Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

સ્પાના નામે ચાલતાં બે કૂટણખાનામાં પોલીસ ત્રાટકીઃ પાંચની ધરપકડ : દિલ્હી, રાજકોટ, અમદાવાદની યુવતિઓ પાસે લોહીનો વેપલો કરાવાતો'તો

કોરોનાને કારણે બે વર્ષથી બંધ સ્પા ચાલુ થયા તેની સાથે અમુકમાં ન કરવાના ધંધા પણ ચાલુ થયા : યુનિવર્સિટી પોલીસનો આકાશવાણી ચોક શુભધારા કોમ્પલેક્ષમાં ધ રોયલ મિન્ટ સ્પામાં અને માલવીયાનગર પોલીસનો કાલાવડ રોડ અમીવર્ષા કોમ્પલેક્ષના રોયલ ફેમિલી સ્પામાં દરોડોઃ પોલીસ ગમે ત્યારે કોઇપણ સ્પામાં ચેકીંગ કરશેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા : રોયલમાંથી સંચાલક અક્ષય મકવાણા, મેનેજર હિરેન વાઘેલા અને ગ્રાહક જીગર દુધરેજીયા તથા ફેમિલીમાંથી સંચાલક હિરેન જોષી અને ગ્રાહક પાર્થ રાદડીયાની : ગ્રાહકો પાસેથી સંચાલકો ૨૫૦૦ વસુલી લલનાને ૧૦૦૦ રૂપરડી આપી ૧૫૦૦ પોતે ખાઇ જતા'તા બંને સ્પામાંથી રોકડ, મોબાઇલ ફોન મળી કુલ ૧,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

રાજકોટ તા. ૨૫: કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી સ્પા બંધ રાખવાનો સરકારે આદેશ આપ્યો હતો. ધીમે ધીમે મળેલી છુટછાટમાં સોૈથી છેલ્લે જેને ખોલવાની મંજુરી અપાઇ હતી એ સ્પા હતાં. ગયા મહિને જ ફરીથી ખુલેલા સ્પામાં મોટે ભાગે તો સંચાલકો નિયમો મુજબ મસાજ કરી આપવાનું કામ જ કર્મચારીઓ મારફત કરાવે છે. પરંતુ અમુકને સ્પાની આડમાં ખોટા ધંધા કરી કમાણી કરી લેવી હોઇ કૂટણખાના ચાલુ કરી દે છે. અગાઉ પણ પોલીસે અનેક સ્પામાં દરોડા પાડી કૂટણખાના પકડ્યા હતાં. ત્યાં ગત સાંજે શહેરની યુનિવર્સિટી પોલીસ અને માલવીયાનગર પોલીસે બે સ્પામાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ કરી સંચાલકો, ગ્રાહકો સહિત પાંચને પકડી લીધા છે. આ બંને સ્પામાં રાજકોટ, દિલ્હી, અમદાવાદની લલનાઓને લોહીનો વેપલો કરાવવા માટે કામે રાખવામાં આવી હતી.

યુનિવર્સિટી પોલીસે આકાશવાણી ચોક શુભધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર આવેલા ધ રોયલ મિન્ટ સ્પામાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ પકડી લઇ સંચાલક અક્ષય જીતેશભાઇ મકવાણા (ઉ.૨૨-રહે. પરસાણાનગર-૩, ગેલ કૃપા, જામનગર રોડ) તથા મેનેજર હિરેન રમેશભાઇ દુધરેજીયા (ઉ.૨૧-રહે. પરસાણાનગર-૩, રંભા ભવન, જામનગર રોડ) અને ગ્રાહક જીગર રમેશભાઇ દુધરેજીયા (ઉ.૨૮-રહે. પુષ્કરધામ સોસાયટી સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩-એ સામે ધ ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી રોકડા ૨૫૦૦, છ મોબાઇલ ફોન મળી રૂ. ૧૩૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જીગરને સ્પાના રૂમ નં. ૫માંથી લલના સાથે કઢંગી હાલતમાં પકડવામાં આવ્યો હતો. આ સ્પામાંથી ત્રણ યુવતિઓ મળી હતી. જેમાં એક દિલ્હીની, એક રાજકોટની અને એક અમદાવાદની હોવાનું અને તેણીએ પોતાને ગ્રાહક દિઠ ૧-૧ હજાર સંચાલક તરફથી મળતાં હોવાનું અને સંચાલક ગ્રાહકો પાસેથી ૨૫૦૦-૨૫૦૦ વસુલતા હોવાનું કબુલ્યું હતું.

જ્યારે બીજો દરોડો માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ અમીવર્ષા કોમ્પલેક્ષમાં આવેલા રોયલ ફેમિલી સ્પામાં પાડ્યો હતો. અહિથી સંચાલક હિરેન નિતીનભાઇ જોષી (ઉ.૩૪-રહે. લોકમાન્ય તિલક સાત માળીયા કવાર્ટર નં. ડી-૪૦૪, રેલનગર) અને રૂમ નં. ૩માંથી ગ્રાહક પાર્થ બાબુભાઇ રાદડીયા (ઉ.૨૯-રહે. રણછોડનગર-૭)ને પકડી લેવાયા હતાં. આ સ્પામાંથી બે યુવતિ મળી હતી જે દિલ્હી અને રાજકોટની હોવાનું ખુલ્યું હતું. તેણીએ સંચાલક ગ્રાહકો પાસેથી ૨૫૦૦ વસુલી પોતાને એક એક હજાર આપી પોતાની પાસે લોહીનો વેપલો કરાવાતો હોવાનું કબુલ્યું હતું. પાંચેય યુવતિઓને પોલીસે નિયમ મુજબ સાક્ષી બનાવી હતી. આ સ્પામાંથી ૩૩૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

હોલીડે વેલનેસ સ્પામાંથી જાહેરનામા ભંગ બદલ બે પકડાયા

યુનિવર્સિટી પોલીસે રોયલ પાર્ક એસ.વી. ટાવરમાં સત્યમ માર્ટમાં ચોથા માળે આવેલા હોલીડે વેલનેસ સ્પામાં ચેકીંગ કરતાં પરપ્રાંતીયને કામે રખાયાની જાણ ન કરાઇ હોઇ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ સંચાલક વિજય ઘનશ્યામભાઇ પરમાર (ઉ.૩૫-રહે. ઇન્દિરા સર્કલ પૂજા કોમ્પલેક્ષ બ્લોક નં. ૧૦૫) તથા ગગન શેરસિંગ મુલ (ઉ.૩૧-રહે. આત્મીય કોલેજ સામે શિવાલય કોમ્પલેક્ષ)ની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચનાથી ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ઝોન-૨ વિસ્તારમાં આવતાં સ્પામાં ડ્રાઇવ યોજી ચેકીંગ કરવા સુચના આપી હોઇ એસીપી પી. કે. દિયોરા અને જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એ. બી. વોરા, હેડકોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, વિજયભાઇ, સંજયભાઇ, કુલદિપસિંહ, જેન્તીગીરી, બ્રિજરાજસિંહ, બલભદ્રસિંહ, વિપુલભાઇ, નિલમબેન પાસી તથા પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એ. સી. સિંધવ, બી. બી. રાણા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, કલ્પેશભાઇ મોરી, દિગપાલસિંહ જાડેજા, કોન્સ. કુલદિપસિંહ, રોહિતભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ, શ્રધ્ધાબેન રામાણી સહિતે આ કામગીરી કરી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ તમામ સ્પા સંચાલકોને નિયમોનું પાલન કરવા કડક સુચના આપી છે તેમજ સ્પામાં ગમે ત્યારે ચેકીંગ થશે તેવી તાકીદ કરી છે.

(2:48 pm IST)