Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કોઠારીયા-વાવડીમાં ૧પ૦ કરોડની જમીન ઉપર ૭૦ કોમર્શીયલ દબાણોઃ શુક્રવારે મેગા ડીમોલીશન

હોટલો- રેસ્ટોરન્ટ- કારખાના- વંડા- દુકાનો- શોપીંગ સેન્ટર ઉભા થઇ ગયાઃ તમામને નોટીસ ફટકારાઇ : પ્રાંત ચરણસિંહ દ્વારા કાર્યવાહીઃસર્વે નં. ૩પર-ર૬૪-ર૧૧ માં આડેધડ દબાણોઃ તંત્ર ઉંઘતુ ઝડપાયું

રાજકોટ તા. રપ :..  કોઠારીયા-વાવડીમાં કરોડોની કિંમતની જમીન ઉપર આડેધડ કોમર્શીયલ દબાણો ઉભા થઇ ગયા, તંત્ર ઉંઘતુ ઝડપાઇ ગયું છે, પરંતુ તાજેતરના સર્વે અને રીપોર્ટ બાદ સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલે ધોકો પછાડી આ તમામ કોમર્શીયલ દબાણકારોને  નોટીસો ફટકારી જમીન ખાલી કરવા આદેશો કર્યા છે.આ નોટીસ ફટકાર્યાને ૯ દિવસ થઇ ગયા છે. પરીણામે સીટી પ્રાંત-ર દ્વારા શુક્રવારે મેગા ડીમોલીશન કરાય તેવી શકયતા હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન સીટી પ્રાંત-ર શ્રી ગોહીલે જણાવ્યું હતું કે, કોઠારીયા-વાવડીના સર્વે નં. ૩પર, ર૬૪, ર૧૧ માં કુલ ૭૦ કોમર્શીયલ દબાણો ઉભા થઇ જતા આ તમામને નોટીસો ફટકારાઇ છે, ૮ થી ૧૦ દિવસનો સમય અપાયો છે.

કુલ ૧પ૦ કરોડની આ જમીન ઉપર હોટલો-રેસ્ટોરન્ટ-ચા-પાનની દુકાનો - શોપીંગ સેન્ટર, વંડા, કારખાના- જેવા - કોમર્શીયલ બાંધકામો સરકારી જમીન ઉપર ખડકાઇ ગયા છે, આ બાબતે કલેકટરને પણ રાવ થઇ છે, તંત્ર હવે એકશન મોડમાં  આવ્યું છે, અને આ બધા દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્ત - જીઇબી - જેસીબી સાથે ઓપરેશન હાથ ધરાશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

(3:27 pm IST)