Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મુંબઈથી કોઠારીયામાં બાથરૂમના સામાનના નામે આવેલા પાર્સલમાંથી દારૂ - બીયર મળ્યો

આજી ડેમ પોલીસે ૪૩,૫૦૦નો જથ્થો કબ્જો કર્યો : જથ્થો જૂનાગઢ મોકલવાનો હતો

રાજકોટ, તા. ૨૫ : કોઠારીયામાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલમાં દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી બાથરૂમ સેટના સામાનના પાર્સલમાંથી દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એચ.એલ. રાઠોડે આગામી ૩૧મી ડિસેમ્બર અનુસંધાને દારૂની પ્રવૃતિ પર અંકુશ રાખવા માટે સુચના આપતા આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વી.જે. ચાવડા, પીએસઆઈ એમ.એમ. ઝાલા, એમ.ડી. વાળા, હેડકોન્સ. ઈન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઈ ગઢવી, યોગેન્દ્રસિંહ ઝાલા,ભીખુભાઈ મૈયડ, કુલદીપસિંહ જાડેજા તથા જયેશભાઈ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે કોઠારીયા ખાતે ઈગલ ટ્રાન્સપોર્ટની ઓફીસમાં તપાસ કરતા ટ્રાન્સપોર્ટના વાહનમાં આવેલા પ્લાસ્ટીકના મલ્ટીલેયર પેકીંગવાળા પાર્સલોમાં બાથરૂમ સેટનો સામાન લખેલા પાર્સલ ચેક કરતા તેમાંથી રૂ.૧૩,૫૦૦ની કિંમતની ૨૭ દારૂની બોટલ અને ૩૦ હજારની કિંમતના ૨૪૦ બીયરના ટીન નીકળતા પોલીસે દારૂ બીયરનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. આ દારૂ બીયરનો જથ્થો બુટલેગરે દમણીયા ટ્રેડર્સના નામથી મલાડ, મુંબઈ ખાતેથી મોકલ્યો હોવાનું અને જૂનાગઢ સપ્લાય કરવાનો હોવાનું જાણવા મળ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)