Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાજકોટ સિવિલમાં સારવાર સાથે મનથી હારી જનારાઓને હિમ્મત પણ અપાય છેઃ તલાટી મંત્રી ગભાભાઇ રાદડીયા

એકલા દર્દીઓને પરિવારના સભ્ય બની માનસિક હુંફ જરૂરી છે, તેનાથી એ ઝડપથી સ્વસ્થ થઇ શકે છેઃ ડો. આકાંક્ષા : સિવિલમાં નિર્ભિકપણે સારવાર કરાવોઃ પોલીસ કર્મચારી જયપાલસિંહ ઝાલા : સિવિલમાં સારવાર, દવા, ભોજન સહિતની સુવિધા સમયસર ઉપલબ્ધઃ પિતા સાજા થયા પછી ભરતભાઇએ પોતે પણ અહિ જ સારવાર લીધી

મને કોરોના પોઝિટિવ આવતા એકદમ ભાંગી ગયેલો, મનથી હારી ગયેલો, હવે શું થશે તે જ ચિંતા થતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મને સારવારની સાથોસાથ હિંમતની ગોળીઓ પાઈ મારી અંદર નવી આશા જગાવવામાં આવી અને હું કોરોના સામે આજે વિજયી બન્યો છું. આ શબ્દો છે રાજકોટ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાંથી કોરોના મુકિત સાથે જીવનને પોઝિટિવ જોતા થઈ ગયેલા તલાટી-મંત્રી રાદડિયા ગભાભાઈના.

ગભાભાઈને ગત તા. ૧૪ નવેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવ્યો, તેઓ તા. ૧૭ ના સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી થયેલા ત્યારે તેમની હાલત નાજુક હોવાનું ડો. આકાંક્ષા જણાવે છે. તેઓ મનથી હારી ગયેલા. અમારી ટીમે તેમને સઘન સારવાર સાથોસાથ માનસિક સધિયારો પૂરો પાડ્યો. તેમને હકારાત્મક ઉર્જા પુરી પાડી. તેઓ સ્વસ્થ થયા તેમાં સારવાર સાથોસાથ દર્દીની સકારાત્મક ભાવના પણ કામ આવી. ડો. આકાંક્ષા જણાવે છે કે, દર્દી અહીં એકલા હોઈ તેમના ઘરપરિવારના સભ્ય બની તેમને માનસિક હૂંફ પુરી પાડવી જરૂરી છે. જે દર્દીનો ખાલીપો દૂર કરી ઝડપથી સ્વસ્થ થવામાં મદદરૂપ બને છે.               

આવો જ કંઈક અનુભવ ભરતભાઈ પરમારનો છે. સિવિલ હોસ્પિટલના નામથી હંમેશા અણગમો રહેતો. પરિવારમાં વારાફરતી ત્રણ જણાને કોરોના આવ્યો. પહેલા તેમના પિતાને કોરોના થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. પિતાએ ફોનમાં સિવિલ હોસ્પિટલમાં મળતી સારવાર અને સુવિધાની વાત કરી. ડોકટરની સમયસર વિઝીટ, નિયમિત દવા, ભોજન, કસરત, સફાઈ વિષે વાત કરી. મને જયારે કોરોના થયો ત્યારે મેં પણ અહીં જ સારવાર લેવાનો નિશ્યય કર્યો. આજે જયારે હું કોરોનામુકત બની ઘરે જાવ છું ત્યારે અહીંની સમગ્ર ટીમનો અને વહીવટી તંત્રનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે, તેમ ભરતભાઈ જણાવે છે.

પોલીસ ખાતામાં નોકરી કરતા જયપાલસિંહ ઝાલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સારવાર બાદ વિદાય લેતા ભીના હૈયે જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં આવ્યા પછી તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. અહીં દર્દી પ્રત્યેની સ્ટાફ દ્વારા લેવામાં આવતી સંભાળ, સમયસર ભોજન, દવા સહીત કોઈ કચાશ રાખવામાં આવતી નથી. સિવિલ હોસ્પિટલ વિષે જે કોઈ પણ ગેરસમજ હોય તે દૂર કરી કોરોનાના દર્દી  સિવિલ હોસ્પિટલમા નિર્ભીકપણે દાખલ થાય તેમ અહીંની સારવારના વખાણ કરતા જયપાલસિંહ જણાવે છે.

(2:35 pm IST)