Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

'ગંધારો' ફરાર રહ્યો ત્યારે પણ સખણો ન રહ્યોઃ અગાઉ ફરિયાદ કરનાર મહિલાને ધમકી દીધી

હોસ્પિટલમાંથી ભાગી છૂટેલા નામીચા શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચતા નવો ગુનો સામે આવ્યોઃ ૧૯મીએ પોતાના ભાઇ ટમલો અને પિત્રાઇ શબીર સાથે મળી ફરિયાદનું સમાધાન કરી લેવા જંગલેશ્વર અંકુર સોસાયટીના મુસ્લિમ મહિલાને ધમકાવ્યાનો ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૬: જંગલેશ્વર-૨૯ તવક્કલ ચોકમાં રહેતો અને અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલો તેમજ છેલ્લે એક દૂષ્કર્મના કેસમાં જેલહવાલે થયા બાદ એકાદ મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં કેદી પાર્ટીના જાપ્તામાંથી ભાગી છૂટેલા નામચીન આસીફ ઉર્ફ ગંધારો સુલેમાનભાઇ સમા (ઉ. ૪૧)ને ક્રાઇમ બ્રાંચે દબોચી લેતાં વધુ એક ગુનો સામે આવ્યો છે. ફરાર રહ્યો એ દરમિયાન પણ ગંધારાએ પોતાના ભાઇઓ સાથે મળી અગાઉ પોતાના વિરૂધ્ધ થયેલી ફરિયાદમાં સમાધાન કરી લેવાનું કહી મુસ્લિમ મહિલાને ધમકી આપ્યાનું ખુલતાં નવો ગુનો દાખલ થયો છે.

આસીફ ઉર્ફ ગંધારો બળાત્કારના ગુનામાં જેલમાં હોઇ એક મહિના પહેલા તેને કેદી પાર્ટીમાં બિમારીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે વખતે તે કેદી પાર્ટીના કર્મચારીઓની નજર ચુકવી હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટર પાછળથી ભાગી ગયો હતો. આ અંગે પ્ર.નગર પોલીસમાં ગંધારા સહિતના સામે આઇપીસી ૨૨૩, ૨૨૪, ૨૨૫ મુજબ ગુનો નોંધાયો હતો.

પોસ્કો સહિતના ગુનામાં સામેલ અને ફરાર એવો ગંધારો આજીડેમ ચોકડીએ આંટાફેરો કરતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને કૃપાલસિંહ ઝાલાને મળતાં પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, જયસુખભાઇ હુંબલ, કુલદીપસિંહ જાડેજા, જગમાલભાઇ ખટાણા, સંજયભાઇ રૂપાપરા સહિતની ટીમે પકડી લઇ પ્ર.નગરને સોંપ્યો છે. પોલીસ કમિશ્નર શ્રી ગહલોૈત, જેસીપી શ્રી ભટ્ટ, બંને ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી બલરામ મીના તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી થઇ હતી.

બીજી તરફ ગંધારો પકડાઇ જતાં નવી ફરિયાદ સામે આવી છે. ભકિતનગરના પી.એસ.આઇ. ડી.એન. વાજાએ જંગલેશ્વર અંકુર સોસાયટીમાં રહેતાં નુરજહાંબેન હાસમભાઇ રાવકેડા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી આસીફ ઉર્ફ ગંધારો, તેનો સગો ભાઇ ટમલો તથા કાકાનો દિકરો શબ્બીર વલીમહમદ સમા સામે આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. આ મહિલાએ સાતેક મહિના પહેલા ગંધારા વિરૂધ્ધ ફરિયાદ કરી હોઇ એ ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે ૧૯/૨ના રોજ આસીફ સહિત ત્રણેયે જંગલેશ્વર-૩૧માં આ મહિલા પાસે જઇ ગાળો દઇ લોખંડનો પાઇપ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. (૧૪.૭)

(10:19 am IST)