News of Wednesday, 25th January 2023
રાજકોટ તા. ૨૫: શહેરના ભગવતીપરામાં રહેતાં મુસ્લિમ પરિવારની ૧૩ વર્ષની બાળાને મોરબીના લીલાપર ગામે રહેતો મુસ્લિમ શખ્સ લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી જતાં તપાસ શરૂ થઇ છે. આ બાળા પોતે બહેનપણી સાથે કેટરર્સમાં કામે જાય છે તેમ કહીને નીકળી હતી. બહેનપણીએ પણ તેણી ખોટુ બોલી રહી હોઇ તેમાં સાથ આપ્યો હતો.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરામાં રહેતાં મુળ દ્વારકા પંથકના મુસ્લિમ મહિલાની ફરિયાદને આધારે મોરબીના લીલાપર ગામે આવાસ ક્વાર્ટરમાં રહેતાં આફતાબ હાજીભાઇ સમા વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલાને ચાર સંતાન છે. જેમાં સોૈથી નાની દિકરી તેર વર્ષની છે જે ધોરણ પાંચ સુધી ભણેલી છે. ૧૮/૩ના બપોરે અઢી વાગ્યે આ દિકરી પોતાની બહેનપણી સાથે કેટરર્સના કામે જઇ રહી છે તેમ કહીને નીકળી હતી. પરંતુ રાત સુધી પાછી ન આવતાં તેની બહેનપણીને પુછતાં તેણીએ કહેલું કે હજુ તો ફંકશન ચાલુ છે અને તમારી દિકરી મારી સાથે જ છે હજુ થોડી વાર લાગશે. ત્યારબાદ મોડી રાત થવા છતાં મારી દિકરી ઘરે ન આવતાં ફરીથી તેની બહેનપણીની તપાસ કરવા તેના ઘરે જતાં તે ઘરે જ મળી આવી હતી.
તેણીને પુછતાં કહેલું કે તમારી દિકરીએ મને ખોટુ બોલવા અને કેટરર્સમાં કામે જઇએ છીએ તેમ કહેવા કહ્યું હતું. હું તેને પારેવડી ચોક સુધી મુકવા ગઇ હતી અને હું પરત ઘરે આવી ગઇ હતી. તમારી દિકરી પાસે નાનો કી-પેઇડ ફોન પણ હતો અને તો લીલાપરના આફતાબ નામના શખ્સ સાથે અવાર-નવાર વાત કરતી હતી. બહેનપણીએ આ નંબર આપતાં અમે તેના પર સંપર્ક કર્યો હતો. પરંતુ ફોન બ઼ધ હતો. બીજા દિવસે લીલાપર જઇ તપાસ કરી હતી ત્યારે ખબર પડી હતી કે અમારી દિકરી જેની સાથે વાત કરતી હતી એ શખસનું નામ આફતાઝ હાજીભાઇ સમા છે. તેનું ઘર બંધ હતું.
વધુ તપાસ કરતાં આફતાબના માસી નસીમબેન મળ્યા હતાં. તેણે કહેલુ કે આફતાબના માતા હયાત નથી અને પિતા હાજીભાઇ જેલમાં છે. માસીને પણ આફતાબ ક્યાં ગયો તેની ખબર ન હોઇ અમારી રીતે શોધખોળ કરી હતી પણ તે મળ્યો નથી. તે મારી દિકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામના ઇરાદે ભગાડી ગયો હોઇ ફરિયાદ કરી હતી. પીઆઇ આર. જી. બારોટે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.