Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

૩૦મીએ ગાંધી નિર્વાણ દિને પુજય બાપુને શ્રધ્ધાંજલી અર્પણ - પ્રાર્થનાસભા કાર્યક્રમ

'ગાંધી અને આજનો સમય સંદર્ભ' વિષય ઉપર લેખક રાજુલ દવે વકતવ્ય આપશે

 

 રાજકોટઃ તા.૨૭, પૂ. મહાત્મા ગાંધીજીની ૩૦મી જાન્યુઆરીના રોજ ૭૪મી પુણ્યતિથિ નિમિતે ગાંધીજીના બાલ્યાકાળના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલામાં પુજય મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પવા દર વર્ષે આ દિવસે વિદ્વાન વકતાનું પ્રવચન રાખવામાં આવતુ હોય છે. આ વખતે જાણીતા લેખક સંપાદક પત્રકારશ્રી રાજુલ દવે 'ગાંધી અને આજનો સમય સંદર્ભ' વિષય ઉપર પોતાનું વકતવ્ય આપી શબ્દાંજલી અર્પણ કરશે.

સાથો સાથ મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય એવા રકતપિત નિમુલન કાર્યક્રમ અનુસાર રકતપિત મુકત દર્દીઓનું સમાજમાં પુનઃ સ્થાપન કરવા માટે તેઓને સ્વરોજગારીના સાધનો પુરા પાડી સ્વતંત્ર રીતે પોતાના પગ પર ઉભા કરવાનો છેલ્લા ૧૯ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા હરસુખભાઇ સંઘાણી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા  આયોજન કરવામાં આવી રહયું છે. આ વખતે પણ ૧૦ રકતપિત રોગમુકત દર્દીઓના પુનઃવસન માટે સ્વરોજગારીના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમ ટ્રસ્ટના મંત્રી ડો. અલ્પના ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(1:36 pm IST)