Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કાળીપાટ 'ડબલ મર્ડર' કેસમાં ૩૦૨ કલમ હેઠળ ૩ તકસીરવાનઃ સજાનો ચુકાદો ગમે ત્યારે

આજથી ૧૦ વર્ષ પહેલા કાળીપાટ ગામે માતાજીના મંદિરે તાવાપ્રસાદના કાર્યક્રમમાં બોલાચાલી થતાં મહેન્દ્રસિંહ જાડેજા અને વિશ્વજીતસિંહ જાડેજાની હત્યા થયેલ હતી : ડબલ મર્ડરની ઘટના બાદ મહિનાઓ સુધી કાળીપાટ ગામે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો : ૧૬૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરી ફરિયાદપક્ષ્ક્ષ દ્વારા ૪૧ સાહેદોની જુબાની લેવામાં આવી હતી : ૩૦૨ હેઠળ આરોપી છગન રઘા દુધરેજીયા, સુરેશ રઘા દુધરેજીયા અને દિનેશ દેવશી દુધરેજીયાને આજીવન કેદની સજા થઇ શકે તેવા ગુનામાં તકસીરવાન ઠેરવાયા : આરોપી ધીરૂ રઘા દુધરેજીયાની કલમ ૩૨૪ હેઠળ અને આરોપી બાબુ ઉકા દુધરેજીયાની કલમ ૩૨૪ અને ૩૨૬ હેઠળ તકસીરવાનઃ બે મહિલા સહિત પાંચ આરોપીઓને શંકાનો લાભ અપાયો

રાજકોટ : શહેરની ભાગોળે આવેલ કાળીપાટ ગામે થયેલ 'ડબલ મર્ડર'ના કેસનો આજે સેસન્સ કોર્ટ દ્વારા ચુકાદો રાખવામાં આવેલ હતો. પ્રસ્તુત તસ્વીરોમાં સૌ પ્રથમ ઉપરના ભાગે ડાબેથી પ્રથમ તસ્વીરમાં મૃતક વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા તેની બાજુમાં પાઘડી પહેરેલ મૃતક મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા દર્શાય છે, ત્યારબાદ કોળી જુથના ચાર આરોપીઓ તેમજ તેની બાજુની તસ્વીરમાં બે મહિલા આરોપીઓ દર્શાય છે. નીચેની તસ્વીરમાં ડાબેથી પ્રથમ ફરિયાદી સત્યજીતસિંહ એ. જાડેજા તથા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર અનિલભાઇ દેસાઇ તથા તેમની બાજુમાં અનિલભાઇ દેસાઇ સાથે મૂળ ફરીયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર, અજીતસિંહ પરમાર વિગેરે દર્શાય છે તેમજ છેલ્લી તસ્વીરમાં બચાવપક્ષના એડવોકેટ ભાવિન દફતરી દર્શાય છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૫ : કાળીપાટના ચકચારી ડબલ મર્ડર કેસમૉ આજે બપોરે ૩ કલાકે અધિક સેશન્સ જજ શ્રી ડી.એ. વોરાએ ખુનના ગુના માટે કલમ ૩૦૨ હેઠળ આરોપી છગન રઘા દુધરજેીયા, સુરેશ રઘા દુધરેજીયા અને દિનેશ દેવશી દુધરેજીયાને આજીવન કેદની સજા થઇ શકે તેવા ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે. જ્યારે અન્ય બે આરોપી ધીરૂ રઘા દુધરજેીયાની કલમ ૩૨૪ હેઠળ દોષીત ઠરાવેલ છે અને આરોપી બાબુ ઉકા દુધરેજીયાની કલમ ૩૨૪ અને ૩૨૬ હેઠળ તકસીરવાન ઠરાવેલ છે. બે મહિલા સહિત બાકીના પાંચ આરીપોઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે. જ્યારે સામા પક્ષે થયેલ ક્રોસ કેસની ફરીયાદમાં સાત આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર કાળીપાટ ડબલ મર્ડર કેસની સુનાવણી પુરી થતાં સંભવતઃ આજે રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજે બપોર બાદ ચુકાદો અપાવવાની સંભાવના હોય ભારે ઉત્તેજના ફેલાઇ છે.

વધુ વિગત મુજબ રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે તા. ૧૦/૦૭/૨૦૧૧ ના રોજ સાંજના સુમારે માતાજીના મંદિરે તાવા પ્રસાદના કાર્યક્રમમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કોળી જુથ દ્વારા અચાનક તિક્ષ્ણ હથીયારો સાથે ગરાસીયા યુવાનો ઉપર કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાનું ઘટના સ્થળે અને વિશ્વજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો.

આ બનાવની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની ફરીયાદ પરથી છગન રઘા દુધેરજીયા, ધીરૂ રઘા દુધેરજીયા, સુરેશ રઘા દુધરેજીયા, દિનેશ દેવશી દુધરેજીયા, મનસુખ દેવશી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, અને બે મહીલા સહીત દસ શખ્સો સામે હત્યા, હત્યાની કોશીષ, મારામારો અને રાયોટીંગની કલમ હેઠળ ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પુર્ણ થતા તમામને જેલ હવાલે કરેલ છે.

જયારે સામા પક્ષે સવજી દેવશી દુધરેજીયાની ફરીયાદ પરથી બે મરણ જનાર તથા સુખદેવસિંહ જુવાનસિંહ જાડેજા, હરપાલસિંહ બાલુભા જાડેજા, જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ બાપુભા જાડેજા, હિતેન્દ્રસિંહ રામદેવસિંહ જાડેજા, સહદેવસિંહ માનભા જાડેજા સહીત નવ સામે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ હત્યા કેસના મુખ્ય ચાર આરોપીઓ કે જેઓના મરણ જનાર ઉપર ઘા હતા તેઓના જામીન ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવેલ હતા.

આ કેસની ચાર્જશીટ અદાલતમાં રજુ થતાં કાનુની જંગના મંડાણ મંડાયાં હતા જેમાં સ્પે. પી.પી. તરીકે અનિલભાઇ દેસાઈ અને મુળ ફરીયાદી વતી એડવોકેટ રૂપરાજર્સિંહ પરમાર રોકાયા હતા અને બચાવ પક્ષે એડવોકેટ તરીકે નિરંજનભાઈ દફતરી અને દિપકભાઈ ત્રિવેદી રોકાયા હતા.

આ કેસમાં અનેક કાનુની દાવપેચો અને કાયદાની આટીઘુંટીથી ઘેરાયેલો કેસ અગીયાર વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલતા આ કેસની સુનવણી સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા બન્ને પક્ષોની રજુઆતમાં બન્ને પક્ષે મળી આશરે ૧૬૦ જેટલા દસ્તાવેજી પુરાવા અને ૪૧ જેટલા સાહેદોની મૌખીક જુબાની લઈ તપાસવામાં આવેલ.

જેમાં હત્યા કેસમાં ફરીયાદી સહીત ઈજા પામનાર કુલ ચાર દાર્શનીક સાહેદોને તપાસવામાં આવેલા. તથા બન્ને કેસની સુનવણીમાં ત્રણ સરકારી અને બે ખાનગી તબીબોને તપાસવામાં આવેલા. સ્પે. પી.પી. અનિલભાઈ દેસાઈની લેખીત તથા મૌખીક અને રૂપરાજસિંહ પરમાર દ્વારા લેખીત દલીલ કરવામાં આવેલ છે.

આ સૌરાષ્ટ્ર-કચ્છના ચકચારી ડબલ મર્ડર કેસમાં ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજકોટ જીલ્લાના પુર્વ જીલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસીકયુટર, રાજકોટના જાણીતા સીનીયર એડવોકેટ શ્રી અનિલભાઈ આર. દેસાઈની સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે ખાસ નિમણુંક કરેલી. ઉપરાંતમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઈ આર. દેસાઈની મદદમાં મુળફરીયાદી - ભોગ બનનાર સત્યજીતસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા વતી રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી રૂપરાજસિંહ આર. પરમાર રોકાયેલા હતા.

સદરહું કેસ રાજકોટની સેશન્સ કોર્ટમાં શરૂ થતા સરકારશ્રી તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઈ આર. દેસાઈએ કુલ- ૧૦૩ દસ્તાવેજી પુરાવા ફરીયાદપક્ષના સમર્થનમાં રજુ કરેલા. તેમજ તમામ ઈજા પામનાર સાહેદો, નજરે જોનાર સાહેદો, કુલ - ૭ નિષ્ણાંત તબીબો/ડોકટરો, પોલીસ અમલદારો સહિતના કુલ - ૨પ સાહેદોની જુબાનીઓ લીધેલી.

આ કેસમાં સરકાર તરફે દલીલ કરતા સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઈ આર. દેસાઈએ એવી રજુઆત કરેલ કે, આરોપીઓ વિરૂઘ્ધના સમગ્ર તહોમતનામાં મુજબનો પુરાવો ફરીયાદપક્ષે શંકા રહિત સાબિત કરેલ છે. સમગ્ર કેસમાં તમામ કડીઓ પુરવાર થાય છે. ફરીયાદપક્ષના સાહેદો, પંચો સ્વતંત્ર છે. મુદામાલ બાબતેનો વૈજ્ઞાનિક પરીક્ષણનો રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે. આરોપીઓ વિરૂઘ્ધનો ગુન્હો સાબિત કરવા માટે ફરીયાદપક્ષે કાનુની, ભરોષાપાત્ર, તટસ્થ, સંપુર્ણપણે વિશ્વાસજન્ય સબળ પુરાવો રજુ કરેલ છે. ફરીયાદપક્ષે તહોમતનામું નિઃશંકપણે સાબિત કરેલ છે અને આરોપીઓનું ગુન્હાહિત કૃત્ય સાબિત કરેલ છે. જેથી આરોપીઓને તહોમતનામાંમાં દર્શાવેલ કલમો અન્વયે સખત નશ્યતે સજા કરવા વિનંતી કરેલ.

સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઈ આર. દેસાઈએ તેમની દલીલોના સમર્થનમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા તથા ગુજરાત હાઈકોર્ટના કુલ - ર૪ ચુકાદાઓ સેશન્સ કોર્ટમાં રજુ કરી આરોપીઓને તહોમતનામામાં દર્શાવેલ કલમો અન્વયે સખત નશ્યતે સજા કરવા રજુઆત કરેલ હતી.

આ સૌરાષ્ટ્ર - કચ્છના ચકચારી ડબલ મર્ડર કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઇ આર. દેસાઇ રોકાયેલા હતા. મુળ ફરિયાદી - ભોગ બનનાર સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા વતી રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી રૂપરાજસિંહ આર. પરમાર રોકાયેલા હતા.

સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર શ્રી અનિલભાઇ આર. દેસાઇ સાથે મદદમાં એડવોકેટ સર્વશ્રી શૈલેષભાઇ કે. મોરી, વિનુભાઇ એમ. વાઢેર, શૈલેષભાઇ પી. પંડીત, રીતીનભાઇ આર. મેંદપરા તથા વિજયભાઇ ડી. ભલસોડ, જસ્મીતભાઇ ઠાકર તથા કિંજલબેન કે. દફતરી રોકાયેલા હતા. જ્યારે આરોપીઓ વતી એડવોકેટ શ્રી પથિક દફતરી, ભાવિન દફતરી, દિપકભાઇ ત્રિવેદી, દિનેશ રાવલ રોકાયા હતા.

(3:36 pm IST)