Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રૂખડીયા પરાના રેલ્વે પુલની કામગીરીમાં ભયંકર બેદરકારી ? લત્તાવાસીઓમાં ભારે રોષ

ખાડામાં ૨૧ ટન માલ ભરેલ ડમ્પર ખુંચી જતા પીલરનાં સળીયા વળી ગયાઃ આ ગંભીરતા ધ્યાને લઇ તાકીદે ક્ષતી દુર કરાવવા રેલ્વે તંત્ર સમક્ષ લતાવાસીઓનો પોકાર

રાજકોટ તા.૨૫: શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને રેલ્વે ફાટક મુકત કરવા મનપા અને રેલ્વે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં અંડરબ્રિજ અને ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે.

દરમિયાન રેલ્વે દ્વારા ડબલ ટ્રેકની કામગીરી અન્વેય  રાજકોટ રેલ્વે જંકશનથી રૂખડીયાપરા વિસ્તાર તરફ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનાં કામમાં ભયંકર બેદરકારી દાખવાતી હોય ત્યારે આ કામની ક્ષતી દુર કરવા વિસ્તારવાસીઓએ માંગ કરી છે. આ બેદરકારીના કારણે આગામી સમયમાં ભયંકર સમસ્યા સર્જાય નહિ તે માટે લતાવાસીઓએ રેલ્વે સમક્ષ આ ક્ષતી દુર કરવા તાકીદ કરી છે.

રાજકોટના ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજાનું મોડી રાત્રે ધ્યાન દોરવામાં આવતા તેમણે તાકિદે આ કામકાજ રોકાવી લીધું હતું.

મોડી રાત્રે મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા, રાજકોટના મેયર શ્રી પ્રદિપ ડવ, સ્ટે. ચેરમેન શ્રી પુષ્કર પટેલ સહિતના આગેવાનોનું ધ્યાન દોરવામાં આવતા તેમણે આ બાબત ગંભીરતાથી લીધી હતી.

રેલવેના શ્રી હિરેન મહેતા (સેક્રેટરી વેસ્ટન રેલવે મજદુર સંઘ)નું આ અંગે ધ્યાન દોરવામાં આવતા તેમણે તાકિદે ઉપર સુધી ધ્યાન દોરી સમગ્ર બાબત ગંભીરતાથી લીધી છે.

આ અંગે વિસ્તારવાસીઓનાં જણાવ્યા પ્રમાણે ભગવતીપરાનાં રૂખડીયાપરા  વિસ્તારમાં હૈયાત રિવર બ્રિજની બાજુમાં બીજો પુલ  રેલ્વે દ્વારા  બનાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા આ બ્રિજનાં ખાડામાં ૨૧ ટન ભરેલુ ડમ્પર ખુંચી જવા જતા બ્રીજનાં પીલર કામનાં લોખંડનાં સળીયા ડેમેજ થયા છે. જેના કારણે મથાળુ નબળુ થઇ જાય તો આગામી સમયમાં ભયંકર સમસ્યા સર્જાય શકે તેમ છે.

આ ડમ્પર ચાલુ બાંધકામ મટીરીયલ ઉપર ખાબકયા બાદ તેને તો ખસેડી લેવાયુ, પરંતુ તેના વજનથી સ્ટીલના સ્ટ્રકચરને જે નુકશાન થયુ તેની મરામત કર્યા વગર જ આગળનું કામ શરૂ કરી દેવામાં આવ્યાનું ચર્ચાય રહ્યું છે.

ભવિષ્યમાં કોઇ ભયંકર સમસ્યા સર્જાય નહિ તે માટે રેલ્વે તંત્ર આ કામગીરીની ક્ષતિઓ દુર કરે તેવો પોકાર વિસ્તારવાસીઓએ ઉઠાવ્યો છે.

(તસ્વીર : સંદિપ બગથરીયા)

અંતે રેલવે તંત્ર સફાળુ જાગ્યુ : ક્ષતિ નિવારવા તૈયારીઓ આદરી

આ મામલે હોબાળો મચી જતા અંતે રેલવે તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને તપાસના દોરડા ધણધણાવ્યા છે. જરૂર પડયે ક્ષતિ દૂર કરવા જે કંઇ કરવું પડે તે કરવા તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે.

(3:42 pm IST)