Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદભાઇ પટેલ દરેક કાર્યકરો માટે પિતાતુલ્ય હતા : રાજકોટ કોંગ્રેસ દ્વારા ભાવભીની શ્રધ્ધાંજલી

અહેમદભાઇ કોંગ્રેસના વરિષ્ઠ સલાહકાર હતા : નાનામાં નાના કાર્યકરોને માન આપતા હતાઃ અશોક ડાંગર-મહેશ રાજપૂત શોકાતુર

રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ સાથે અહેમદ ભાઇ પટેલની યાદગાર તસ્વીર

રાજકોટ,તા.૨૫:  શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા દ્યણા સમયથી સારવાર ચાલી રહી હતી.

અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના ચાણકય કહેવાતા હતા. તેઓ કોંગ્રેસ પરિવારમાં ગાંધી પરિવારના સૌથી નજીકના માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યકિત માટે સીક્રેટિવ હતા. તેઓના નિધન થી કોંગ્રેસ પક્ષને મોટી ખોટ વર્તાશે અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે અહેમદ ભાઈની આત્માને શાંતિ મળે.

રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે અહેમદભાઈ મારા પિતા મુલ્ય હતા તેમજ કોંગ્રેસ પાર્ટીના સંગઠનના કામને પ્રાથમિકતા આપી તેઓએ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે કોઈ કસર છોડી નથી વર્ષ ૧૯૯૭ થી લઇ આજસુધી હરહમેશ મને એક દીકરો સમજી રાજકીય અને સામાજિક કઈ રીતે કાર્ય કરવું અને આગળ વધવું તે માટે હમેશા મને માર્ગદર્શન આપેલું હતું અને તેઓ એટલા મોટા મનના હતા તેઓ નાનામાં નાના કાર્યકર્તા હોય કે સામાન્ય માણસ પણ તેઓની પાસે કોઈ કામ અર્થે ગયા હોય તો તેઓ બધાને માન અને સન્માન આપતા હતા તેઓ મારા પરિવાર સાથે હમેશા એક વડીલ તરીકે હમેશા રહ્યા હતા મારા પરિવાર પાસે તેઓને શ્રધાંજલિ આપવા માટે કયાં શબ્દો વાપરવા તેની આજે કમી પડી રહી છે તેવા મારા પિતા સમાન શ્રી અહેમદભાઈ હતા.

એડવોકેટ પરકીન રાજા દ્વારા ભાવાંજલી

કોંગ્રેસ ના દિગગજ નેતા સન્માનીય અહેમદ પટેલ ના દુખદ અવસાન પર અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પણ કરતા કોંગ્રેસી અગ્રણી ને ધારાશાસ્ત્રી ડો. પરકીન રાજા એ જણાવ્યું છે કે જાણે એક અણિશુદ્ઘ અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ ના યુગ નો અંત આવ્યો હોય તેવુ લાગે છે...સ્વર્ગસ્થ તેમના અજાતશત્રુ સ્વભાવ અને પક્ષ પ્રત્યેની અડીખમ વફાદારી અને વિરોધી ઓ ને પણ પોતાના કરવાની ઉમદા આવડત માટે દિર્દ્યકાલીન જાહેર જીવન માં યાદ રહેશે... જાહેરજીવન માં એક અણમોલ રત્ન ઓછુ થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છુ અને તેમના પરિવાર ને આ વજઘાત સહન કરવા પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના કરું છુ.

રાષ્ટ્રીય રાજકારણ અને કોંગ્રેસને મોટી ખોટ : ડો.વસાવડા

પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે, રાહુલજીએ જેને કોંગ્રેસના સ્તંભ ગણાવ્યા છે તેવા ગુજરાતના પુત્ર અહેમદભાઇ પટેલના અવસાનથી કોંગ્રેસને આજે મોટી ખોટ પડી છે. બિન સાંપ્રદાયીકતાનાં પ્રતીક એવા અહેમદભાઇએ ગુજરાતની કાયમ ચિંતા કરી છે. ગુજરાતમાં પડેલ દારૂણ દુષ્કાળ વખતે ઢોરવાડા ખોલી લાખો ગાયોનો જીવ બચાવનાર અહેમદભાઇ પટેલે કચ્છના ભૂકંપ વખતે દેશભરમાંથી મદદ લાવી કચ્છના પુનર્વસનમાં મોટો ભાગ ભજવ્યો હતો.

પક્ષના નાનામાં નાના કાર્યકર સાથે અંગત સંબંધ ધરાવતા અહેમદભાઇ દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં પ્રિય હતા. પાંત્રીસ વર્ષ સુધી સર્વોચ્ચ સ્થાનની નજીક રહેલ અહેમદભાઇની વિદાયથી જાહેર જીવન અને ગુજરાતને મોટી ખોટ પડી છે.

(3:20 pm IST)