Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કોંગ્રેસ હવે ભાજપની 'નાભિ' (શહેરી ગઢ) માટે નવુ 'બાણ' તૈયાર કરશે

૭પ નગરપાલિકાઓમાં પંજાના નિશાન પર જ ચૂંટણી લડવાની તૈયારીઃ શહેરો પર ધ્યાન કેન્દ્રીત

રાજકોટ, તા. ૨૫ ­:. ધારાસભાની ચૂંટણીમાં ગામડાઓ મોટા ભાગે કોંગ્રેસની સાથે રહ્યા છે પરંતુ મહાનગરો સહિતના શહેરી ક્ષેત્રોમાં ભાજપનો દબદબો યથાવત રહેતા કોંગ્રેસ માટે સત્તા સહેજ છેટી રહી ગઈ છે. હવે ભાજપનો ગઢ ગણાતા શહેરી ક્ષેત્રમાં રાજકીય નાભી પર બાણ મારવા કોંગ્રેસ વિચારી રહી છે. આવતા દિવસોમાં શહેરી ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરાશે.

ફેબ્રુઆરીમાં ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ધારાસભાની ચૂંટણી પછીનો આ પ્રથમ જનાદેશ હશે. ભૂતકાળમાં કોંગ્રેસ અમુક નગરોમાં પક્ષના નિશાનથી તો અમુક નગરોમાં નાગરીક સમિતિના નામથી લડતી, આ વખતે તમામ નગરપાલિકાઓમાં પંજાના નિશાન પર જ લડવાનું નક્કી કર્યાનું જાણવા મળે છે.

શહેરી ક્ષેત્રોમાં કોંગ્રેસની નબળી સ્થિતિનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તારણ કાઢવામાં આવશે. ગામડા જેવી પક્કડ શહેરોમાં લાવવા કોંગ્રેસ મથામણ કરવા માગે છે. કોંગ્રેસમાં શહેરી ક્ષેત્રે સંગઠન માટે ખાસ ધ્યાન અપાય તેવી રણનીતિ અપનાવાશે. દોઢ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગામડામા અત્યારે કોંગ્રેસને મળેલો પ્રતિસાદ જાળવી રાખે અને શહેરી ક્ષેત્રોમાં મજબૂત પગપેસારો કરી શકે તો કોંગ્રેસ આવતા દિવસોમાં કમાલ કરી શકે તેમ છે. આ દિશામાં આગે કદમ માંડયા છે.(૨-૨૪)

(3:21 pm IST)