Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સલિમે સસરાને ફોન કરી ધમકી આપી'તી કે તમારી દિકરીને લઇ જાવ નહિતર એના કટકા કરી નાંખીશ!

પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હતો, જેઠાણી કહેતાં તારા કરતાં મારી બહેન વધુ દહેજ લાવી હોત...જેઠ, સાસુ, સસરા પણ પતિનો સાથ આપતાં: અસહ્ય ત્રાસથી કંટાળી હીનાતબસ્સુમે ગળાફાંસો ખાઇ આપઘાત કયો : મહિલા પોલીસે આપઘાત કરનાર મહિલાના સુરેન્દ્રનગર રહેતાં પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: યુનિવર્સિટી રોડ પર શિવ શકિત કોલોની બ્લોક નં. ૩૫માં રહેતી હીનાતબસ્સુમ સલિમ અંસારી (ઉ.૨૬) નામની મુસ્લિમ પરિણીતાએ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પતિ , સાસુ, સસરા, જેઠ અને જેઠાણીનો ત્રાસ કારણભુત હોવાનું ખુલતાં મહિલા પોલીસે આપઘાત કરનારના સુરેન્દ્રગર રહેતાં પિતા મહમદઅમીનુદ્દીન મહમદરોઝાદીન અંસારી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. હીનાતબસ્સુમનો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હતો અને જેઠાણી એવું કહેતી કે તારા ઘરવાળા સાથે મારી બહેનની શાદી થઇ હોત તો તે વધુ દહેજ લાવી હોત. સાસુ-સસરા અને જેઠ પણ એક થઇ અસહ્ય ત્રાસ આપતાં હોવાથી તેણી મરવા મજબૂર થયાનું જણાવાતાં પોલીસે પાંચેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ગઇકાલે જ હીનાતબસ્સુમના પતિ સલિમે સસરા મહમદઅમીનુદ્દીનને ફોન કરી 'તમારી દિકરીને તેડી જાવ નહિતર હું તેના કટકા કરી નાંખીશ' તેવી ધમકી આપી હતી. બાદમાં તેણીએ જીવ દઇ દીધો હતો.

બનાવ અંગે પોલીસે આપઘાત કરનાર હીનાતબસ્સુમના પિતા મહમદઅમીનુદ્દીનની ફરિયાદ પરથી હીનાતબસ્સુમના પતિ સલિમ અંસારી, સાસુ ફરીદાબેન, સસરા આલમગીરી, જેઠ નસીમભાઇ અને જેઠાણી શબાના નસીમભાઇ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મહમદઅમીનુદ્દીને જણાવ્યું હતું કે મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં હીનાતબસ્સુમની સગાઇ ૨૦૧૧માં રાજકોટ શિવશકિત કોલોનીમાં રહેતાં સલિમ અંસારી સાથે થઇ હતી. તે વખતે સલિમે અમારી દિકરીને ફોન આપ્યો હતો. આ ફોનમાં જેઠાણી શબાના ફોન કરીને કહેતી કે સલિમ સારો છોકરો નથી, તું તેની સાથે લગ્ન ન કરતી. આ વાત અમે વેવાઇ-વેવાણને કરતાં તેણે કહેલ કે શબાના તેની નાની બહેનની શાદી સલિમ સાથે કરવા ઇચ્છે છે પણ સલિમને ત્યાં શાદી નથી કરવી જેથી શબાના આવા ફોન કરતી હશે.

શાદી બાદ મારી દિકરી અમારી ઘરે આવે ત્યારે કહેતી કે જેઠાણી શબાના જે અલગ રહે છે તે દર રવિવારે ઘરે આવી દહેજ બાબતે અને ઘરકામ બાબતે મેણા ટોણા મારે છે અને તારા કરતાં મારી બહેન વધુ દહેજ લાવી હોત. આ ઉપરાંત મારી દિકરીએ એવી વાત પણ કરી હતી કે અમારી સામેના મકાનમાં નસીમ નામની મહિલાને ભાડેથી રહે છે તેની સાથે પણ પતિને સંબંધ છે. આ બાબતનો વિરોધ કરતાં સાસુ, સસરા, જેઠ, જેઠાણી બધાએ પતિનું ઉપરાણુ લઇ ત્રાસ આપ્યો છે.

દરમિયાન ગઇકાલે રવિવારે બપોરે સાડા બારેક વાગ્યે હું ઘરે હતો ત્યારે જમાઇ સલિમે ફોન કરીને કહેલ કે તમારી દિકરીને તેડી જાવ નહિતર હું તેના કટકા કરી નાંખીશ. આવી ધમકીથી હું ગભરાઇ ગયો હતો અને મારા પત્નિ, દિકરા સહિતને લઇને હું બપોર બાદ રાજકોટ આવ્યો હતો ત્યારે મારી દિકરીએ આપઘાત કરી લીધાની ખબર પડી હતી. તેને પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણીએ ત્રાસ આપી મરી જવા મજબુર કરી છે.

ઉપરોકત ફરિયાદ પરથી મહિલા પોલીસ મથકના પી.આઇ. સાપરાની રાહબરીમાં પીએસઆઇ આઇ.એમ. ઝાલા અને હાજીભાઇએ પાંચેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(3:30 pm IST)