Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રૈયા સ્માર્ટ સીટીમાં ગરીબોને ફર્નિચર સાથે ફલેટ : ૧ જાન્યુઆરીએ PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

કેન્દ્ર સરકારના હાઉસીંગ ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ મ.ન.પા. દ્વારા બનાવાશે ૧૧૪૪ ફલેટ : લાભાર્થીને ૩.૪૦ લાખમાં ૨બીએચકે ફલેટ : કુલ ૧૧૮ કરોડની યોજના

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલિકા દ્વારા હવે ગરીબ મધ્યમ વર્ગના લોકોને ફર્નીચર સાથે ૨બીએચકે ફલેટ માત્ર ૩.૪૦ લાખમાં આપવાની સૌ પ્રથમ અને છેલ્લી આવાસ યોજના રૈયા સ્માર્ટ સીટીમાં સાકાર થવા જઇ રહી છે. જેનું ઓનલાઇન વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સંભવતઃ ૧લી જાન્યુઆરીએ થનાર છે.

આ અંગે મ.ન.પા.ના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગની ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ રૈયા સ્માર્ટ સીટીમાં ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં ૨ રૂમ, હોલ, વોશિંગ એરીયા, કીચન, સંડાસ-બાથરૂમની સુવિધાવાળા ફલેટ ફર્નીચર સાથે લાભાર્થીને અપાશે. કેમકે આ માટે પ્રત્યેક આવાસ દિઠ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૩ લાખ ઉપરાંત ૪ લાખની ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ અલગથી અપાશે. કુલ ૧૧૮ કરોડના ખર્ચે આ પ્રોજેકટ સાકાર થશે. જેમાં લાભાર્થીએ ૩.૪૦ લાખ ભરવાના રહેશે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દેશમાં સૌને પાકા સુવિધાસભર આવાસો પુરા પાડવાની નેમ ધરાવે છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારશ્રીના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર દેશમાં ફકત ૬ શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. પસંદગી પામેલ ૬ શહેરો પૈકી રાજકોટ શહેરની પણ આ યોજના માટે પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ શહેરમાં નવી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી MoUHA ( મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ)ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું નવી ટેકનોલોજી આધારે બાંધકામ થાય અને આવાસ યોજનાની કામગીરી સારી, સરળ અને ઝડપી બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ રાજય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ ની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૪.૦૦ લાખની ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS - II ( ૪૦.૦૦ ચો.મી. ) પ્રકારના ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજી થી કરવામાં આવશે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩ ૨ માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. જેમાં દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, સંડાસ - બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

(3:16 pm IST)