Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

દારૂ અને જૂગારના ૧૫ ગુનામાં સામેલ ઢેબર કોલોનીની જીન્નત માણેકને પાસામાં ધકેલાઇ

નવા કાયદા હેઠળ કાર્યવાહીઃ ભકિતનગર પોલીસ અને પીસીબીની ટીમે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલહવાલે કરવામાં આવી

રાજકોટ તા.૨૫: ઢેબર કોલોની કવાર્ટર નંબર ૧૫૭ મદ્રેસાની સામે રહેતી જીન્નત સિદ્દીકભાઇ માણેક નામની મહિલાને પાસાના નવા કાયદા હેઠળ અમદાવાદ જેલહવાલે કરવામાં આવી છે.

જીન્નત વિરૂધ્ધ દારૂ જૂગારના પંદરેક જેટલા ગુના અગાઉ નોંધાઇ ચુકયા છે. છેલ્લે તે ચકલા પોપટના ચિત્રો પર જૂગારધામ ચલાવતાં પકડાઇ હતી. તેણીને પાસાના નવા કાયદા મુજબ જૂગારના કેસો અંતર્ગત પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજૂર કરી અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે.

ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબીના પીઆઇ આર. વાય. રાવલ, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી, ભકિતનગરના હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલી છે.

(2:52 pm IST)