Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કર્મચારીઓ-કામદારોને પ્રથમ તબક્કામાં ૧ લી અને બીજા તબક્કામાં ૫ ડીસેમ્‍બરે ફરજીયાત રજા આપવાની રહેશેઃ રજા નહિ આપનાર સામે ફરીયાદ કરવા નોડલ ઓફીસરની અપીલ

રાજકોટ તા. ૨૪: ભારતના ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨ બે તબક્કામાં અનુક્રમે તા. ૦૧ ડિસેમ્‍બરને ગુરૂવાર અને તા. ૦૫ ડિસેમ્‍બરને સોમવારના રોજ યોજાનાર છે. ત્‍યારે જે-તે વિસ્‍તારના ગુજરાત શોપ્‍સ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટસ (રેગ્‍યુલેશન ઓફ એમ્‍પ્‍લોયમેન્‍ટ એન્‍ડ કંડીશન્‍સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્‍થાઓ તથા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મયારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે ખાસ રજા મંજુર કરવાની રહેશે. કર્મચારીના પગારમાંથી કોઇ કપાત કરવામાં આવશે નહીં.

વધુમાં, આ જોગવાઇ અનુસાર રોજમદાર/ કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જો કોઇ માલિક જોગવાઇ વિરુદ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે. સંસ્‍થા/કારખાનામાં કામ કરતા રાજકોટ જિલ્લા બહારના તથા જિલ્લાના વિવિધ તાલુકાના શ્રમયોગીઓને વતનના જિલ્લામાં તથા તાલુકામાં મતદાન કરવા જવાની સવેતન રજા આપવાની રહેશે.

મતદાનના દિવસે કોઇપણ શ્રમયોગીઓ/કર્મચારીઓને નોકરીદાતા મતદાનના દિવસે રજા આપવાની કે મતદાન કરવા જવાની પરવાનગી ન આપે, તો કચેરીના હેલ્‍પલાઇન નં. ૦૨૮૧-૨૪૭૫૫૩૫ ઉપર પોતાની ફરીયાદ/રજુઆત કરી શકશે. જે ગોપનીય રાખવામાં આવશે. તેમ રાજકોટના મદદનીશ શ્રમ આયુક્‍ત અને માયગ્રેટરી નોડલ ઓફિસરશ્રીની યાદીમાં ઉમેરાયું છે. 

(5:44 pm IST)