Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પ્રભુને વિનંતી કરીએ, જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી, મારો સંસાર વધારનારા નહીં પણ મને સંસારથી તારનાર પરિવાર મળજો : પૂ. નમ્રમુનિ મ.સા.

છ આત્માઓની રાષ્ટ્રસંતના સાંનિધ્યે દીક્ષા આજ્ઞા અર્પણ વિધિ યોજાઇ

રાજકોટ તા. ૨૫ : પ્રભુ પંથને પામવાના હૃદયમાંથી ઉદભવતા છ - છ આત્માઓના તલસાટના તરંગોની સ્પર્શનાએ, એકસાથે ૪૯ સંયમી આત્માઓની આશીવર્ષાના પાવન છાંટણાં એ, ચતુર્વિધ સંઘની અહોભાવભીની અભિવંદના અને પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમથી જોડાયેલાં દેશ-પરદેશના હજારો ભાવિકોની અંતર અનુમોદનાની સાક્ષીએ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિના ચરણ શરણમાં છ-છ મુમુક્ષુ આત્માઓના આ દીક્ષા અર્પણ વિધિનો ઉજવાયેલો અવસર અનેક આત્માઓની હૃદયધરા પર સંયમના બીજનું વાવેતર કરી ગયો.

સ્વજન, પરિવાર અને સમગ્ર સંસારને વજર્ય કરીને ગુરુ શરણમાં પ્રવ્રજયા અંગીકાર કરવા તત્પર બનેલાં કોલકાતા નિવાસી મુમુક્ષુ જિનલબેન આશિતભાઈ શેઠ, મુંબઈ નિવાસી મુમુક્ષુ દેવાંશીબેન દિલેશભાઈ ભાયાણી, આકોલા નિવાસી મુમુક્ષુ પ્રિયંકાબેન બકુલભાઈ પારેખ, રાજકોટ નિવાસી મુમુક્ષુ  નિધીબેન નિતીનભાઈ શાહ, આકોલા નિવાસી મુમુક્ષુ નિશાબેન મનિષભાઈ દોશી તેમજ મુમુક્ષુ ભવ્યભાઈ મનિષભાઈ દોશીની સંયમ અનુજ્ઞા અર્પણ વિધિના પરમધામનાં પ્રાગણે આયોજિત આ અવસર ગોંડલ સંપ્રદાયના ભવ્ય ઇતિહાસને પુનરાવર્તિત કરી ગયો હતો, જયારે આજથી ૧૫૦ વર્ષ પહેલાં ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂજય ડુંગરસિંહજી મહારાજ સાહેબે પોતાની માતા સહિત પરિવારના પાંચ સભ્યો સાથે દીક્ષા અંગિકાર કરી હતી, તેમનાં પગલે પગલે ૧૫૦ વર્ષ બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સંસારી પરિવારમાંથી છઠ્ઠા આત્માને આ અવસરે સંયમ ગ્રહણની આજ્ઞા અર્પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવનાં પગલે પગલે એમના સંસારપક્ષે માતુશ્રી પૂજય પ્રબોધિકાબાઈ મહાસતીજી, ભત્રીજી પૂજય શ્રી પરમ વિભૂતિજી મહાસતીજી, ભાણેજી પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી, ભત્રીજી પૂજય શ્રી પરમ આત્મિયાજી મહાસતીજી, જયારે સંયમની સાધના સાથે શાસનને ગૌરવ બક્ષી રહ્યાં છે ત્યારે ફરીને આ પરિવારમાંથી પરમ ગુરુદેવના ભત્રીજી મુમુક્ષુ શ્રી દેવાંશીબેન દિલેશભાઈ ભાયાણી સંયમ પંથે પ્રયાણ કરવા તત્પર બન્યાં છે.

એ સાથે જ ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની જેમ ગોંડલ સંપ્રદાયમાં મુમુક્ષુ નિશાબેન દોશી તેમજ મુમુક્ષુ ભવ્યભાઈ દોશી માતા-પુત્ર એકસાથે સંયમ પંથે પ્રયાણ કરીને સંપ્રદાયનું ગૌરવ વધારશે, જેમની દીકરી પણ આજે પૂજય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજી છ વર્ષથી સંયમની સાધના સાથે મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે. આકોલાના મુમુક્ષુ પ્રિયંકાબેન પારેખના સંસારી બેન પૂજય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી પણ ચાર-ચાર વર્ષથી સંયમી બનીને મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યાં છે.

પરમધામના અણુમાં હર્ષ-હર્ષ અને જયકારનો ઘોષ ગુંજી ઉઠ્યો હતો જયારે આ અવસરે પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે પ્રગટતા દિવ્ય મંત્રોચ્ચારની સાથે મુમુક્ષુઓના માતા-પિતા અને સ્વજનોએ મુમુક્ષુઓની દિક્ષા આજ્ઞા પત્ર પર હૃદયના સ્વીકારભાવ સાથે મંજૂરીના હસ્તાક્ષર કરીને અત્યંત અહોભાવપૂર્વક પરમ ગુરુદેવના હસ્તકમલમાં દીક્ષા આજ્ઞા પત્ર અર્પણ કરીને સંતાનોના કલ્યાણ માર્ગની સંમતિ આપી હતી.

મુમુક્ષુઓના સંયમ જીવનની ખેવનાના ભાવ સાથે આજીવન એમના ધર્મ માતા-પિતા સ્વરૂપે હિનાબેન ભાવેશભાઈ દામાણી-કોલકાતા, સ્નેહાબેન હિતેનભાઈ મહેતા-રાજકોટ, બંસીબેન ચિંતનભાઈ બરવાળિયા-મુંબઈ, અમીબેન અતુલભાઈ કામદાર-કોલકાતા, મિતાલીબેન તેજસભાઈ ચૌધરી-રાજકોટ, ધર્મ સ્વજન- હર્ષાબેન ભુપેન્દ્રભાઇ મોદી તેમજ મીનાબેન નરેન્દ્રભાઇ દોશી-રાજકોટ અમૂલ્ય લાભ લઈ ધન્ય બન્યા હતા.

(2:55 pm IST)