Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મતદારોના સમયે પ્રચારઃ રાજકીય પક્ષોનો નવો ટ્રેન્‍ડ

સવારે ડોર ટુ ડોર સંપર્ક, બપોરે રેલી-રોડ શો તથા સાંજ પછી સભા સંમેલનો-જમણવારના આયોજન : ભાજપ-કોંગ્રેસ-આપ દ્વારા પ્રચાર સમયમાં મોટો ફેરફાર

રાજકોટ,તા. ૨૫:  સમય સાથે બદલાવથી જ આજના યુગમાં ટકી શકાય છે. આ ઉકતી રાજકીય પક્ષોએ પણ અપનાવી છે. કોરોનાના કપરાકાળ બાદ યોજાઇ રહેલ વિધાનસભા ચૂંટણીમાં કોરોના પછી લોકોના સમયપત્રકમાં ફેરબદલ થતા રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા પ્રચારની રીત-સમયમાં ધરખમ ફેરફારો કરાયા છે.

જાહેર પ્રચારના દિવસો ખૂબ જ ટૂંકા છે અને મતદાન તા. ૧ ડિસેમ્‍બરે યોજાવાનું છે તે પહેલા રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ-આપ દ્વારા ડોર ટુ ડોર, રેલી, બુથ મીટીંગોનો સતત દોર ચાલુ જ છે. પણ તેમાં લોકો વચ્‍ચે મહત્તમ પ્રચાર કરી શકાય તે માટે સવારથી રાત્રી સુધીમાં અલગ અલગ ભાગમાં કાર્યક્રમો  કરવામાં આવી રહ્યા છે.

નવા ટ્રેન્‍ડ મુજબ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સવારના સમયમાં બે થી ત્રણ કલાક ઉમેદવારની સાથે ડોર ટુ ડોર મુલાકાત કરવામાં આવે છે. જેમાં સ્‍થાનીક આગેવાનો, વોર્ડ -બુથના કાર્યકરો જોડાઇ પોતાના ઉમેદવાર સાથે ઢોલ-નગારા, માઇકવાળી રીક્ષા, પત્રીકાઓ સાથે ઘરે -ઘરે મત આપવા પ્રચાર કરે છે. સવારના સમયે મુખ્‍યત્‍વે ઘરમાં બહેનો -ગૃહિણીઓ હાજર હોય છે. ત્‍યારે રાજકીય પક્ષોના મહિલા કાર્યકરો વિવિધ મુદ્દે તેમની સાથે વાતચિત કરે છે. આ પ્રચાર બપોરે ૧ વાગ્‍યા સુધી કરવામાં આવે છે.

જ્‍યારે સાંજે ૪ વાગ્‍યાથી ફરીથી રાજકીય પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરવામાં આવે છે. જેમાં રેલી-રોડ શોના આયોજન દ્વારા પ્રચારને વેગ આપવામાં આવે છે. જે સાંજે ૭ વાગ્‍યા સુધી મુખ્‍યમાર્ગો, રહેણાંક-કોમર્શીયલ વિસ્‍તારોમાં આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા રાહદારીઓ-વેપારીઓને રાજકીય પક્ષો પોતાની વાત પહોંચાડે છે.

દિવસના અંતે સાંજે સાત વાગ્‍યાથી રાત્રે ૧૧ વાગ્‍યા સુધી સભા -સંમેલનો -જમણવારનો દોર શરૂ થાય છે.જેમાં નાની-મોટી સભાઓ, બુથ મીટીંગો યોજાઇ છે. રાત્રે ૧૦ વાગ્‍યા સુધી જ માઇકની પરવાનગી હોય તે પહેલા મોટી સભાઓ-સંમેલનો, પક્ષોના વિવિધ મોરચાઓ મહિલા-યુવા સંમેલનો, જ્ઞાતિગત મેળાવડા, વિવિધ વેપારી એસો.ની સભાઓ કરવામાં આવે છે.

રાજકીય સભાઓ-સંમેલનોના અંતે ભોજનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. જેમાં તાવાથી લઇને કુલ ડીશ જમણવાર યોજાઇ છે. આમ રાજકીય પક્ષો દ્વારા મતદારોને અનુકુળ સમયે પોતાના ઉમેદવારના પ્રચાર-પ્રસારનો નવો ટ્રેન્‍ડ શરૂ થયો છે.

(4:47 pm IST)