Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

૨૧.૫૫ લાખનો દારૂ ભરેલો ટ્રક એરપોર્ટ પોલીસે પકડયો

બામણબોર પાસે ગુંદાળાના પાટીયે કાર્યવાહીઃ ટ્રકમાં ઉપર ભુસુ ભર્યુ હતું નીચે બનાવાયેલા ચોરખાનામાં છુપાવી રાખી'તી ૫૩૮૮ બોટલો : ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી મનોજ શર્માની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ એ. કે. રાઠોડ અને ટીમની કાર્યવાહીઃ દારૂ કોને આપવાનો હતો તેની તપાસઃ કુલ ૩૧.૬૦ લાખના મુદ્દામાલ સાથે રાજસ્‍થાનના માડમેરના ટ્રક ડ્રાઇવર સાગારામને પકડી લેવાયો : કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમાની સફળ બાતમી

તસ્‍વીરમાં ૨૧,૫૫,૨૦૦ની કિંમતનો ૫૩૮૮ બોટલ દારૂ ભરેલો ટ્રક એરપોર્ટ પોલીસે પકડયો હતો તે તથા તેમાં બનાવાયેલા ચોરખાના અને જપ્‍ત થયેલો દારૂનો જથ્‍થો તથા આરોપી ટ્રકચાલક સાગારામ જાટ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ થતી રોકવા શહેર પોલીસ સતત સક્રિય છે. દરમિયાન એરપોર્ટ પોલીસે બામણબોર ચેકપોસ્‍ટ નજીક ગુંદાળા ગામના પાટીયા પાસેથી રૂા. ૨૧,૫૫,૨૦૦નો ૫૩૮૮ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ રાજસ્‍થાની ટ્રક ચાલકને દબોચી લીધો છે. દારૂ તથા દસ લાખનો ટ્રક મળી કુલ રૂા. ૩૧,૬૦,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. આ દારૂનો ટ્રક રાજકોટ તરફ પહોંચાડવાનો હોવાની શક્‍યતાએ ચાલકની પુછતાછ શરૂ થઇ છે. જો કે તેણે આ ટ્રક પોતે જોધપુર તરફથી લાવ્‍યાનું અને રાજકોટમાં કોને આપવાનો હતો તે અંગે પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત દારૂની હેરફેર અટકાવવા કડક સુચના અપાઇ હોઇ એરપોર્ટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમાને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્‍થાન તરફથી એક ટ્રક દારૂનો મોટો જથ્‍થો ભરીને બામણબોર તરફ આવી રહ્યો છે. આ બાતમીને આધારે બામણબોર નજીક ગુંદાળા ગામના પાટીયા પાસે વોચ રખાતાં બાતમી મુજબનો ટ્રક આવતાં તેને અટકાવી તલાસી લેતાં ઠાઠામાં ઉપરના ભાગે ભુસુ ભરેલુ જોવા મળતાં પોલીસ ચકરાવે ચડી ગઇ હતી. પરંતુ ટ્રકમાં દારૂનો જથ્‍થો હોવાની પાક્કી બાતમી હોઇ પોલીસે જીણવટભરી તપાસ કરતાં ભુસા નીચેના ભાગે બનાવાયેલા વિશાળ ચોરખાના મળી આવ્‍યા હતાં. જેમાંથી અધધધ રૂા. ૨૧,૫૫,૨૦૦ની કિંમતનો અલગ અલગ બ્રાન્‍ડનો ૫૩૮૮ બોટલ દારૂ મળી આવ્‍યો હતો.

પોલીસે મેકડોવેલ્‍સ નંબર વનની ૩૬૪૮ બોટલો, ઇમ્‍પિરીયલ બ્‍લુની ૧૭૪૦ બોટલો મળી કુલ ૫૩૮૮ બોટલો (કુલ ૪૪૯ પેટીઓ) કબ્‍જે કરી ટ્રક ચાલક સાગારામ મુલારામ કડવાસરા (જાટ) (ઉ.૨૫-રહે. સેલાઉ જાટો કી બસ્‍તી, ગરડીયા તા. રામસર જી. બાડમેર રાજસ્‍થાન)ની ધરપકડ કરી દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી રૂા. ૩૧,૬૦,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. સાગારામે પોતે ક્‍યાંથી આ જથ્‍થો લાવ્‍યો તે અંગેની પ્રાથમિક પુછતામાં પોતે જોધપુરથી આવ્‍યાનું અને ટ્રકમાં ભુસુ જ હોવાની પોતાને ખબર હોવાનું તેમજ રાજકોટ પહોંચ્‍યા પછી ફોન આવે તે મુજબ ડિલીવરી આપવાની હોવાનું રટણ કર્યુ હોઇ મોકલનાર અને મંગાવનારા કોણ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસીપી મનોજ શર્માની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાત, પીએસઆઇ એ. કે. રાઠોડ, હેડકોન્‍સ. કેશુભાઇ વાંજા, હેમતભાઇ તળાવીયા, ભગીરથસિંહ ડોડીયા, કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, નરેશભાઇ ઝાલા અને પીસીઆર ઇન્‍ચાર્જ યુવરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. 

(3:28 pm IST)