Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

છેલ્લા એક દસકામાં રાજકોટનો દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો વિકાસ થયોઃ રાજુભાઈ ધ્રુવ

નરેન્‍દ્રભાઈ દેશના નેતા બનતા રાજકોટ શહેરના જાણે ભાગ્‍યના દરવાજા ખુલી ગયા

રાજકોટઃ કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીનવાળી ભાજપ સરકાર હોવાના કારણે રાજકોટ માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ છે. ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્‍યો છે. રાજકોટની અપેક્ષા કરતા પણ વધુ, અનેકગણી ભેટ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજકોટને આપી સમગ્ર રાજકોટનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્‍યો છે ત્‍યારે ખંત, ખુમારી, ખેલદીલીવાળી રાજકોટની જનતા પણ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવવા માટે તલપાપડ છે એવું ભાજપ અગ્રણી પ્રવકતા રાજુભાઈ ધ્રુવે એક યાદીમાં  જણાવ્‍યું છે.

કેન્‍દ્રમાં ૨૦૧૪ અને રાજ્‍યમાં ૧૯૯૫થી ભાજપના સ્‍થિર અને શાંત શાસનનાં કારણે રાજકોટ જેવા શહેરનો નિરંતર વિકાસ શકય બન્‍યો છે, રાજકોટ વિશ્વસ્‍તરે છવાયું છે. ભાજપના ડબલ એન્‍જીન સરકારનો લાભ રાજકોટને મળ્‍યો છે. રાજ્‍યની સૌ પ્રથમ એઈમ્‍સ રાજકોટને મળી છે. રાજ્‍યનાં સૌ પ્રથમ મેડિકલ પાર્કની ભેટ પણ રાજકોટને મળી છે. ભાજપનાં શાસકોની દીર્ઘદૃષ્ટી અને પ્રજા પ્રત્‍યેની વફાદારીનાં પરિણામે આજે પાણીની અછતવાળું રાજકોટ પાણીદાર બન્‍યું છે. સૌની યોજના થકી આજી, ન્‍યારી, ભાદર જેવા ડેમ બારેમાસમાં નર્મદાનાં નીરથી છલકાય છે ને નપાણીયુ કહેવાતું ગામ ચોવીસે કલાક પાણીની સુવિધાયુકત થયું છે. આજીડેમ ફિલ્‍ટર પ્‍લાન્‍ટ ખાતે ૧૪પ કિલોવોટની સોલાર સિસ્‍ટમ્‍સ સ્‍થપાઈ છે અને ન્‍યારી ડેમની ઊંચાઈ વધારાઈ છે. પાણીની સમસ્‍યામાંથી કાયમીમુક્‍ત અને નલ સે જલ યોજનાનાં અમલમાં હાલ રાજકોટ અવ્‍વલ છે. રાજકોટને એરપોર્ટ જેવું આલિશાન બસપોર્ટ મળ્‍યું છે. ૧૧૧૭૮ ચોરસ મીટર જગ્‍યામાં ૧પ૬ કરોડનાં ખર્ચે બનાવાયેલું રાજકોટનું વર્લ્‍ડકલાસ બસપોર્ટ આજે શહેરની શાન વધારી રહ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

રાજુભાઈએ વધુમાં જણાવેલ કે રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકોને આશરે પ૫૦ કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે ૧૦૦૦ જેટલા અને મધ્‍યમ વર્ગીય લોકોને આશરે ૩૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ર૫૦૦ જેટલા આવાસોની સોંપણી કરવામાં આવી છે. રાજકોટમાં ૬ કરોડ રૂપિયાનાં ખર્ચે સિન્‍થેટિક એથ્‍લેટીક ગેટ, પ.પ૦ કરોડનાં ખર્ચે હોકી ગ્રાઉન્‍ડ, ૪ લાખનાં ખર્ચે સ્‍કેટિંગ રીંગ સહિત રેસકોર્ષ સંકુલમાં ઈન્‍ડોર સ્‍ટેડીયમ, ફૂટબોલ ગ્રાઉન્‍ડ, બાસ્‍કેટ બોલપોર્ટ, ૬ ટેનીસ કોર્ટ, જીમ્‍નેશીયમ, યોગા સેન્‍ટર વિગેરે અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરની મધ્‍યમાં મળ્‍યું છે દુનિયામાં કયાંય પણ ન હોય એવું રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીનું ગાંધી મ્‍યુઝિયમ, શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસે મળ્‍યું છે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, આજીડેમ પાસે રામવન અને અને રાજકોટનાં સીમાડે મળ્‍યું છે રેસકોર્ષ-ર, અટલ સરોવર તેમજ સાયન્‍સ સિટી. આ સાથે રૈયા સ્‍માર્ટસિટી, લોધિકા જીઆઈડીસી, સુરેન્‍દ્રનગર-રાજકોટ-સુરેન્‍દ્રનગર રેલ્‍વે ટ્રેક, રાજકોટ-અમદાવાદ ૬ લેન હાઈવે, રાજકોટ-મોરબી ૪ લેન હાઈવે, નવી ટીપી સ્‍કીમ, રૂડાનો નવો ઉદ્યોગ રેલ્‍વેની બોગી બનાવવાનું કારખાનું, સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ હોસ્‍પિટલ, નવી જનાના હોસ્‍પિટલ, ૧૦ જેટલા નવા બ્રીજ, અર્બન ફોરેસ્‍ટ, નવું કોર્ટ બિલ્‍ડીંગ, નવી મામલતદાર કચેરી, નવા પોલીસ સ્‍ટેશનો વગેરે.. વગેરે કેટકેટલું.

યાદીમાં વધુમાં જણાવ્‍યા મુજબ રાજ્‍ય અને કેન્‍દ્રની ભરોસાની ભાજપ સરકાર અઢળક લોકાર્પણ-ખાતમુહુર્તની વણજાર કરી રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં પ્રેમથી આ શહેરને મળ્‍યા છે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનાં એરપોર્ટ અને હોસ્‍પિટલ. જામનગર રોડ પર પરાપીપળીયા અને ખંઢેરીની ર૦૦ એકર જમીનમાં અંદાજીત ૧ર૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે એઈમ્‍સ મળી તો રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસર ગામ પાસે રપ૦૦ એકરમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું એરપોર્ટ મળ્‍યું છે મતલબ કે, આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સુવિધા આપતી હોસ્‍પિટલ અને એરપોર્ટથી દુનિયાનાં નકશામાં રાજકોટનું નામ રોશન થવાનું શરૂ થઈ ચૂકયું છે.

ભાજપના વિકાસશીલ અને ગતિશીલ શાસનમાં રાજકોટને આઈવે પ્રોજેક્‍ટ, હાઉસિંગ પ્રોજેક્‍ટ, સાયકલ શેરિંગ પ્રોજેક્‍ટ, સ્‍વચ્‍છતા અભિયાન, સ્‍વચ્‍છ ભારત મિશન વગેરે માટે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાનાં એવોર્ડ મળી ચૂકયા છે. છેલ્લા એકાદ દાયકામાં રાજકોટનો દિવસે બે ગણો - રાત્રે ચોગણો વિકાસ તો થયો જ છે સાથેસાથે છેલ્લા ગુજરાતનાં પુત્ર નરેન્‍દ્રભાઈ મોદી ભારતના નેતા બનતા રાજકોટનાં જાણે ભાગ્‍યનાં દરવાજાઓ ખુલી ગયા છે એવું રાજુભાઈ ધ્રુવે યાદીના અંતમાં જણાવ્‍યું હતું.

(4:35 pm IST)