Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બાઇક પાળી સાથે ભટકાતાં આગળ બેઠેલો ત્રણ વર્ષનો આદિલ ઉછળીને પુલ નીચે પટકાયોઃ મોત

મોરબી રોડ ફાટકના ઓવરબ્રિજ ઉપર રવિવારે સાંજે જીવલેણ અકસ્માત : રાજકોટ માતા-પિતાને મળી વાંકાનેર જઇ રહેલા ઇમરાન બુખારીને અકસ્માત નડ્યોઃ પત્નિ નિલોફરને પણ ઇજાઃ બીજા પુત્રનો બચાવઃ છકડામાં ભરેલો લાલ મરચાનો કોથળો ટ્રકના હુકને કારણે ફાટતાં આંખમાં મરચું ન ઉડે તે માટેના પ્રયાસમાં સર્જાયો અકસ્માત

રાજકોટ તા. ૨૬: મોરબી રોડ રેલ્વે ફાટક પાસેના ઓવર બ્રિજ ઉપર રવિવારે સાંજે વાંકાનેરના કેરાળા મુસ્લિમ દંપતિનું બાઇક બાઇક પાળી સાથે અથડાતાં બાઇકની ટાંકી પર બેસેલા ૩ વર્ષના બાળકનું ઉછળીને પુલ નીચે પટકાતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરના કેરાળા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ઇમરાન છોટુભાઇ બુખારી (ઉ.૩૬) ગઇકાલે રવિવારે રજા હોઇ પોતાના બાઇકમાં પત્નિ નિલોફર (નિલુબેન) તથા બે પુત્રો આદિલ (ઉ.૩) અને નવાઝ (ઉ.૬)ને બેસાડી રાજકોટ રહેતાં માતા-પિતાના ઘરે આંટો મારવા આવ્યા હતાં.

સાંજે ચારેય પરત કેરાળા જવા રવાના થયા ત્યારે સાડા પાંચેક વાગ્યે મોરબી રોડ ફાટકના ઓવર બ્રિજ પર પહોંચ્યા ત્યારે આગળ સુકા લાલ મરચાના કોથળા ભરેલો છકડો જતો હોઇ તેના એક કોથળામાં ટ્રકનો હુક ફસાતાં કોથળો ફાટતાં મરચા ઉડ્યા હતાં. આ વખતે ઇમરાનભાઇએ આગળ ટાંકી પર બેઠેલા ૩ વર્ષના પુત્ર આદિલની આંખમાં મરચુ ન ઉડે તે માટે તેની આંખ પર એક હાથ ઢાંકી દીધો હતો. એ દરમિયાન છકડા ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળ ઇમરાનભાઇ હોઇ તેણે બાઇક પરનો કાબુ ગુમાવતાં સ્લીપ થઇ પુલની પાળીમાં અથડાતાં પોતે, પત્નિ અને મોટો પુત્ર નવાઝ રોડ પર પડી ગયા હતાં. જ્યારે બાઇકની ટાંકી પર બેઠેલો ૩ વર્ષનો આદિલ ઉછળીની પુલ પરથી વીસેક ફુટ નીચે ફેંકાઇ ગયો હતો.

ઇમરાનભાઇએ તાકીદે નીચે ઉતરી ગંભીર ઇજાગ્રસ્ત પુત્રને અને મુંઢ ઇજા પામનાર પત્નિ નિલોફરને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. જો કે અહિ આદિલનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના પી.એસ.આઇ. પી. બી. જેબલીયાએ નિલોફરબેન (નિલુબેન) ઇમરાન બુખારી (ઉ.૩૫)ની ફરિયાદ પરથી તેના પતિ ઇમરાનભાઇ છોટુભાઇ બુખારી સામે ગુનો નોંધ્યો છે. લાડકા દિકરાના મોતથી સૈયદ દંપતિ અને સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(10:18 am IST)