Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ચેક પાછો ફરતા આરોપીને છ માસની સજા અને ર લાખ ૯૦ હજારનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા. રપ :  રાજકોટની કોર્ટ દ્વારા નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ આરોપી રમેશભાઇ શામજીભાઇ બોરીચાને છ માસની સજા તથા ફરીયાદીને રૂ. ર,૯૦,૦૦૦/- વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ અને વળતર ન ચુકવે તો વધારાની છ માસની સજા કોર્ટ ફરમાવી હતી.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી કૃણાલભાઇ ઉમેદભાઇ જરીયા પાસેથી આરોપી રમેશભાઇ શામજીભાઇ બોરીચાએ મિત્રતાનો સંબંધે અંગત કામ અર્થે હાથ ઉછીના રૂ. ર,૯૦,૦૦૦/- લીધેલ બાદ સદરહું રકમની માંગણી કરતા આરોપીઓએ તા. ૧૦-૭-ર૦૧૯ ના રોજ નો રૂ. ર,૯૦,૦૦૦/- નો ચેક આપેલ. જે ચેક ફંડ ઇનસફીસીયન્ટ ના શેરા સાથે પરત ફરતા, ફરીયાદીએ આરોપીને તેમના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવેલ છતાં નોટીસમાં જણાવેલ દિવસ-૧પ ની અંદર ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી કૃણાલભાઇ ઉમેદભાઇ જરીયાએ રમેશભાઇ શામજીભાઇ બોરીચા વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદ પક્ષે થયેલ રજુઆત ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી.શ્રીએ આરોપી રમેશભાઇ શામજીભાઇ બોરીચાને દોષીત ઠરાવી છ માસની કેદની સજા તથા રૂ. ર,૯૦,૦૦૦/- વળતરની રકમ ફરીયાદીને ત્રણ માસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરીયાદીને ત્રણ માસની અંદર રકમ ન ચુકવે તો વધુ છ (૬) માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી કૃણાલભાઇ ઉમેદભાઇ જરીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી હિતેષ આર. ભાયાણી રોકાયેલ.

(2:42 pm IST)