Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રાજકોટમાં સવારે ઠંડીના ચમકારા વચ્ચે ગાઢ ધુમ્મસ

આ સિઝનની સૌપ્રથમ ઝાકળવર્ષાઃ લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીઃ હવે ઠંડીમાં વધારો થશે

 

 રાજકોટ : આજે વહેલી સવારે રાજકોટ શહેરમાં જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. અને વોકીંગ કરવા નીકળેલા તથા વાહન ચાલકો અને રાહદારીઓએ ખુશનુમા વાતાવરણનો અનુભવ માણ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૨૫: ફરીથી શિયાળાની અસર વર્તાવા લાગી છે. લઘુતમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે વ્હેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલ. હીલસ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છભરમાં આજે વ્હેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી હતી. કેટલાક સ્થળોએ તો સવારે ૧૦ વાગે પણ ધુમ્મભર્યુ વાતાવરણ જોવા મળેલ. તો સાથોસાથ ફરી ઠંડીના ચમકારા પણ અનુભવાયા હતા.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે વ્હેલી સવારે ઝાંકળવર્ષા જોવા મળેલ. રાજમાર્ગો ઉપર તો ખૂબ જ વધુ ઝાકળ જોવા મળેલ. સવારે શાળાઓ અને કામ ધંધે જતાં બાળકોને મુશ્કેલી વેઠવી પડી હતી.

આજે સવારે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયેલ. ભેજનું પ્રમાણ ૮૯ ટકા હતું. ઝાકળવર્ષાની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો.

હવામાન શાસ્ત્રીઓએ જણાવેલ કે બે- ત્રણ દિવસ ઠંડીના ચમકારા અનુભવાશે. જયારે આ મહિનાના અંતમાં અને ડીસેમ્બરની શરૂઆતમાં ફરી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. છાંટાછુટી કે હળવા વરસાદની શકયતા રહેલી છે.

(11:39 am IST)