Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પુસ્તક પરિચય ધન્વી-માહી

સત્ય અને સાહસકથાના ચાહકો માટે બુક શેલ્ફ પ્રકાશન દ્વારા લલિત ખંભાયતાના વધુ બે પુસ્તકો : બ્રેવહાર્ટસ-૨ અને બ્રેવહાર્ટસ-૩ બન્ને પુસ્તકોમાં કુલ મળીને ૩૯ સત્યકથાઓની રજૂઆત : ઇતિહાસકારો, શૂરવીરો, શહીદો, યૌધ્ધાઓ, વિજ્ઞાનીઓ, સાહસિકોની રોમાંચક અને રસપ્રદ સત્યકથાઓ

રાજકોટ : પુસ્તકો કોઈ પણ સમયે સાથ છોડતા નથી માટે તેઓ સાચા મિત્રો ગણાય છે. બુક શેલ્ફ પ્રકાશન દ્વારા લોકપ્રિય લેખક શ્રી લલિત ખંભાયતા (૯૯૭૯૭ ૫૮૧૦૯)ના આવા જ બે સદાકાળ સાથ આપે એવા પુસ્તકો બ્રેવહાર્ટ્સ-૨ અને બ્રેવહાર્ટ્સ-૩ પ્રકાશિત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ બ્રેવહાર્ટ્સ, જેમ્સ બોન્ડ-૦૦૭, રખડે એ રાજા તથા એ નગરનું નામ ખાંડવપ્રસ્થ એમ ચાર પુસ્તકો આપી ચૂકયા છે.

બુક શેલ્ફ પ્રકાશનના સંચાલક શ્રી હિરેન ભોગીલાલ શાહે (મો.૯૮૨૫૩ ૫૫૮૫૫) જણાવ્યું હતું, 'આ પ્રકારના નવી માહિતી, રસાળ શૈલીમાં અને ચિત્રો-ગ્રાફિકસ સાથે રજૂ કરીને અમે નવી પેઢીની વાંચનભૂખ સંતોષવા પ્રયત્નશીલ છીએ.પુસ્તક વાંચનારને કંઈક નવુ મેળવ્યાનો સંતોષ થશે તેની અમને ખાતરી છે.'અત્યારે કોરોનાકાળમાં સૌથી વધુ કોઈ ચીજની જરૂર હોય તો એ મનોબળની છે. આ પુસ્તકોમાં એવા જ મજબૂત મનના માનવીઓની, નર-નારીઓની સત્યકથાઓ રજૂ થઈ છે, જે વાંચીને શેર લોહી ચડી જશે અને પ્રેરણા પણ મળશે. બન્ને ભાગમાં મળીને કુલ ૩૯ સત્યકથાઓ છે, જેમાં વિજ્ઞાનીઓ, સાહસિકો, શૂરવીરો, યોદ્ઘાનો સમાવેશ થાય છે.આ બન્ને ભાગમાં વિષય વૈવિધ્ય ઉડીને આંખે વળગે એવું છે. બન્ને ભાગમાં વોટ્સએપની સ્થાપના કરનારા યુવાનો, ભગવાન ધન્વંતરિ અને ગુજરાતમાં આવેલી તેની સમાધિ, મહાવિજ્ઞાની સર જગદીશચંદ્ર બોઝ, જગતને અણુયુદ્ઘથી ઉગારનારા યોદ્ઘાઓ, રસીની શોધ કરનારા મહારથી વિજ્ઞાનીઓ, બીજા વિશ્વયુદ્ઘ વખતે પોલેન્ડના બાળકોને આશરો આપનારા જામનગરના જામસાહેબ, અમેરિકામાં પક્ષી પ્રેમ વિકસાવનારા ગુજરાતી રાજકુંવર, વાર્તાકથનના કલાધર કાનજી ભુટા બારોટ, ગુજરાતમાં શરૂ થયેલા સી-પ્લેનના મૂળ સંશોધકો, ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું પાણી ઉતારનારા સુરતના નવાબ, કનડા ડુંગરની ટોચ પર થયેલા ૮૦થી વધુ શહીદો.. વગેરેની કથાઓ તસવીર-નકશા-ગ્રાફિક સાથે રજૂ કરવામાં આવી છે.

(2:56 pm IST)