Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

તંત્ર ઉત્સવોમાં ગુંથાશેઃ સાયકલોથોન – મેરેથોન - પતંગ ઉત્સવના આયોજનો

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લોકોત્સવ માટે કોર્પોરેશનમાં તૈયારીઓઃ આ વખતે બીન જરૂરી ખર્ચ ટાળવા કેટલાક કાપ મુકાશે

રાજકોટ, તા., ૨૫: લોકશાહી પર્વ (ચુંટણી)માંથી પરવારેલું વહીવટી તંત્ર હવે સરકારના લોકોત્સવમાં ગુંથાશે કેમ કે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા યોજાતી સાયકલોથોન-મેરેથોન સહિતના આયોજનો કરવાના થાય છે.

આ અંગે કોર્પોરેશનમાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા ર વર્ષથી રાજકોટમાં મેરેથોન યોજાય છે. ગત વર્ષથી સાયકલોથોન શરૂ કરાઇ છે. જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પ્રારંભે આ ઇવેન્ટ યોજાતી હોય છે. જો કે તંત્ર દ્વારા આ વખતે હજુ જોરશોરથી તૈયારી શરૂ થઇ નથી. પરંતુ આમ છતાં વહીવટી તંત્ર મેરેથોન અને સાયકલોથોન યોજવા માટે તૈયારીમાં છે.

આ ઉપરાંત ૧૦મી જાન્યુઆરીએ રેસકોર્ષ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ત્યાર બાદ ર૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી માટે પણ તંત્રએ તૈયારી કરવી પડશે.

આમ આગામી દિવસોમાં ઉત્સવોની મોસમ ખીલશે. જો કે આ વખતે ખર્ચ ઘટાડવા અનેક બાબતો ઉપર કાપ મુકવામાં આવનાર છે તેમ જાણવા મળે છે. (૪.૧૫)

(3:16 pm IST)