Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

છ માસના ભાઇને રમાડી રહેલી મોટી બહેનને ઓચીંતી આંચકી આવીઃ પડી જતાં ભાઇનું મોત

વિસાવદરના સરસઇનો બનાવઃ બાળકનું રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મોત

રાજકોટ તા. ૨૪: વિસાવદરના સરસઇ ગામે એક કરૂણ ઘટના બની હતી. સાત વર્ષની બહેન પોતાના છ માસના ભાઇને હાથમાં તેડીને રમાડી રહી હતી ત્‍યારે જ તેણીને અચાનક આંચકી ઉપડતાં નાનકડો ભાઇ હાથમાંથી પડી જતાં ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ સરસઇ ગામે રહેતાં ગોપાલભાઇ રામાણી અને હેતલબેન રામાણીના છ માસના પુત્ર વિહાનને ૧૮મીએ સાત વર્ષની બહેન તેડીને રમાડી રહી હતી ત્‍યારે બહેન વીરાને ઓચીંતી આંચકી ઉપડતાં તેના હાથમાંથી નાનકડો ભાઇ પડી જતાં માથામાં ઇજા થઇ હતી. વિહાનને પહેલા સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ જરૂરી કાર્યવાહી કરી વિસાવદર પોલીસને કાગળો મોકલવા તજવીજ કરી હતી. વિહાનના પિતા ખેત મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:54 pm IST)