Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વીજ યુનિટનાં ભાવમાં ૨.૪૭ રૂપિયાનાં વધારાથી ગ્રાહકો ત્રાહીમામ : વિરજીભાઇ ઠુંમરનો આક્રોશ :

રાજકોટ તા.૨૫ : રાજ્‍ય સરકારમાં હાલ મોંઘવારીના મુદ્દે જનતામાં રોષ ની આંધી જોવા મળી રહી છે. ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા વીજળીદરમાં ભાવ વધારો નાખી વીજ વપરાશકર્તાને જાણે વીજ શોક આપ્‍યો હોય તેવી લાગણી રાજ્‍યના લોકો અનુભવી રહ્યા છે. સામાન્‍ય ૫૦ યુનિટ વપરાશકર્તાઓને પણ આ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે કારણે કે સરેરાશ યુનિટદીઠ રૂ ૨.૪૭ નો ભાવ વધારો નાખવામાં આવતા ૭.૨૯ માંથી થી ૯.૭૬નો ભાવ વધારો વીજ ગ્રાહકોને ચુકવવા આવ્‍યો છે. લાઠી બાબરાના ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું છે કે જે રાજ્‍યની સરકાર મોંઘવારીના મુદ્દે રેકોડબ્રેક આગળ વધી રહી છે જેના કારણે રાજ્‍યની સામાન્‍ય જનતાને કારમો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી સહિત મુખ્‍યમંત્રી આખું પ્રધાનમંડળ ચૂંટણી પ્રચારમાં લાગ્‍યું છે અને બીજી તરફ રાજ્‍ય સરકાર મોંઘવારીમાં અંકુશ લાવવવાની વાત કરવાના બદલે સતત વધારો ઝીંકી રહી છે ત્‍યારે જનતા પણ હવે ભાજપના સાશનમાંથી મુક્‍ત બનવા થનગની રહી છે. દેશ અને રાજ્‍યમાં મોંઘવારી, બેરોજગારી તેમજ ખેડૂતોના મુદ્દે તેમજ સારું અને સસ્‍તું શિક્ષણના મુદ્દે  ભાજપ સરકાર વાત કરવાના બદલે અન્‍ય મુદ્દે રાજ્‍યની જનતાને ભટકાવવાના પ્રયાસો કરી રહી છે પણ ત્રણ દાયકાઓ ત્રસ્‍ત ગુજરાતની શાણી જનતા ભાજપને જાકારો આપી કોંગ્રેસની સરકાર બનાવવાનું મન બનાવી ચુકી છે ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્રના  ૫૫ લાખથી  સહિત દોઢ કરોડના વીજ ગ્રાહકો પર આ વીજ દરનો વધારોનો બોજ લાગુ પડશે તેવું અંતમાં જણાવ્‍યું હતું.

(4:08 pm IST)