Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

લાતીપ્લોટના કૈલાસ ટ્રાન્સપોર્ટવાળા સંદિપ બુધરાણી સાથે ૩૨.૭૯ લાખની છેતરપીંડી

બદલાપુર મુંબઇથી ટ્રકમાં ૧૩૪ કાપડની ગાંસડીઓ ભરી જેતપુર પહોંચાડવાને બદલે જીતેન્દ્ર ઉર્ફ જયએ કામરેજના નવાગામમાં ઉતારી બારોબાર બીજે સપ્લાય કરી દીધી

રાજકોટ તા. ૨૫: આ બારામાં તાલુકા પોલીસે જગન્નાથ ચોક સાઇનગરમાં રહેતાં  અને લાતીપ્લોટ-૭માં વે-બ્રીજ પાસે કૈલાસ ટ્રાન્સ લોજીસ્ટીક નામે ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતાં તેમજ મુંબઇ બદલાપુરમાં પણ ઓફિસ ધરાવતાં સંદિપભાઇ સંતુભાઇ બુધરાણી (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી જીતેન્દ્ર ઉર્ફ જય નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂ. ૩૨,૭૯,૩૧૦ની કિંમતની કાપડની ગાંસડીઓ બદલાપુરની ઓફિસથી  ટ્રકમાં ભરી જેતપુર પહોંચાડવાને બદલે કામરેજના નવાગામમાં બીજી દૂકાને ઉતારી ત્યાંથી બારોબાર સપ્લાય કરી છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્યો છે.

સંદિપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા-૨૭/૧૧/૨૦૨૦ ના રોજ સાંજના પાંચ વાગ્યે મારા નાના ભાઇ સુનિલભાઇના મોબાઇલ ફોન ઉપર રમેશભાઇ ચોવટીયા કે જેમની ગાડી અમારા ટ્રાન્સપોર્ટમાં ચાલતી હોય તેમણે ફોન કરી મારા નાના ભાઇને જણાવેલ કે તમારી પાસે માલ છે. તો મારા મિત્રના મિત્રની ગાડી છે, અને જો માલ હોય તો ભરાવી દો તેવી વાત કરતા મારા ભાઈએ તેમની પાસે ગાડી નંબર માંગેલ અને આવતી કાલ તા-૨૮/૧૧/૨૦૨૦ ના રોજ હું બદલાપુર મુંબઇથી ભરાવી દઇશ તેવી વાત કરતા રમેશભાઇએ ટ્રક નં-જીજે૦૭વાયવાય--૧૯૫૧ તથા તેના સંચાલકનું નામ જીતેન્દ્રભાઇ જણાવી તેના મોબાઇલ નંબર આપ્યા હતાં. ૨૮/૧૧ના રોજ મારા ભાઇ સુનિલભાઇએ જીતેન્દ્રભાઇને મોબાઇલ કરી જણાવેલ કે ટ્રક ભરવા કોઇ આવવાનું હતું પરંતુ હજુ ટ્રક આવેલ નથી.

આથી જીતેન્દ્રભાઇએ એવુ કહેલ કે તે ટ્રક ડ્રાઇવરના બાપુજી ગુજરી ગયા હોવાથી તે ટ્રક છોડીને જતો રહેલ છે. હું તમને બીજી ટ્રક આવતી કાલે મોકલી આપીશ તેવી વાત કરેલ . એ પછી ૨૯/૧૧ના રોજ રઅઢી વાગે જીતેન્દ્રભાઇએ મોકલેલ ડ્રાઇવર અશોક લેલન ટ્રક નં. કેએ-૨૮-ડી-૪૬૨૭ની લઇને બદલાપુર મુંબઇ અમારી કૈલાસ ટ્રાન્સ લોજીસ્ટીકસ ટ્રાન્સપોટની ઓફિસ ઉપર આવેલ અને તેમાં કાપડની કુલ ૧૩૪ ગાંસડીઓ જેની કિમત રૂ. ૩૨,૭૯,૩૧૦/-ની છે તે ભરી હતી. ટ્રક ૩૦/૧૧ના બપોરના દોઢથી અઢી વાગ્યા દરમ્યાન જેતપુર જવા રવાના કરેલ.

એ પછી આઆ ટ્રક ૦૨/૧૨ના રોજ જેતપુર પહોચી જવી જોઇતી હતી. પરંતુ ન પહોંચતા મેં મારા ભાઇ સુનિલભાઈને વાત કરતાં તેણે  જીતેન્દ્રભાઇને ફોન કરેલ અને હજુ સુધી ગાડી કેમ પહોચેલ નથી. તેવી વાત કરતા જીતેન્દ્રભાઇએ જણાવેલ કે, ટ્રક રસ્તામાં ખરાબ થઇ ગયેલ છે. અને ટ્રક સાંજ સુધીમાં તમારી પાસે પહોંચી જશે તેવી વાત કરેલ. ત્યારબાદ રાત્રીના નવ દસ વાગ્યે પણ ટ્રક નહીં પહોંચતા ફરીવાર સુનિલભાઇએ ફોન કરતા જીતેન્દ્રભાઇ ફોન ઉપાડેલ નહી અને અવાર નવાર ફોન કરવા છતા ફોન ઉપાડેલ નહી અને તા. ૩/૧૨ના રોજ સવારમાં જીતેન્દ્રભાઇએ ફોન ઉપાડી જણાવેલ કે તમે ચીંતા નહી કરો ટ્રક રીપેર થઈ જશે એટલે આવી જશે તેવો અમોને વિશ્વાસ આપેલ.

 બપોર સુધી આ જીતેન્દ્રભાઇ સાથે મારા નાના ભાઇની વાતચીત થયેલ અને ત્યાર બાદ બપોર પછી જીતેન્દ્રભાઈને ફોન કરતા ફોનની રીંગ વાગતી હોય પરંતુ ફોન ઉપાડેલ નહી. તા-૦૪/૧૨ના  રમેશભાઈના હસ્તક અમોએ ટ્રક લગાવેલ તેમને ફોન કરી કહેલ કે જીતેન્દ્રભાઇ ફોન ઉપાડતા નથી તમે ફોનમાં વાત કરી મને કહો તેવી વાત કરેલ અને થોડા સમયમાં આ રમેશભાઇનો ફોન આવેલ કે જીતેન્દ્રભાઇ મારો પણ ફોન ઉપાડતા નથી. જેથી અમોએ રમેશભાઇને જણાવેલ કે તમે જેમના હસ્તક ટ્રક લગાવેલ હોય તેમને ફોન કરી મને કહો તેવી વાત મે રમેશભાઇને કહેલ. અને આ રમેશભાઈએ અમન રોડ લાઇન્સ વાળા અહેમદભાઇના હસ્તક ગાડી લગાવેલ હોય અને મને અહેમદભાઇનો કોન્ટેક નંબર આપતા મે અહેમદભાઇ સાથે વાત કરેલ ત્યારે મને જણાવેલ કે ટ્રક મારી નથી ટ્રક દિપકભાઇ ધીરૂભાઈ વાકીયાની છે. તેમણે મને દિપકભાઇનો મોબાઇલ નંબર આપેલ અને મે દિપકભાઇને ફોન કરતાં તેણે જીતેન્દ્ર મારો ડ્રાઇવર નથી તેમ કહેતા અમોને થયુ કે અમારી સાથે છેતરપીંડી થયેલ છે. જેથી અમો અમારી ઓફિસ બદલાપુર મુંબઇ ખાતે તપાસ કરેલ અને રેકર્ડ પરથી ડ્રાઇવરનુ નામ ખીમસાબ શેખ અને તેમનો મોબાઇલ  નંબર મળતા અમોએ ડ્રાઇવર ખીમસાબને ફોન કરેલ અને પુછેલ કે તમોએ બદલાપુર મુંબઇ કલાસ ટ્રાન્સ લોજીસ્ટીકસ ટ્રાન્સપોર્ટ માંથી ભરેલ માલ કયા છે?

આથી ડ્રાઇવર ખીમસાબ શેખે  જણાવેલ કે જીતેન્દ્રભાઇ મારી સાથે આવેલા અને માલ મારો છે. તેમ કહી માલ કામરેજ ઉતરાવી નાખેલ, મને ભાડાના પૈસા આપતા હું નિકળી ગયેલ, તેવી વાત કરેલ. અમે આ માલ કયા ઉતારેલ છે? તેનુ લોકેશન માંગતા તેણે કામરેજથી આગળ હાઇવે ઉપર આવેલ બ્રિજની નીચે એવન્યુ સ્કવેરની દુકાનમાં માલ ખાલી કરેલાનુ જણાવતા ત્યાં જઇ તપાસ કરતાં વોચમેન મારફત જાણવા મળેલુ કે માલ તો ઉતર્યો હતો પણ બાદમાં બે ટેમ્પામાં પોટલા નાંખી લઇ જવાયો છે.  

આમ જીતેન્દ્ર ઉર્ફ જયએ બારોબાર કાપડની ગાંસડીઓ ભરી જઇ બીજે ઉતારી ત્યાંથી સપ્લાય કરી દઇ રૂ. ૩૨,૭૯,૩૧૦ની ઠગાઇ કર્યાનું જણાતાં પહેલા સુરત કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઇ હતી. ત્યાંથી રાજકોટ તાલુકા પોલીસની હદ જણાતાં અહિ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવતાં પીએસઆઇ એન. ડી. ડામોરે તપાસ શરૂ કરી છે.

(11:26 am IST)