરી હાથમાં ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે પ્ર.નગરમાં જાણ કરી હતી. સંગીતાબેનના કહેવા મુજબ ભાઇના ફોનમાં તેના સાળા ભૂપતે ફોન કરતાં પોતે ફોન ઉપાડ્યો હતો અને ભાઇ ન્હાવા ગયો હોઇ થોડીવાર પછી ફોન કરવા કહેતાં તેણે બે મિનીટ રહી પાછો ફોન કરતાં અને સીધી ગાળો દેવા માંડતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે હું હમણા ઘરે આવું છું...તેમ કહી ઘરે આવી ઝઘડો કરી દાંતરડુ ઝીંકી દીધુ હતું.

(12:51 pm IST)