Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગુજરાતી ગઝલનાં સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કરનાર શ્રી અમૃત ઘાયલની આજે પુણ્યતિથિ પર એમને શાબ્દીક શ્રધ્ધાંજલી આપવી ઘટે. ખુમારીનાં ખમીરવંતા ગઝલકારને વિસરવા ન જોઇએ. ઘાયલ સાહેબ ગુજરાતી ગઝલ સમ્રાટ હતા. ઘાયલ સાહેબનાં વિવિધ શેરમાં અભિવ્યકિતનો અનોખો અંદાજ હોય છે.

પુણ્યતીથીએ શબ્દવંદના ગુજરાતી ગઝલના ગઢ 'અમૃત ઘાયલ'

ભુલી ગયા છે જાણે કિરણ ફુટવાનું નામ,

ને રાત છે કે લેતી નથી ખુટવાનું નામ.

'ઘાયલ' અમોને મૃત્યુ વિષે કૈ જ ના કહો,

અમને ખબર છે, એ છે નશો તુટવાનું નામ.

મૃત્યુ વિષેની આવી ઉમદા વાત ગઝલનાં શેરમાં ઘાયલ સાહેબ જ વર્ણવી શકે. મૃત્યુને આ મનોરમ કલ્પનામાં વર્ણવવાનું કાર્ય ઘાયલ સાહેબે બખુબી કર્યું મૃત્યુ વિષે ખૂબ લખનારએ મૃત્યુને ખુમારીથી ભેટવાની તૈયારી બતાવી.

'જિંદગી પેઠે જ ઘાયલ મોતનો આવશે તો ટાણે કરશું સામનો'

મુશાયરામાં તેમને તેમને રૂબરૂ સાંભળવા એક લ્હાવો હતો. ગઝલ રજુ કરવાની તેમની આગવી અદા તથા શૈલી શ્રોતાઓને પાગલ બનાવી દેતા. તેમની એક-એક પંકિત પર દાદ આપતા શ્રોતાઓ ખડા થઇ જતા. એક હથ્થુને એકલ શાયરથી મુશાયરાઓ તેમણે સફળ બનાવ્યા હતા. તેમની શેર પીરસવાની રમૂજ શૈલી પણ કયારેક શ્રોતાઓના દિલ સ્પર્શી જતી હતી. તેમની રચનાઓ સર્વકાલીન હતી. આજ પણ સર્વ શ્રોતાઓને એટલા જ ભાવવિભોર બનાવી દે છે. પોતાનું જીવન ઉલ્લાસભેર જીવ્યું હતુ અને ગઝલોમાં જીવ્યું હતુ. એ માટેનું એક મુકતક.. આજીવન તેમણે ગઝલ કાવ્ય પ્રકારનું સર્જન કાર્ય કર્યું.

'ગુલ વગર ગુલ તણી સુવાસ વગર,

કયાં નથી જીવ્યો હું હુલાસ વગર !

ગુંજતો નિત રહીશ ગઝલોમાં,

હું તો જીવી શકું છું શ્વાસ વગર!'

જીવનને તેમણે હંમેશા ખંતથી અને આશાવાદી વિચારથી જોયું હતું. ેતમની એક રચના..

'સમય જતાં બધુ સહેવા હૃદય ટેવાઇ જાય છે,

ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે'

ને આવું જ ખુમારી ખંતથી તેઓ જીવન જીવી ગયા.

તો બીજી એક રચનામાં તેઓ જીવનનાં દુઃખોના અંત વિશેની વાત કરતાં જણાવે છે કે,

'જીવનમાં જોશ પર જો ખંત આવે,

ગમે તેવા દુઃખો નો અંત આવે.'

તેમણે મરણ પર મૃત્યુ પર લખેલા શેર પણ ખુબ હૃદયસ્પર્શી તથા લોકપ્રિય બની રહ્યા છે.

'તેને કોણે કહી દીધુ મરણ બાદ મુકિત છે ?

રહે છે કેદ એની એ ફકત દિવાલ બદલે છે.'

તેમણે શબ્દને આરાધ્યો હતો અને શબ્દને સેવ્યો હતો શબ્દનાં સંગ વિશેનો તેમનો એક શેર..

'ઘાયલ' નથી પહોંચતી નાખી કશે નજર,

અમને તો એમ વ્યાપ હશે તંગ શબ્દનો'

તા. ૨૫/૧૨/૨૦૦૨નાં ઘાયલ સાહેબનું સ્થુળમાંથી શબ્દદેહમાં ગમન થયું. એમની અનંત તરફની યાત્રાનો પ્રારંભ પણ આધ્યામિક ઘટનાથી થયેલ એમની પુણ્યતિથી પર આવા ગઝલ સમ્રાટ સર્જકને શત શત વંદન..

વનિતા રાઠોડ

આચાર્ય શાળા નં. ૯૩

(3:57 pm IST)