Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જયંતિ ઠક્કરની બિન-તહોમત છોડી મુકવાની અરજી રદ

જાન્યુઆરી ૨૦૧૯માં ભચાઉમાં ચાલુ ટ્રેને ગોળી ધરબીને ભાજપના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થયેલ હતી : જયંતિ ઠક્કરે પોતાની સામે પુરાવા ન હોય ડીસ્ચાર્જની અરજી કરી હતી : સ્પે.પી.પી. તુષાર ગોકાણીની રજુઆત માન્ય રાખી કોર્ટે ડીસ્ચાર્જની અરજી ફગાવી દીધી..

રાજકોટ,તા. ૨૫: સૌરાષ્ટ્ર-કચ્છ સહીત દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભા પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની તા. ૭/૧૦/૨૦૧૯ના ભુજથી અમદાવાદ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઇ હત્યા કરવાના ગુન્હામાં માસ્ટર માઇન્ડ ગણાતા જયંતી ઠક્કરે કેસમાંથી છોડી મુકવા કરેલ અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દેતા આરોપીની મુશ્કેલીઓ વધી છે.

આ કેસની હકીકત એવી છે કે, મરણજનાર અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઇ ભાનુશાળી તા. ૭/૧/૨૦૧૯ના રોજ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૧૧૬માં ભુજથી અમદાવાદ ફર્સ્ટ એ.સી.કોચમાં કોચ નં. એચ/૧ની 'જી' કેબીનમાં શીટ નં. ૧૯ ઉપર મુસાફરી કરતા હતા તે દરમ્યાન ટ્રેન સામખીયાણી સ્ટેશન નજીક પહોંચેલ ત્યારે ચાલુ ગાડીએ મહારાષ્ટ્રના શાપર્યશુટરો શશીંકાંત ઉર્ફે બીટીયાદાદ કાંબલે અને અશરફ અનવર શેખે પૂર્વાયોજીત કાવત્રા મુજબ જયંતિ ભાનુશાળી ઉપર બંધૂકથી ફાયરીંગ કરી હત્યા નિપજાવેલ હતી.

આ બનાવ અનુસંધાને ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં છબીલદાસ નારણદાસ પટેલ, મનીષાબેન ગોસ્વામી, જયંતીભાઇ જેઠાલાલ ઠક્કર, સિધ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ વિગેરે વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૩૦૨-૧૨૦ (બી), ૩૪ તથા આર્મ્સ એકટની કલમ -૨૫,૨૭ વિગેરે મુજબની એફ.આઇ.આર નોંધાયેલ હતી. ત્યારબાદ કેસની ગંભીરતા જોઇ સરકાર દ્વારા ખાસ તપાસ શરૂ કરાતા ગુન્હામાં કલમ -૩૯૭, ૨૦૧ તેમજ રેલ્વે એકટની કલમોનો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન સમગ્ર કાવતરૂ ખુલ્લુ પાડી એસઆઇએસ દ્વારા (૧) રાહુલ જયંતીભાઇ પટેલ રાહે કચ્છ, (૨) નિતીન વસંતભાઇ પટેલ રહે. કચ્છ, (૩) શશીકાંત ઉર્ફે બીટીયાદાદ કાંબલે રહે. પુના -મહારાષ્ટ્ર (૪) અશરફ અનવર યુનીશ શેખ રહે. પુના-મહારાષ્ટ્ર (૫) વિશાલ નાગનાથ યેલપ્પા રહે. પુના -મહારાષ્ટ્ર (૬) સિધ્ધાર્થ છબીલદાસ પટેલ રહે. અમદાવાદ (૭) છબીલદાસ નારણભાઇ પટેલ રહે. અમદાવાદ (૮) જયંતીલાલ જેઠાલાલ ઠક્કર રહે. ભુજ (૯) રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રે રહે. પુના -મહારાષ્ટ્ર (૧૦)મનીષાબેન ગજ્જુગીરી ગોસ્વામી રહે. વાપી (૧૧) સુજીત દેવસીંગ પરદેશી રહે પુના-મહારાષ્ટ્ર (૧૨) નિખીલ બાલુભાઇ થોરાટ રહે. પુના-મહારાષ્ટ્ર એમ કુલ -૧૨લોકોને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ.

તમામ આરોપીઓ પૈકી ખુની ખેલના કાવત્રાને અંજામ આપવા માટે તમામ કાવત્રાની વ્યુહરચના ઘડવામાં અને શાર્પ શુટરોને ગોતી તેની સાથે મીટીંગો કરી સોપારીની રકમ રૂપિયા પાંચ લાખ આપવાના આક્ષેપમાં પકડાયા બાદ જેલ કરાયેલ જયંતી ઠક્કરે ભચાઉની સેશન્સ અદાલતમાં સમગ્ર કેસમાં તેમની સામે કોઇ પુરાવો ન હોવાનું જણાવી કેસમાંથી છોડી મુકવા ડીસ્ચાર્જ અરજી દાખલ કરેલ હતી.

સરકાર તરફે આરોપીની અરજીનો વિરોધ કરતા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે આરોપી ખુબ જ ચાલાક છે અને પોતે તમામ ગોઠવણ કરી શાર્પશુટરોને ગુન્હાને અંજામ કઇ રીતે આપવો તે સમજાવી હથીયાર ખરીદવા રૂ. પાંચ લાખ મુંબઇ ખાતે આપેલ હોવાના પુરાવા છે. તેમજ જયંતી ઠક્કર દ્વારા ઘડાયેલ પુર્વાયોજીત કાવત્રાના ભાગરૂપે અગાઉ પણ સુજીત અને નિખીલે સહઆરોપી મનીષા ગોસ્વામીની સાથે મળી ગુજરનારને ઝારખંડ રાજ્યની મારી નાંખવા માટે પ્લાન ગોઠવેલ હતો. જેમાં જયંતી ઠક્કર અને છબીલ પટેલના મોબાઇલ રેકોર્ડીંગ મળી આવેલ છે તે રેકોડીંગમાં પણ ગુજરનારને મારી નાંખવા બાબતેના સંવાદો મળેલ છે ેજેથી આરોપી સામે મજબુત પુરાવો પોલીસે રજુ કરેલ હોય આરોપીની અરજી રદ કરવા દલીલો કરાયેલ હતી.

બન્ને પક્ષકારો દલીલોના અંથે ભચાઉના અધિક સેશન્સ જજ શ્રી એમ.એફ.ખત્રી એવા તારણ પર આવેલ કે, પ્રોસીકયુશન તરફે આરોપીઓના સંવાદો બાબતનો વોઇસ સ્પેકટોગ્રાફીનો રિપોર્ટ તેમજ સી.સી.ટી.વી. ફૂટેજ જેવા પુરાવાઓ એકત્રીત કરાયેલ છે. તેમજ ચાર્જશીટ સાથે રજુ થયેલા સાહેદોના નિવેદનો જોતા આરોપી જયંતિ ઠક્કર સામે કેસ ચલાવવા આરોપીને સાંકળતા વ્યાજબી પુરાવાઓ છે. ત્યારે સમગ્ર કેસનું અંતિમ પુરાવાકીય મુલ્યાંકન ન કરી આરોપી વિરૂધ્ધના રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઇ સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી આરોપી જયંતિ ઠક્કરની કેસમાંથી ડીસ્ચાર્જ કરવાની (છોડી મુકવાની ) અરજી નામંજુર (રદ) કરેલ હતી.

આ કામમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે સ્વ.શ્રી અભયભાઇ ભારદ્વાજ સાથી અને યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીએ રજુઆતો કરેલ હતી.

(11:48 am IST)