Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

અમૃત મહોત્‍સવમાં વિવિધ ક્ષેત્રના ધુરંધરોની હાજરીમાં ૯ સેમીનાર

ગુરુકુલના પ્રસંગમાં રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓનલાઇન સંબોધન કરશે : રામનાથ કોવિદ, મોહન ભાગવત આચાર્ય દેવવ્રતજી, કવિ કુમાર વિશ્વાસ, ભારત બાયોટેકના વડા શ્રીકૃષ્‍ણ એલ્લા, શિક્ષણવિદ્‌ આનંદકુમાર, ગુગલ બોય પંડિત કૌટીલ્‍ય વગેરે હાજરી આપશે : અલગ અલગ કાર્યક્રમમાં હજારો લાભાર્થીઓ

રાજકોટ,તા. ૨૫ : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાને ૭૫ વર્ષ પૂરા થતા ડિસેમ્‍બરની તા. ૨૨ થી ૨૬ સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી કણકોટ રોડ પર દિવ્‍ય-દિવ્‍ય અમૃત મહોત્‍સવ યોજાનાર છે. સમગ્ર મહોત્‍સવ સ્‍થળને સહજાનંદનગર નામ આપવામાં આવ્‍યું છે. સ્‍થળ પર રાત-દિવસ તડામાર તૈયારી ચાલી રહી છે. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ તથા ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને મહંત સ્‍વામી દેવપ્રસાદદાસજી સ્‍વામીની પ્રેરણાથી સમગ્ર મહોત્‍સવનું ઐતિહાસિક આયોજન થયું છે. મહોત્‍સવ આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કૃતિક રીતે ઉજવાય તે ઉપરાંત સમાજ ઉપયોગી માર્ગદર્શન મળે તેવા શુભ ઉદ્દેશ્‍યથી મહોત્‍સવ નિમિતે સહજાનંદનગરમાં સભા મંડપમાં જ અલગ અલગ દિવસે અલગ અલગ વિષય પર મંચ (સેમિનાર)નું આયોજન કરવામાં આવે છે. જેમાં જે તે ક્ષેત્રે સાથે સંકળાયેલા લાભાર્થીઓને વિષય નિષ્‍ણાંતો અને સંતો દ્વારા માર્ગદર્શન અપાશે. તેમજ દિશા દર્શક સંવાદ થશે.

અમૃત મહોત્‍સવ નિમિતે યોજાનાર વિવિધતાસભર સેમિનારની માહિતી નીચે મુજબ છે.

વિદ્રતા મંચ

તા. ૧૬ ડિસેમ્‍બર, શુક્રવાર સમયઃ સવારે ૯ થી સાંજે ૫

બાલ ઉત્‍કર્ષ મંચ

તા. ૨૧ ડિસેમ્‍બર, બુધવાર સમય : સવારે ૧૦ થી સાંજે ૫

આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. માવતરના પ્રેમથી પોષાયેલ બાળકો વટવૃક્ષ બને છે. બાળકો એ ઇશ્વરનું બીજું સ્‍વરૂપ છે. તેના જીવન નિર્માણમાં માતા-પિતા અને ગુરુનો મોટો ફાળો હોય છે. બાળકને યોગ્‍ય દિશા મળે તો તે સ્‍વયં પ્રગતિ કરવાની સાથે સમાજને પણ પોતાની સફળતા મીઠા ફળ આપે છે. ગુરુકુલની પરંપરા એવી રહી છે કે બાળકને શિક્ષણની સાથે સંસ્‍કાર મળે. સંસ્‍કાર સાથેની સંપત્તિ હશે તો તેનું જીવનચરિતાર્થ થઇ શકે. આ બાબતને ધ્‍યાને રાખી બાળમંચનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુરુકુલની ૫૧ શાખાઓના અંદાજે ૨૫ હજાર બાળકો ભાગ લેશે. જેમાં ગુગલ બોય પંડિત કૌટિલ્‍ય અને બાળવિકાસ ક્ષેત્રના અન્‍ય અગ્રણીઓ તથા બાળકોના વાલીઓ ઉપસ્‍થિત રહેશે.

કિસાન મંચ

તા. ૨૨ ડિસેમ્‍બર, ગુરુવાર સમય : સવારે ૧૦ થી બપોરે ૧

ભારત કૃષિપ્રધાન દેશ છે ખેડૂતો અન્‍નદાતા કહેવાય છે. અર્થવેદમાં કહેવામાં આવ્‍યું છે કે ધરતી આપણી માતા છે. વધુ ઉપજ મેળવવાની લાલચમાં જે ખેડૂતો કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે તે ધરતી અને સમાજના હિતમાં નથી. આવા ઉપયોગથી ખેડ ઉત્‍પાદનનું પ્રમાણ ઘટયું છે. પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની માંગ છે. આ ખેતી દેશી ગાય આધારીત છે. ઓછા પાણી અને ઓછા ખર્ચે થઇ શકે છે. પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુકત અને વધુ પ્રમાણમાં ઉપજ મેળવી શકાય છે. ગુરુકુલના પ્રયોસોથી સેંકડો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્‍યા છે. આ ખેતી પધ્‍ધતિના પુરસ્‍કર્તા ગુજરાતના રાજ્‍યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા કેન્‍દ્રીય ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા આ સેમિનારમાં ખાસ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે. પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્‍સાહવર્ધક પરિણામ મેળવનાર કેટલાક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો પણ મંચ પરથી સાંભળવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫ હજાર જેટલા ખેડૂતો લાભ લ્‍યે તેવી તૈયારી છે.

મહિલા મંચ

તા. ૨૩ થી ૨૪ ડિસેમ્‍બર, શુક્ર-શનિ સમય : સવારે ૧૨:૩૦ થી બપોરે ૩

ભારતમાં ઋષિમુનિઓના યુગથીસ્ત્રી સન્‍માનનો દરજ્‍જો મૂર્તિમંત બન્‍યો છે. જ્‍યાં નારીઓનું સન્‍માન થાય છે ત્‍યાં દેવતાઓનો વાસ હોય છે તેવું આપણા ગ્રંથો કહે છે. ભારતે જગતને સતિઓ, સાધ્‍વીઓ અને સન્‍નારીઓન જવલંત ઇતિહાસ પૂરો પાડયો છે. નારીના સંસ્‍કાર તેના પરિવારનું અને સમાજનું અમૂલ્‍ય આભૂષણ છે. નારી ઉત્‍કર્ષના ધ્‍યેયને કેન્‍દ્રમાં રાખીને અમૃત મહોત્‍સવમાં સતત બે દિવસ બપોર વચ્‍ચે મહિલા સેમિનાર રાખવામાં આવેલ છે. જેમાં આદર્શ ગૃહિણીની ભૂમિકા અને સમાજ વિકાસમાં મહિલાઓનો ફાળા વિશે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઓનલાઇન સંબોધન કરશે. કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાની તેમજ પ્રખર વક્‍તા સાધ્‍વી ઋતુંભરાજી સેમિનારમાં ઉપસ્‍થિત રહેશે. બંને દિવસ ૧૫-૧૫ હજાર મહિલાઓ ઉપસ્‍થિત રહે તેવું આયોજન છે.

શિક્ષક મંચ

તા. ૨૪ ડિસેમ્‍બર, શનિવાર સમયઃ સાંજે ૪ થી ૬

ભારતીય પરંપરામાં શિક્ષણને સર્વોચ્‍ચ મહત્‍વ આપવામાં આવ્‍યું છે. બાળકના જીવનમાં માતા-પિતા કે વાલી પછી શિક્ષકનું સ્‍થાન હોય છે. શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનને ઉત્‍કર્ષ તરફ દોરી જાય છે. તે શિસ્‍ત, ક્ષમા અને કરૂણાના પ્રતિક ગણાય છે. સમાજની પ્રગતિમાં શિક્ષકોની ચાવીરૂપ ભૂમિકાને ધ્‍યાને રાખીને ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગુરુકુલ સાથે સંકળાયેલા ૫ હજાર શિક્ષકો ભાગ લેશે. આ સેમિનારમાં ઉચ્‍ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ચાવીરૂપ માર્ગદર્શન આપતા બિહારના જાણીતા શિક્ષણવિદ્‌ શ્રી આનંદકુમાર સુપર 30 ઉપસ્‍થિત રહેશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ

 તા. ૨૫ ડિસેમ્‍બર, રવિવાર સમય : સવારે ૮:૩૦

સ્‍વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ ૧૯૪૮માં રાજકોટમા ગુરુકુલની સ્‍થાપના કરેલ. રાજકોટ સહિતની ૫૧ શાખાઓમાં અત્‍યાર સુધીમાં ૧,૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્‍કાર સાથે શિક્ષણ લઇને ગયા છે. જેમાંના અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં ઉચ્‍ચ સ્‍થાને છે. ગુરુકુલ પાસે ઉપલબ્‍ધ માહિતી મુજબ ૧૨ થી વધુ વૈજ્ઞાનિકો, ૧૩ વધુ પાયલોટ, ૬૮ થી વધુ ચાટર્ડ એકાઉન્‍ટન્‍ટ, ૮૨થી વધુ સૈનિકો, ૫૦૦ જેટલા ડોકટરો કાર્યરત છે. ૫૨૫૭ જેટલા એન્‍જિનિયરો ગુરુકુલના એક સમયના વિદ્યાર્થી છે. ૧૭૫૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ વિદેશમાં વિવિધ સ્‍થાને ભારતીય સંસ્‍કૃતિના કીર્તિધ્‍વજ ફરકાવી રહ્યા છે. ૬ હજારથી વધુ ઉદ્યોગપતિઓ તેમજ અનેક વેપારીઓ અને સરકારી અધિકારીઓ આ સંસ્‍થાના એક સમયના વિદ્યાર્થીઓ હોવાનું ગૌરવ અનુભવે છે. આજનો વિદ્યાર્થી દેશનો ભાવિ કર્ણધાર છે. ગુરુકુલનું ગૌરવ વધારનાર પૂર્વ વિદ્યાર્થીઓને યાદ કરી તેમના માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સર્વોચ્‍ચ વડા મોહન ભાગવતજી ખાસ ઉપસ્‍થિત રહેશે. વ્‍યકિત વિશેષની વ્‍યાખ્‍યામાં આવતા કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે. આ સેમિનારમાં ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાશે.

ડોક્‍ટર-ઇજનેર મંચ

તા. ૨૫ ડિસેમ્‍બર, રવિવાર સમય : સાંજે ૪ થી ૬

ડોકટરનો વ્‍યવસાય એ અવિરત આશીર્વાદ પામતો ઉમદા વ્‍યવસાય છે. ડોકટર પોતાના ક્ષેત્રના વ્‍યાપક જ્ઞાન અને ઉપકરણો ધરાવે છે. આ વ્‍યવસાય સેવા સાથે જોડાયેલો છે. ઇજનેર પણ વિજ્ઞાની જ એક શાખા છે. વિવિધ વિષયોમાં ઇજનેરની ભૂમિકા મહત્‍વની રહે છે. ગુરુકુલ સંસ્‍થાએ પોતાના વિદ્યાર્થી રૂપે સમાજને સંખ્‍યા બંધ ડોકટરો અને ઇજનેરોની ભેટ આપી છે. ગુરુકુલ સાથે સંકળાયેલા અને ગુરુકુલની પ્રવૃતિઓમાં રસ ધરાવતા ૫ હજાર જેટલા ડોકટરો અને ઇજનેરોનો સેમિનાર યાદગાર બની રહેશે. જેમાં બંને ક્ષેત્રની પ્રગતિ તેમજ અતિ આધુનિક શોધખોળની ઝલક પ્રસ્‍તુત થશે. આ કાર્યક્રમમાં કોરોનાની રસી શોધીને વિશ્વભરમાં દેશનો ડંકો વગડાવનાર વૈજ્ઞાનિક ભારત બાયોટેક હૈદ્રાબાદના વડા શ્રીકૃષ્‍ણ એલ્લા તેમજ અન્‍ય તજજ્ઞો ઉપસ્‍થિત રહેશે.

યુવા મંચ

તા. ૨૫ ડિસેમ્‍બર, રવિવાર સમય : રાત્રે ૮ :૩૦ વાગ્‍યે

જગતમાં યુવાનો મહાન પરીવર્તનના અગ્રદૂત રહ્યા છે. યુવાનો સમાજ અને દેશના ઉજ્જવળ ભાવીના ઘડવૈયા છે. શરીરથી બળવાન, મનથી સુદ્રઢ અને આત્‍મવિશ્વાસથી છલાકાતા સંસ્‍કારી યુવાનો દેશની પ્રગતિના રાહબર બની રહે છે. ઉઠો જાગો અને ધ્‍યેય પ્રાપ્‍તિ સુધી મંડયા રહો તે સંદેશ ઝીલીને યુવાનો દેશના વિકાસની નવી ઉંચાઇઓ સર કરવામાં સિંહફાળો આપી શકે તેમ છે. યુવા શકિતનો મહિમા સમજીને તેને સમાજ ઉત્‍કર્ષની પ્રવૃતિ તરફ વધુ વાળવા અમૃત મહોત્‍સવ નિમિતે યુવક-યુવતી માટે અલાયદા સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય દેશના જાણીતા કવિ શ્રી કુમાર વિશ્વાસ હાજરી આપશે.  ૨૫ હજાર યુવાનો ભાગ લેશે.

વડીલ મંચ

તા. ૨૬ ડિસેમ્‍બર, સોમવાર સમય : સવારે ૮:૩૦ વાગ્‍યે

જેણે જીવનના તડકા છાંયા જોઇને અનુભવનું સમૃદ્ધ ભાગુ ભેગું કર્યું છે. તેવા વડીલો માટે મહોત્‍સવના અંતિમ દિવસે યાદગાર કાર્યક્રમનું આયોજન છે. જેમાં ૧૧ હજાર વડીલો ઉપસ્‍થિત રહેવાની ધારણા છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્‍ચેના વિચાર ભેદના કારણે સર્જાતી સમસ્‍યાઓ નિવારવા માર્ગદર્શન આપવામાં આવશે. વડીલોના જ્ઞાનનો ઉભરતી પેઢીને લાભ મળશે. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ અને કેરલના રાજ્‍યપાલ આરીફ મોહમ્‍મદ ખાન ઉપસ્‍થિત રહી ઉદ્‌બોધન કરશે.

આયોજન અંગેની વધુ માહિતી માટે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ રાજકોટ ખાતે અથવા શ્રી પ્રભુ સ્‍વામી મો. નં. ૯૮૭૯૦ ૦૦૨૫૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(11:49 am IST)