Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પ્રજાસતાક દિને રાષ્‍ટ્રપતિ ચંદ્રકો જાહેરઃ રાજકોટના પુર્વ કમિશ્નર ગેહલોત સહીત ૧૪ અધિકારીઓ-કર્મચારીઓને ચંદ્રકોથી નવાજાશે

રાજકોટ, તા., ૨૫: આવતીકાલે તા.ર૬ મી જાન્‍યુઆરીએ પ્રજાસતાક દિવસ પુર્વે રાષ્‍ટ્રપતિ શ્રી દ્વારા પોલીસ મેડલ જાહેર કરવાની પરંપરા અંતર્ગત આજે રાજય પોલીસ વિભાગના ૧૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્‍ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાની જાહેરાત રાષ્‍ટ્રપતિ શ્રીના કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને શ્રી કે.કે.પટેલને વિશિષ્‍ટ સેવા મેડલ અને ૧ર અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્‍ટ સેવા મેડલ જાહેર કરાયા છે.

રાજય સીઆઇડી ઇન્‍ટેલીજન્‍સના અધીક પોલીસ મહાનિર્દેશક અને એન્‍ટીટેરરીસ્‍ટ સ્‍કવોડના શ્રી કે.કે.પટેલને વિશિષ્‍ટ સેવા મેડલ જયારે ભાવનગરના  રેન્‍જ આઇજી ગૌતમ પરમાર, સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રીમતી પી.વી.રાઠોડ, સુરતના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.પી.રોજીયા,  રાજય અનામત પોલીસ દળ જુથ-૪ દાહોદના શ્રી જે.ડી.વાઘેલા, રાજય પોલીસ અનામત દળ જુથ-૭ના શ્રી પી.ડી.વાઘેલા, અમદાવાદ પોલીસ કમિશ્નરેટના એએસઆઇ કિરીટસિંહ રાજપુત, અમદાવાદ પોલીસ કમિશ્નરેટના અનાર્મ એએસઆઇ ભગવાનજીભાઇ રાંજા,  રાજય પોલીસ અનામત દળ જુથ-૩ મડાણાના હથીયારી એએસઆઇ ઝુલ્‍ફીકારઅલી ચૌહાણ, આણંદના હથીયારી એએસઆઇ હિતેષકુમાર પટેલ, અમદાવાદના અનાર્મ હેડ કોન્‍સ્‍ટેબલ અજય કુમાર સ્‍વામી, રાજકોટ ગ્રામ્‍યના અનાર્મ હેડ કોન્‍સ્‍ટેબલ બાલકૃષ્‍ણ ત્રિવેદી અને ગાંધીનગર ઇન્‍ટેલીજન્‍સના એઆઇઓ શ્રી યુવરાજસિંહ રાઠોડને રાષ્‍ટ્રપતિના પ્રસંશનીય સેવા મેડલ જાહેર કરાયા છે.

(4:00 pm IST)