Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

લગ્નના વરઘોડામાં પરોઢ સુધી સાઉન્‍ડ સીસ્‍ટમ વગાડીઃ રાહુલ પરમારની ધરપકડ

રામનાથપરા ભવાનીનગરમાં એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: રામનાથપરા ભવાનીનગરમાં લગ્નમાં વરઘોડાના પ્રસંગ માટે રજપૂત યુવાને ભાડેથી સાઉન્‍ડ સીસ્‍ટમ લાવી વહેલી સવારના ચાર વાગ્‍યા સુધી મોટા અવાજે વગાડતાં પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેની અટકાયત કરી સાઉન્‍ડ સીસ્‍ટમ જપ્‍ત કરવાની કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં પીએસઆઇ જી. એન. વાઘેલાએ રામનાથપરા ભવાનીનગર-૩ના ખુણે રહેતાં રાહુલ જગદીશભાઇ પરમાર (ઉ.૨૪) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયતની કાર્યવાહી કરી હતી.

પીએસઆઇ વાઘેલા અને ટીમના સાગરદાન દાંતી સહિતનો સ્‍ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે રાતે કન્‍ટ્રોલ રૂમમાંથી ફોન આવ્‍યો હતો કે રામનાથપરામાં માઇક ચાલુ છે, ત્‍યાં જઇ યોગ્‍ય કરવું. આથી પોલીસ રામનાથપરા મહાદેવ મંદિર રોડ બહુચરાજી ચોક ખાતે પહોંચતા લગ્ન પ્રસંગમાં ખુબ જ મોટા પ્રમાણમાં અવાજ કરતાં લાઉડ સ્‍પીકર સાઉન્‍ડ સીસ્‍ટમ વાગતાં હોઇ જે બંધ કરાવી પુછતાછ કરતાં એક વ્‍યક્‍તિએ લગ્નમાં વરઘોડાનું આયોજન હોવાથી લાઉડ સ્‍પીકર સીસ્‍ટમ ભાડેથી લાવ્‍યાનું કહ્યું હતું.

આ શખ્‍સે પોતાનું નામ રાહુલ જગદીશભાઇ પરમાર (ઉ.૨૪-રહે. ભવાનીનગર-૩) જણાવ્‍યું હતું. તેમજ સાઉન્‍ડ સિસ્‍ટમ ઓપરેટ કરનારે પોતાનું નામ દિપક નરસીભાઇ ઢાપા (ઉ.૩૫-રહે. રામનાથપરા ભવાનીનગર) જણાવ્‍યુ઼ હતું અને સાઉન્‍ડ સીસ્‍ટમ પોતાની હોવાનું કહ્યું હતું. બે મોટા સ્‍પીકર રૂા. ૮ હજારના, એમ્‍પ્‍લીફાયર રૂા. ૧૦ હજારનું, માઇક્રોફોન રૂા. ૪૦૦, કેબલ રૂા. ૩૦૦ના મળી રૂા. ૧૮૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી આયોજન રાહુલ પરમારની અટકાયત કરી હતી. વહેલી સવારના ચાર વાગી ગયા હોવા છતાં તે મોટા અવાજે સાઉન્‍ડ સીસ્‍ટમ વગાડતો હઇ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:46 pm IST)