Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપમાંથી ૧.૮૪ લાખની સ્‍ક્રેપ બેટરીની ચોરી : એકની પુછપરછ

તસ્‍કરોએ વર્કશોપના સ્‍ટોરમાં પ્રવેશ કરી ૪પ બેટરી ઉઠાવી ગયા : માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા. રપ : શહેરના ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપમાં કોઇ અજાણ્‍યા શખ્‍સોએ પ્રવેશ કરી વર્કશોપમાં રાખેલી રૂા. ૧,૮૪,૧૮પ ની કિંમતની ૪પ સ્‍ક્રેપ બેટરી ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રૂરલ હાઉસીંગ બોર્ડ બ્‍લોક નં. ઇ/ર/૪૮માં રહેતા આશીષગીરી હરેશગીરી ગોસ્‍વામી (ઉ.વ.૩૮) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતે એસ.ટી. વિભાગમાં સ્‍ટોર ઓફીસર તરીકે ફરજ બજાવે છે. એસ.ટી.માં જરૂરીયાત મુજબ નવા માલની ખરીદી અને જુના માલની ડીલેવરી કરવાની કામગીરી કરવાની હોય છે અને વર્કશોપમાં ત્રણ વોચમેન રાખેલ છે. ગત તા. પ ના રોજ પોતે સ્‍ક્રેપ બેટરીનો સ્‍ટોક ચેક કરેલ ત્‍યારે અંદાજે ૧૧ર જેટલી સ્‍ક્રેપ બેટરીઓ હતી પરંતુ ગઇ તા. ર૩ ના રોજ પોતે પોતાની ફરજ પર એસ.ટી. વર્કશોપ પર ગયા હતા ત્‍યારે પોતે સ્‍ક્રેપ બેટરીનો સ્‍ટોક ચેક કરતા તેમાં અંદાજે ૧૧ર જેટલી સ્‍ક્રેપ બેટરીઓ જે વેચાણ માટે રાખી હતી તેમાંથી તેમાંથી અંદાજે ૪પ જેટલી સ્‍ક્રેપ બેટરીઓ ઓછી હોઇ અને જેથી પોતે પોતાના વિભાગીય નિયામકને જાણ કરેલ અને આ સ્‍ક્રેપ બેટરીઓની અંદાજીત રૂા.૧,૮૪,૧૮પની કિંમતની ૪પ બેટરીની આજુબાજુ તપાસ કરી હતી પરંતુ સ્‍ક્રેપ બેટરી કયાંય મળી ન આવતા પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઇ. વી.જી. બોરીચા સહિતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આશીષગીરી ગોસ્‍વામીની ફરીયાદ દાખલ કરી પીઆઇ આઇ.એન. સાવલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી સહિતના સ્‍ટાફે એક શકમંદને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. 

(3:27 pm IST)