Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નવરંગ દ્વારા ઓસમ ડુંગરે પ્રકૃતિ શિબિરો

તા. ૧ થી પ્રારંભઃ થોરાળા વીડીમાં શિબિરો સંપન્ન, ૯૬૦ છાત્રોએ લાભ લીધો

રાજકોટ, તા. ૨૫ :. વન ચેતના કેન્દ્ર થોરાળા વીડી રાજકોટ ખાતે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિર યોજાઈ હતી. શિબિરમાં પક્ષી દર્શન, જેમાં પાણી કાંઠાના પક્ષીઓ અન કંટકવનના પક્ષીઓની ઓળ ખ કરી પક્ષીઓના કદ, રંગ બતાવી ઓળખ આપવામાં આવી હતી અને પક્ષીઓ આપણને કઈ રીતે મદદ કરે છે તેની સમજણ સ્થળ ઉપર આપવામાં આવી બાદ વન પરિભ્રમણ વખતે વનસ્પતિ દર્શન જેમાં દૂરથી વૃક્ષોને કઈ રીતે ઓળખી શકાય અને વનસ્પતિના વિવિધ અંગોના ઉપયોગ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. થોરાળા વીડી ખાતે જોવા મળતા વન્ય પ્રાણીઓ બતાવવામાં આવ્યા હતા ખાસ કરીને નિલગાય, શિયાળ, ઝરખ મુખ્ય હતા.

આ ઉપરાંત રાત્રે નરી આંખે આકાશ દર્શન અને અંધારામાં ૧ કિ.મી. બેટરી વગર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવ્યા શરૂઆતમાં વિદ્યાર્થીઓને અંધારામાં ચાલવાની અગવડતા પડતી હતી પણ ધીરે ધીરે અંધારામાં ચાલવાની ફાવટ આવવા લાગી હતી. નદી કેવી રીતે પાર કરી શકાય તે માટે કમાન્ડો બ્રીજનું આયોજન હતું. વિદ્યાર્થીઓને આ પ્રવૃતિમાં ખૂબ રોમાન્ચ મળે છે. દરરોજ રાત્રે એક પર્યાવરણને લગતા વિવિધ વિષય નિષ્ણાતને બોલાવી તેના વાર્તાલાપ અને મુકત ચર્ચાની ગોઠવણી કરી હતી. વિદ્યાર્થીઓ આ ચર્ચામાં ઉત્સાહભેર ભાગ લઈ ધારદાર દલીલો કરતા હતા.

શિબિરમાં વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી પોતાની જરૂરીયાતથી કેમ જીવી શકાય ? તે પ્રત્યેક્ષ અનુભવથી શિખવવામાં આવી અને વગડામાં બારીક અવલોકન કેવી રીતે કરી શકાય તેની તાલીમ આપી. વન વગડામાં ચણી બોર જાતે તોડી ખાવાની મજા જ અલગ હોય છે. અહીં બાળકોએ ચણી બોર જાતે તોડીને ખાધા.

તા. ૪-૧૨-૨૦૧૭થી તા. ૨૦-૧૨-૨૦૧૭ સુધી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ-ત્રંબા, સાંદિપની રીના સ્કૂલ-મવડી, માતૃશ્રી વિદ્યાલય, જ્ઞાનગંગા વિદ્યાલય, માં આનંદમય કન્યા વિદ્યાલય અને પરિશ્રમ પ્રાથમિક શાળાના કુલ ૯૬૦ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ભાગ લીધો કુલ ૧૫ શિબિરો થઈ ૧ શિબિરમાં ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો હોય છે. શિબિરમાં બપોરે ૩.૦૦ વાગ્યે આવવાનું અને બીજા દિવસે ૧૧.૦૦ વાગ્યે વિદાય હોય છે. આમ વન વગડામાં રાત્રી રોકાણનો લ્હાવો મળે છે.

આ શિબિરો વી.ડી. બાલાના સીધા માર્ગદર્શન હેઠળ મુકેશભાઈ દેસાણીએ સેવા આપેલ. શિબિરમાં ૧-વિદ્યાર્થી પાસેથી ટોકન દરે રૂ. ૨૦ ફી લેવામાં આવી.

વિદ્યાર્થીઓને થોરાળા વીડી ખાતે રાત્રી રોકાણની સગવડતા અને વગડામાં પરિભ્રમણ કરવાની વિનામૂલ્યે મંજુરી આપી આ અગત્યની પ્રવૃતિમાં ખૂબ સહકાર આપેલ.

તા. ૧-૧-૨૦૧૮થી તા. ૧-૨-૨૦૧૮ સુધી ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે ઓસમ પર્વત પર પ્રકૃતિ અનુભૂતિ શિબિરો દિવસ દરમ્યાનની શરૂ થવાની છે. જેમાં ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને માણાવદર તાલુકાની સ્કૂલોના બાળકો ભાગ લેવાના છે. સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ આમા ભાગ લેવા માટે મોકલી શકે છે. ૧ શિબિરમાં ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો હોય છે. વિદ્યાર્થીઓએ પોતાનું બપોરનું ટીફીન સાથે લાવવાનું રહે છે. સવારે ૯.૦૦ વાગ્યે ઓસમ પર્વતની તળેટી પર હાજર થવાનું અને આખો દિવસ ઓસમ પર્વત પર વિવિધ પર્યાવરણ લક્ષી પ્રવૃતિ કરી સાંજે ૪.૦૦ વાગ્યે પરત.

આ ઓસમની શિબિરોની વધારે વિગતો માટે બી.આર.સી. ભવન, ધોરાજી તથા ભાવેશભાઈ ડઢાણીયા મો. ૯૪૨૬૯ ૯૧૬૩૩નો સંપર્ક થઈ શકે છે.

(3:29 pm IST)