Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાજકોટના શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના આશ્રિત ૩ બાળકોને જિલ્લા કલેકટરશ્રીના હસ્‍તે દત્તક ઇચ્‍છુક દંપતિઓને સોંપાયા

બાળકોને પારિવારિક હૂંફ સાથે માતા પિતાને જવાબદાર ભૂમિકા નિભાવવા કલેકટરની અપીલ

રાજકોટ તા.૨૪: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળ કિશોર ન્‍યાય અધિનિયમ એમેડમેન્‍ટ ૨૦૨૧ અને એડોપ્‍શન ૨૦૨૨ અંતર્ગત દત્તક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટને સત્તાઓ આપવામાં આવી છે. સમગ્ર ભારતમાં નવેમ્‍બર મહિનાને એડોપ્‍શન માસ તરીકે ઉજવવમાં આવે છે.જે અન્‍વયે આજરોજ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત નવી ગાઈડ લાઈન એડોપ્‍શન રેગ્‍યુલેશન - ૨૦૨૨ અનુસાર જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના હસ્‍તે શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ૩ આશ્રિત બાળકોને ઈચ્‍છુક દંપતિઓને સોંપવામાં આવ્‍યા હતા.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ બાળકો અને દત્તક માતા -  પિતાને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ આપી હતી. તેમજ બાળકોને પારિવારિક હૂંફ સાથે જવાબદાર માતા પિતા તરીકે ભૂમિકા નિભાવવા અપીલ કરી હતી.આ સમગ્ર કામગીરીમાં પ્રાંત અધિકારીશ્રી શહેર - ૧ કે.જી.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્‍સુબેન વ્‍યાસ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડો. પ્રાર્થનાબેન શેરસીયા, ચીફ પ્રોબેશન ઓફિસરશ્રી મેહુલગીરી ગોસ્‍વામી, કાઠિયાવાડ બાલાશ્રમના પ્રમુખશ્રી હરેશભાઈ વોરા તથા  જિલ્લા બાળ સુરક્ષા એકમનો તમામ સ્‍ટાફગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:37 pm IST)