Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બાલાજી વેફર્સની હવે ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી : ૬૦૦થી ૭૦૦ કરોડનું રોકાણ કરીને ૧૦૦ એકરમાં ફૂડ પાર્કનું નિર્માણ કરાશે

પ્રોજેકટ માટે મેનેજીંગ ડિરેકટર ચંદુભાઇ વિરાણી યોગી આદિત્યનાથને મળશે

રાજકોટ તા. ૨૫ : વેફર્સ અને પેકડ સ્નેકસ બનાવતી રાજકોટની બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ હવે ગુજરાત બહાર એનો બીજો પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બાલાજી વેફર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં રાજકોટ અને વલસાડમાં પ્લાન્ટ છે. કંપનીનો એક પ્લાન્ટ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કાર્યરત છે અને ઉત્ત્।ર ભારતમાં માર્કેટ ઊભું કરવા માટે અમે યુપીમાં એક ફૂડ પાર્ક બનાવવા માગીએ છીએ.

બાલાજી વેફર્સના ડિરેકટર કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અમે ઉત્તરપ્રદેશમાં કાનપુર અને લખનઉ પાસે અમુક જગ્યાઓ જોઈ છે અને ટૂંક સમયમાં એ અંગે નિર્ણય પણ લેવાશે. ૧૦૦ એકર ફૂડ પાર્કના પ્રોજેકટમાં અમે લગભગ રૂ. ૬૦૦-૭૦૦ કરોડનું રોકાણ કરીશું. આ રોકાણનો અમુક ભાગ અમે ઇન્ટર્નલ સોર્સમાંથી ઊભો કરીશું, જયારે અમુક ફંડ બેંક પાસેથી મેનેજ કરીશું.

કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે આ પાર્કમાં અમે અમારા બટાકા, ગ્રેન્સ, મસાલા સહિતના મટીરિયલ સપ્લાયર્સને જગ્યા આપીશું. તેઓ ફૂડ પાર્કમાં વેરહાઉસ કે પ્રોસેસિંગ યુનિટ પણ બનાવી શકશે. અમારો કોન્સેપ્ટ એવો છે કે અમને અમારી જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે અને પ્રોડકશનમાં કોઈ મુશ્કેલી ન આવે. અમે એવા ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છીએ કે શરૂ થયાનાં પાંચ વર્ષમાં આ પાર્ક રૂ. ૩૦૦૦ કરોડનું ટર્નઓવર પર પહોંચે.

કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અમે આ પ્રોજેકટના અનુસંધાને ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે તેમને અમારી યોજના અંગે માહિતી આપવા ઈચ્છુક છીએ. જો તેઓ સમય આપશે તો અમે ચોક્કસ મળીશું. આ પ્રોજેકટથી રાજયમાં રોકાણ આવશે અને સ્થાનિક રોજગારી પણ ઉત્પન્ન થશે.

કંપની હાલ ગુજરાત અને મધ્યપ્રદેશના પ્રોડકશન પ્લાન્ટમાંથી ઉત્તર ભારતનો અમુક ભાગ કવર કરે છે. UPમાં પ્રોડકશન શરૂ થશે તો કંપની માટે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં સપ્લાઇ કરાવી સરળ થઈ જશે. બાલાજી વેફર્સના જણાવ્યા પ્રમાણે, આ રાજયોમાં પેકડ વેફર્સ અને સ્નેકસની સારીએવી માગ રહે છે.

બાલાજી વેફર્સ અંગે અવારનવાર એવી વાતો આવે છે કે કંપની તેની ભાગીદારી વેચવા ઈચ્છુક છે. અગાઉ પેપ્સિકો કંપનીએ પણ બાલાજીનો સ્ટેક ખરીદવા રસ દાખવ્યો હતો. જોકે આ વાત આગળ વધી ન હતી. આ અંગે જણાવતાં કેયૂર વિરાણીએ કહ્યું હતું કે અમારું રોકાણ મોટું છે, પણ હાલના તબક્કે અમે અમારી રીતે મેનેજ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ એટલે ભાગીદારી વેચવાની અમારી કોઈ યોજના નથી.

કેયૂર વિરાણીના જણાવ્યા પ્રમાણે, સમગ્ર ભારતના સ્નેકસ માર્કેટમાં અને ખાસ કરીને વેફર્સના માર્કેટમાં બાલાજી વેફર્સનો હિસ્સો ૨૦% જેટલો છે, જયારે પશ્યિમ ભારતમાં કંપનીનો માર્કેટ શેર ૬૫્રુથી વધુ છે. ગુજરાતના માર્કેટની વાત કરીએ તો હોમ સ્ટેટમાં કંપની અંદાજે ૭૫્રુથી વધુનો માર્કેટ શેર ધરાવે છે.

બાલાજી વેફર્સે ગુજરાતની બહાર એનો સૌથી પહેલો પ્લાન્ટ મધ્યપ્રદેશના ઇન્દોરમાં શરૂ કર્યો હતો. આ પ્લાન્ટ ઓકટોબર ૨૦૧૬માં શરૂ થયો હતો. આ પ્લાન્ટ માટે કંપનીએ મધ્યપ્રદેશમાં અંદાજે રૂ. ૪૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ પ્લાન્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના આસપાસના વિસ્તારોનું માર્કેટ કવર કરે છે.

બાલાજી વેફર્સ વીતેલા વર્ષોમાં મક્કમ ગતિએ આગળ વધી છે. કંપનીનું ટર્નઓવર જે ૨૦૧૪-૧૫માં રૂ. ૧,૨૦૦ કરોડ હતું, એ ૨૦૧૮-૧૯માં વધીને રૂ. ૧,૮૦૦ કરોડને આંબી ગયું હતું. કંપનીના જણાવ્યા પ્રમાણે ૨૦૧૯-૨૦માં ટર્નઓવર રૂ. ૨૫૦૦ કરોડ થયું હતું, જે ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૨૮૦૦ કરોડ આસપાસ રહેવાની ધારણા છે. કેયૂર વિરાણીના જણાવ્યા પ્રમાણે, કોરોનાને કારણે ટર્નઓવર અપેક્ષા કરતાં સામાન્ય નીચું રહી શકે છે.

(3:47 pm IST)