Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

આયુષ્યમાન કાર્ડ કૌભાંડઃ રાજકોટના વણિક આગેવાન વિજય માધાણીએ આર્થિક લાભ માટે સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી મારફત કેમ્પ યોજ્યો'તોઃ ૬ની ધરપકડ

સુરતનો શૈલેષ ઘીયા પોતાની આયુષ્યમાન કાર્ડ કાઢવાની આઇડીને બદલે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરની આઇડીનો ગેરકાયદે ઉપયોગ કરતો'તો!: રાજકોટના કેમ્પ માટે ત્રણ ઓપરેટર કામે રાખ્યા'તા : પ્ર.નગર પોલીસે જીલ્લા પંચાયતના આયુષ્યમાન યોજનાના નોડલ ઓફિસર ડો. પપ્પુકુમારસિંહની ફરિયાદ પરથી રાજકોટના વણિક આગેવાન શાસ્ત્રીનગરના વિજય ઉર્ફ વિરેન્દ્રભાઇ માધાણી, રામકૃષ્ણનગરના ધીરેન્દ્રભાઇ ગોરસીયા અને સુરતના શૈલેષ ઘીયા તથા તેના ત્રણ ઓપરેટરો ભરૂચના શાહીમખાન, વસીમ અને ભાવીનની ધરપકડ કરીઃ સુત્રધારો કિશોર ગાંધી અને દિલીપ ગાંધીની શોધખોળ

આયુષ્યમાન કૌભાંડઃ શહેરની રમેશભાઇ છાંયા સ્કૂલ ખાતે ગઇકાલે વણિક સમાજના લોકો માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ. ૩૦ના બદલે રૂ. ૭૦૦-૭૦૦ ઉઘરાવી કૌભાંડ આચરવામાં આવી રહ્યાની માહિતીને પગલે આરોગ્ય સમિતીના ચેરમને જયમિન ઠાકરે કલેકટર તંત્રનું ધ્યાન દોરતાં દરોડો પડતાં જબરૂ કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી વૈષ્ણવ વણિક જ્ઞાતિના આગેવાન વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણી સહિત છ લોકોની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડ સરકારે નક્કી કરેલી કાયદેસરની ફી રૂ. ૩૦ લઇને કાઢી આપવાને બદલે રૂ. ૭૦૦-૭૦૦ ઉઘરાવી આવા કાર્ડ સદર બજારની રમેશભાઇ છાંયા સ્કૂલ ખાતે ગેરકાયદેસર રીતે કાઢી આપવા માટેનો વણિક સમાજન માટેના લોકોનો કેમ્પ ગઇકાલે રવિવારે યોજાયો હોઇ તેમાં થતી ગેરરીતિ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય કલ્યાણ સમિતીના ચેરમેન જયમિન ઠાકરે ઉઘાડી પાડતાં સુરત, ભરૂચના ૪ અને રાજકોટના વણિક સમાજના બે લોકો ઝડપાઇ જતાં તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં બે મુખ્ય સુત્રધાર તરીકે સુરત વણિક સમાજના આગેવાન કિશોર ગાંધી અને અમદાવાદના આગેવાન દિલીપ ગાંધીના નામ સામે આવ્યા છે. આ બંનેનો સંપર્ક રાજકોટ વૈષ્ણવ વણિક સમાજના આગેવાન-પ્રમુખ વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણીએ કરી કેમ્પનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. અગાઉ કિશોર અને દિલીપે સુરત, ભરૂચ, વડોદરામાં આવા કેમ્પ સફળતા પુર્વક યોજી નાંખ્યાનું પણ સામે આવી રહ્યું છે.

કૌભાંડનો પર્દાફાશ જયમિન ઠાકરે કર્યા બાદ આ અંગે પોલીસે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ડિસ્ટ્રીકટ કવોલિટી એસ્ટોરન્સ મેડિકલ ઓફિસર તરીકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી  જન આરોગ્ય યોજનામાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. પપ્પુકુમારસિંહ રામેશ્વરપ્રસાદ સિંહ (ઉ.૪૮-રહે. પરિમલ સોસાયટી, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ)ની ફરિયાદ પરથી રાજકોટ નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-૩૮૮માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.૫૨) તથા રામકૃષ્ણનગર-૮ ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.૬૨)  તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.૨૮) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-૩, શકિતનાથ સર્કલ પાસે સી-૨૭ ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.૨૩)   તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.૧૯) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-૨૦૧માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.૧૯) તથા  તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી ૪૦૯, ૩૪ મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના  છએયની ધરપકડ કરી છે.

જીલ્લા પંચાયતના મેડિકલ ઓફિસર ડો. પપ્પુકુમારસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે આયુષ્યમાન ભારતના જે કાર્ડ સમગ્ર રાજકોટ જીલ્લામાં નીકળે છે તેની કામગીરીનું સુપરવિઝન મારે કરવાનું હોય છે. રવિવારે બપોરે અમારા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર નિખીલભાઇ જાદવ મારફત જાણ થઇ હતી કે આરએમસી આરોગ્ય સમિતીના ચેરમને જયમીનભાઇ ઠાકરે ફોન કરી સદર બજારમાં આવેલ રમેશભાઇ છાંયા  તથા લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં નિયમ મુજબની રૂ. ૩૦ની ફીને બદલે રૂ. ૭૦૦-૭૦૦ લઇ અમુક માણસો ગેરરીતિ આચરી રહ્યા છે. આથી હું તાત્કાલીક સ્કૂલ પર પહોંચ્યો હતો. જ્યાં મિડીયા કર્મચારીઓ અને અમારા કર્મચારી નિખીલભાઇ તથા જયમીનભાઇ ઠાકર પણ હતાં.

અમે સ્કૂલની અંદર રૂમમાં જઇ જોતાં લેપટોપ ઓપરેટર તરીકે ભાવીન વાઘેલા (ભરૂચ) જોવા મળ્યો હતો. બીજા  લેપટોપ પર સાહીમખાન પઠાણ (ભરૂચ), વસીમ દિવાન (ભરૂચ) જોવા મળ્યા હતાં. આ ત્રણેય જણા ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરને ફાળવાયેલી સરકારી આઇડી પર આયુષ્યમાન કાર્ડ માટે એનરોલમેન્ટ કરતાં મળ્યા હતાં. ડો. કેશવકુમારનું યુઝર આઇડી હતું. તેના પર આયુષ્યમાન કાર્ડની અપ્રુવલ થઇ રહી હતી.

ચોથો વ્યકિત હાજર હોઇ તેનું નામ શૈલેષ ઘીયા (સુરત) જાણવા મળ્યું હતું. શૈલેષે પોતાના ત્રણ ઓપરેટરોને પોતાની આઇડીના બદલે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરને ફાળવેલી સરકારી આઇડનો ઉપયોગ કરી ગેરરીતી આચરી હોવાનું જણાયું હતું.

અન્ય એક વ્યકિતએ પોતાનુું નામ ધીરેન્દ્રભાઇ ગોરસીયા (રહે. રાજકોટ-ઉ.૬૨) જણાવ્યું હતું. તેની પાસેથી આયુષ્યમાન કાર્ડ માટે લોકો પાસેથી ઉઘરાવાયેલી રકમ મળી હતી. જેની ગણતરી કરતાં રૂ. ૧,૧૭,૨૦૦ થયા હતાં. આ રૂપિયામાંથી રૂ. ૩૯૦૦ તેના પોતાના હોવાનું તેણે કહ્યું હતું. ધીરેન્દ્રભાઇને પુછતાં તેણે એવું કહ્યું હતું કે, 'અમારા વણિક સમાજના પ્રમુખ વિજયભાઇ માધાણીએ અમારા સુરતના આગેવાન કિશોર ગાંધી અને અમદાવાદના આગેવાન દિલીપ ગાંધી સાથે મળી આ કેમ્પનું આયોજન કર્યુ હતું. તેમજ તેણે વ્યકિત દિઠ રૂ. ૭૦૦ ઉઘરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની વાત કરી હતી. દરોડો પડતાં વિજયભાઇ માધાણી, કિશોર ગાંધી અને દિલીપ ગાંધી જતાં રહ્યા હતાં. જુદા-જુદા લોકો પાસેથી આયુષ્યમાન કાર્ડ કઢાવવા જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, રેશનકાર્ડ સહિતના મેળવી ફોર્મ ભર્યા હતાં અને ૭૦૦-૭૦૦ ઉઘરાવી કોમ્પ્યુટરમાં એન્ટ્રીઓ કરાવી હતી. લોકોએ જે દસ્તાવેજ કાગળો આપ્યા હતાં એ કાગળો વિજયભાઇ, કિશોરભાઇ અને દિલીપભાઇ લઇને જતાં રહ્યા છે.'

ઉપરોકત વાત ધીરેન્દ્રભાઇ ગોરસીયાએ મને જણાવી હતી. એ પછી મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભાવીન વાઘેલા, સાહીમખાન, શૈલેષ ઘીયા, ધીરેન્દ્રભાઇ ગોરસીયા, વિજય માધાણી, કિશોર ગાંધી અને દિલીપ ગાંધીએ પોતાનો ઇરાદો પુરો કરવા ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ  કે જે કઢાવવા માટે રૂ. ૩૦ની જ કાયદેસરની ફી છે તેના બદલે રૂ. ૭૦૦-૭૦૦ વસુલી કાર્ડ કાઢવાની કાર્યવાહી કરી ઓઇ અને તેમાં પણ શૈલેષ ઘીયા કે જે મુખ્ય ઓપરેટર છે તેણે પોતાની આઇડીના બદલે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરને ફાળવેલ સરકારી આઇડીનો ઉપયોગ પોતાને સત્તા ન હોવા છતાં કર્યો હોઇ તમામ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

રાજકોટના કેમ્પમાં ૩૫ થી ૩૬ લોકો પાસેથી પૈસા વસુલી આયુષ્યમાન કાર્ડની ઓનલાઇન એનરોલમેન્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જયમિન ઠાકરને એક મિત્ર મારફત ઓડિયો કલીપ મળી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યાની વાતચીત હોઇ કલેકટરશ્રીને જાણ કરતાં તેમની સુચનાથી જીલ્લા પંચાયત આરોગ્ય અધિકારીઓની ટૂકડી ત્રાટકી હતી.

સમગ્ર કૌભાંડની વિશેષ તપાસ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા,  પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઇ સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ મકવાણા, જનકભાઇ, જયેન્દ્રસિંહ, અશોક હુંબલ સહિતની ટીમ કરી રહી છે. સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધીની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવશે.

સુરતના શૈલેષને કિશોર અને દિલીપે કેમ્પનું કામ સોંપ્યું હતું

. કિશોર અને દિલીપ ગાંધીએ અગાઉ ભરૂચ, વડોદરા, સુરતમાં આવા કેમ્પ યોજી તેમાં સફળતા મેળવી હતી. આ બંનેનો કોન્ટેકટ રાજકોટના કેમ્પ માટે રાજકોટ વણિક સમાજના આગેવાન વિજયભાઇ ઉર્ફ વિરેન્દ્ર માધાણી (રહે. શાસ્ત્રીનગર)એ કરતાં બંનેએ સુરતના શૈલેષ ઘીયાને રાજકોટના કેમ્પનું કામ સોંપતા તેણે ત્રણ ઓપરેટરો ભાવીન, આસીમ અને વસીમ સાથે રાજકોટ આવી  કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં બધાને ભેગા કરવાનુ કામ વિજયભાઇ માધાણીએ અને રૂપિયા કલેકશન સંભાળવાનું કામ ધીરેન્દ્રભાઇ ગોરસીયાએ સંભાળ્યું હતુ.

શૈલેષ અગાઉ ભરૂચ હેલ્થ સેન્ટરમાં કામ કરતો હોઇ ત્યાંની આઇડી વાપરી

. મુખ્ય કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ ઘીયા અગાઉ ભરૂચ હેલ્થ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડનું કામ કરી ચુકયો હતો. આથી તેની પાસે ત્યાંની આઇડીના પાસવર્ડ હોઇ તેણે પોતાની આઇડીને બદલે ત્યાંની આઇડીનો ઉપયોગ કર્યો હતો. તે ભરૂચની આઇડી હોઇ ત્યાં જ આ કાર્ડની કામગીરી કરે શકે તેવો નિયમ છે. આમ છતાં તેણે રાજકોટ આવી વૈષ્ણવ વણિક જ્ઞાતિના લોકો પાસેથી આર્થિક લાભ મેળવવા રાજકોટના તથા સુરત, અમદાવાદના વૈષ્ણવ વણિક સમાજના આગેવાનો સાથે મળી રૂ. ૩૦ને બદલે સાતસો-સાતસો ઉઘરાવી આયુષ્યમાન કાર્ડ કઢાવવા કેમ્પ કર્યો હતો.

જેની આઇડી શૈલેષે વાપરી છે તે ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના આઇડી ધારક તથા ટીએચઓ (તાલુકા હેલ્થ સેન્ટર)ને ફાળવેલી આઇડીના ધારક ડો. કેશવકુમાર અંગે પણ તપાસ કરશે.

આગેવાન માધાણીના કહેવાથી પોતે મદદે આવ્યાનું ધીરેન્દ્રભાઇનું રટણઃ તેની પાસેથી જ રોકડ કબ્જે થઇ

. પોલીસે કેમ્પના સ્થળે હાજર રામકૃષ્ણનગરના વૃધ્ધ ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (ઉ.૬૨)ની પણ ધરપકડ કરી છે. કારણ કે કેમ્પમાં જે લાભાર્થીઓ પાસેથી રોકડ ઉઘરાવાઇ હતી તે રોકડ તેની પાસેથી મળી આવી હતી. તેણે જીલ્લા પંચાયતના અધિકારીશ્રી સમક્ષ એવું કહ્યું હતું કે પોતાના સમાજના આગેવાન શાસ્ત્રીનગર અજમેરાના વિજયભાઇ ઉર્ફ વિરેન્દ્રભાઇ માધાણીએ આ કેમ્પનું આયોજન કર્યુ હોઇ તેમાં પોતે મદદ કરવા આવ્યા હતાં. વિજયભાઇએ સુરતના સમાજના આગેવાન કિશોરભાઇ અને અમદાવાદના દિલીપભાઇ ગાંધીનો સંપર્ક કરીને આ કેમ્પ રાખ્યો હોવાનું પણ તેણે કહ્યું હતું.

લેપટોપ, રોકડ, મોબાઇલ ફોન, ફિંગર પ્રિન્ટના મશીનો કબ્જે

બાકીના દસ્તાવેજો કિશોર અને દિલીપ ગાંધી લઇને ભાગી ગયાઃ વિજય પણ ભાગી ગયેલ, તેની ધરપકડ

. પોલીસે કેમ્પના સ્થળેથી ચાર લેપટોપ, છ મોબાઇલ ફોન, રોકડા રૂ. ૧,૧૭,૨૦૦ તથા ફિંગર પ્રિન્ટ લેવાના મશીનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રજૂ કરેલા દસ્તાવેજો કિશોર ગાંધી અને દિલીપ ગાંધી લઇને ભાગી ગયા હતાં. કેમ્પમાં આ બંને પણ ખાસ હાજર હતાં. પણ દરોડો પડ્યો ત્યારે ભાગી ગયાનું સામે આવ્યું છે. તે પકડાયા બાદ વધુ વિગતો સામે આવશે. દરોડો પડતાં કિશોર ગાંધી અને દિલીપ ગાંધી સાથે વિજય ઉર્ફ વિરેન્દ્ર માધાણણી પણ ભાગી ગયેલ. તેની પાછળથી પોલીસે ધરપકડ કરી લીધી છે.

(3:42 pm IST)