News of Wednesday, 25th January 2023
રાજકોટ તા. રપ : મુસાફરોના ખીસ્સા હળવા કરતી રીક્ષા ગેંગના અનેક કારસ્તાનો બહાર આવ્યા છે હવે રીક્ષા ગેંગના બદલે ઇકો ગેંગ મેદાનમાં આવી છે. જામટાવર પાસેથી એક રેલવેના કર્મચારીને ઇકોમાં બેસાડી રૃા. ૭પ હજારની રોકડ સેરવી લેતા ફરીયાદ નોંધાતા પ્રનગર પોલીસે ગણતરીની કલાકમાં બે શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ જામનગરમાં દ્વારકા હાઇવે નજીકના આદીનાથ પાર્કમાંં ક્રિષ્ના દર્શન ટાઉનશીપમાં રહેતા અને રાજકોટ રેલવેમાં કુરીયર ડીપાર્ટમેન્ટમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા અશોકભાઇ નટરવલાલભાઇ રાવલ (ઉ.પ૯) ગઇ તા.ર૧ ના રોજ જામનગરથી ઓખા ગયા હતા ઓખાથી રેલવે પાર્સલો લઇ રાજકોટ રેલવે સ્ટેશને આવ્યા હતા. પાર્સલો પોતાની ઓફીસે જમા કરાવી ઘરે જવા માટે નીકળ્યા હતા.સાંજે જામટાવર ચોક પાસે ઉભા હતા ત્યારે કબુતરી કલરની ઇકો કાર પસાર થઇ હતી .જેમાં બે શખ્સો બેઠા હતા એક ગાડી ચલાવતો હતો. જયારે બીજો વચ્ચેની સીટમાં બેઠો હતો. તેમાં બેસી ગયા બાદ વચ્ચેની સીટમાં બેઠેલા શખ્સે ધકકો મારી કહ્યું કે, 'મને ઉલ્ટી અને ઉબકા આવે છ.ે બાદ ચાલકે' હવે મારે જામનગર જવુ નથી કારણ કે મારા મિત્રની તબીયત ખરાબ છે તેમ કહી સાંઢીયા પુલ નજીક ઉતારી દીધા હતા એટલું જ નહી ભાડુ પણ લીધા વગર જતા રહ્યા હતા થોડીવાર પછી પેટના નીચેના જમણી સાઇડના ખીસ્સામાં જોતા રૃા. ૭પ હજાર ગાયબ હતા આ પૈસા પોતાના ઉપરી અધિકારી દિનેશભાઇ ચાવડા પાસેથી ભાણેજના લગ્ન માટે ઉછીના લીધા હતા આ પછી જામનગર જઇ લગ્નના કામમાં રોકાઇ ગયા બાદ ગઇકાલે પોતે પ્રનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.એ.એ.ખોખર, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે અનીલ રામાભાઇ સોલંકી (ઉ.ર૦) (રહે. લક્ષ્મીનગર ઝુપડામાં) અને મુકેશ રામાભાઇ સોલંકી (ઉ.રપ) (રહે. ઇન્દીરાનગર મફતીયાપરા) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.