Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગાંધીનગરના રઘુવંશી વેપારીનું અપરહણ કરી ગુપ્તીની અણીએ લાખોની ખંડણી પડાવી

બે ઝડપાયા : મુખ્ય સુત્રધાર જમીન દલાલ વિષ્ણુ પ્રજાપતિ લાપતા

રાજકોટ : પાટનગર ગાંધીનગરમાં સેકટર ૨૧માં રહેતા અરવિંદભાઇ ગીરધરલાલ ઠકકર (કૈલાશ કોર્પોરેશન)ના નામથી લીગ્નાઇટ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. જેની યોગેશ બાબુભાઇ પ્રજાપતિ નોકરી કરતો હતો. અગાઉ યોગેશની સાથે વિષ્ણુ બાબુભાઇ પ્રજાપતિ અરવિંદભાઇની ઓફીસે આવતો હોવાથી તેનો પરિચય થયો હતો. યોગેશે અરવિંદભાઇને ફોન કરીને કહ્યુ હતુ કે, તેમના સંબંધીએ ફેકટરી કરી હોવાથી તેમને લીગ્નાઇટની જરૂર છે. બાદમાં વિષ્ણુ પ્રજાપતિને ફેકટરીનો માલીક ગણાવીને યોગેશે મીટીંગનું નકકી  કરી પુન્દ્રાસણ બોલાવ્યા હતા. જયા ચાર રસ્તાથી વિષ્ણુ તેમની ગાડીમાં બેસી ગયો હતો અને અહીથી દોઢેક કીમી દુર ફેકટરી છે તેવુ જણાવી સીમમાં લઇ ગયો હતો. ખેતરમાં પહોચતા વિષ્ણુ પ્રજાપતિએ અરવિંદભાઇને ગુપ્તી બતાવીને રૂ. ૨૦ લાખ આપવા ધમકી આપી હતી.

અરવિંદભાઇએ સેકટર૩માં રહેતા જનકભાઇ ઠકકરને ફોન કરીને વિષ્ણુના સાથી મહેશ જશવાણીને રૂ. ૧૦ લાખ અપાવ્યા હતા. દરમિયાન વિષ્ણુનો ભાઇ સુરેશ પ્રજાપતિ મારૂતી વાનમાં આવ્યો હતો અને બે દિવસમાં બાકીના  રૂ. ૧૦ લાખની વ્યવસ્થા કરવાની ધમકી આપીને વિષ્ણુએ અરવિંદભાઇને રસ્તામાં ઉતારી દીધા હતા.

આ અંગે અરવિંદભાઇએ ફરીયાદ આપતા પીએસઆઇ એમ.એસ.રાણાએ ગણતરીના કલાકોમાં સુરેશ પ્રજાપતિ અને મહેશ જશવાણીને ઝડપી લીધા હતા. મુખ્ય સુત્રધાર જમીન દલાલ વિષ્ણુ પ્રજાપતિ ફરાર છે.

(3:43 pm IST)