Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ શહેર કરતા ગ્રામીણ ઉમેદવારો વધુ શિક્ષિત !

રાજકોટ એજ્‍યુકેશનનું હબ, પણ પક્ષોને ભણેલા ફાવતા નથી... : ૬૧ થી ૩૨ વર્ષની વયના ઉમેદવારો મેદાનમાં : ૬ ઉમેદવારો કોલેજનું પગથિયું ચઢયા નથી ! : ચારેય બેઠકોના ઉમેદવારોની કુંડળી

રાજકોટ તા. ૨૫ : શહેરમાં વિધાનસભા ચૂંટણી જંગ જામતો જાય છે. રાજકીય પક્ષો પોતાના ઉમદવારોના પ્રચાર પ્રસારમાં વ્‍યસ્‍ત છે. મતદારોને રીઝવવા માટે પોતાની તરફ આકર્ષવા માટે મિટિંગો, સભાઓ, રોડ શો, ડોર ટુ ડોર મુલાકાત કરી રહ્યા છે ત્‍યારે શહેરની ચારેય બેઠકોના મુખ્‍ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કેટલા શિક્ષિત છે તે અંગેની માહિતી અત્રે પ્રસ્‍તુત છે.

રાજકોટ ૬૮ માં ભાજપે ૫૦ વર્ષીય ઉદય કાનગડને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ૫૫ વર્ષીય ધોરણ ૧૨ પાસ ઈન્‍દ્રનીલ રાજગુરૂને ઉમેદવાર બનાવ્‍યા છે. ત્‍યારે આમ આદમી પાર્ટી તરફથી ૩૨ વર્ષીય યુવાન અને શિક્ષિત રાહુલ ભુવા મેદાનમાં છે.

રાજકોટ ૬૯માં ભાજપે એમ.બી.બી.એસ ૫૩ વર્ષીય ડો.દર્શિતાબેન શાહ, કોંગ્રેસે બી.એસ.સી ૫૫ વર્ષીય મનસુખભાઈ કાલરીયા તથા ‘આપ'માંથી ૫૮ વર્ષીય ધો.૧૦ પાસ દિનેશ જોશી ઉમેદવાર છે. જયારે રાજકોટ ૭૦માં ભાજપ માંથી ધો.૮ પાસ ૫૮ વર્ષીય રમેશભાઈ ટીલાળા, કોંગ્રેસમાંથી ૪૫ વર્ષીય ધો.૧૦ પાસ યુવા અગ્રણી હિતેષ વોરા તથા ‘આપ' માંથી ૬૧ વર્ષીય ધો.૧૨ પાસ શીવલાલ બારસીયા ચુંટણી લડી રહ્યા છે. દરમિયાન રાજકોટ ૭૧(ગ્રામ્‍ય)માં ભાજપે ૪૭ વર્ષીય બી.એ, એલ.એલ.બી ભાનુબેન બાબરીયા, કોંગ્રેસે ૫૦ વર્ષીય બી.ઈ સુરેશ બથવાર તથા આમ આદમી પાર્ટીએ ૫૭ વર્ષીય બી.એ, એલ.એલ બી વશરામભાઈ સાગઠિયાને ચુંટણી જંગમાં ઉતર્યા છે.

શહેરની ચાર બેઠકમાં મુખ્‍ય રાજકીય પક્ષોનાં ૧૨ ઉમેદવારોમાંથી સૌથી નાની ઉંમરના ૩૨ વર્ષીય રાજકોટ ૬૮(પુર્વ)માં આમ આદમીના રાહુલ ભુવા યુવા ઉમેદવાર છે. જયારે રાજકોટ ૭૦ના ‘આપ'ના ૬૧ વર્ષીય શીવલાલ બારસીયા સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે.

આ ઉપરાંત રાજકોટ ગ્રામ્‍યના ભાજપ, કોંગ્રેસ તથા આપના ત્રણેય ઉમેદવારો ઉચ્‍ચ શીક્ષીત છે. ૧૨ ઉમેદવારોમાંથી ૬ નેતાઓ કોલેજના પગથીયા ચડયા નથી એટલે કે ધો.૮ થી ધો.૧૨ સુધી ભણેલા છે.

(4:10 pm IST)